અમદાવાદ: નવરંગપુરામાં રિક્ષામાં ધમધમતો 'દારૂનો અડ્ડો': વીડિયો વાઈરલ થતાં પોલીસ દોડતી થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પણ છતાં છાસવારે રાજ્યના ખૂણે ખૂણેથી દારૂ પકડાતો હોવાના સમાચાર આવતા રહે છે. એમાંય અમદાવાદમાં રેડ કરી કરીને દારૂ પકડવાના બણગા ફૂંકતી પોલીસની રહેમરાહે જ દારૂનો વેપલો થતો હોવાના કેટલાય કિસ્સાઓ સામે આવે છે, ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા નવરંગપુરામાં પણ જાહેર રોડ પર જ રિક્ષામાં બિન્દાસ દારૂનો વેપલો થઈ રહ્યો છે. નવાઈની વાત છે કે, આ બાબતે વીડિયો ફરતા થયા છે પણ સ્થાનિક પોલીસને આ બાબતની જરાય ખબર નથી તેવું લાગી રહ્યું છે. આ વાઈરલ વીડિયો બાબતે નવરંગપુરા પોલીસ સ્ટેશનના PIને પૂછતા તેમણે જણાવ્યું કે, 'અમે આ મામલે કાર્યવાહી કરીશું…'
નવરંગપુરામાં રિક્ષામાંથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ
11 જુલાઈથી સોશિયલ મીડિયામાં નવરંગપુરાના લિબર્ટી સર્કલ નજીક રોડના કિનારે ઝાડ નીચે ઉભેલી રિક્ષામાં અંગ્રેજી અને દેશી દારૂનું પોલીસના ડર વગર બિન્દાસ વેચાણ થઈ રહ્યું હોય તેવો વીડિયો ફરી રહ્યો છે. એવી પણ વિગત સામે આવી છે કે, આ સ્થળની આસપાસ ગર્લ્સ હોસ્ટેલ છે, એટલું જ નહીં પોલીસ સ્ટેશન પણ નજીકમાં જ હોવાનું જણાય છે.
વીડિયો વાઈરલ થતા પોલીસે કહ્યું- તપાસ કરીશું
આ વાઈરલ વીડિયો અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનના PIને પૂછ્યું હતું. જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, 'દારૂ વેચતા હોવાના વીડિયો અંગે અમે તપાસ શરૂ કરી છે. લિબર્ટી ચાર રસ્તા પાસે પોલીસ મોકલીને તપાસ કરાવી છે. અમે બે-ત્રણ દિવસ પહેલાં જ આ લોકો પર એક કેસ કરેલો છે. આ લોકો સાંજે ફરીથી દારૂ વેચવા નીકળશે તો અમે તેમની પર બીજો કેસ પણ કરી દઈશું. આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'









