નારોલ પોલીસ ઊંઘતી રહી અને PCBએ એસ.પી. રિંગ રોડ પર ટ્રકમાંથી લાખોનો દારૂ ઝડપી પડ્યો, આરોપી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Liquor smuggling Ahmedabad: અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતા અને નાઇટ પેટ્રોલિંગના પોકળ દાવાની પોલ ખોલતી ઘટના સામે આવી છે. નારોલ પોલીસ ઊંઘતી રહી અને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ની ટીમે એસ.પી. રિંગ રોડ પરથી પસાર થતી એક ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે.
રામદેવ અને આઇ માતા હોટલ વચ્ચેથી રાજસ્થાનનો ટ્રક પકડાયો
મળતી વિગતો અનુસાર, આજે વહેલી સવારે એસ.પી. રિંગ રોડ પર કમોડ ચાર રસ્તાથી આગળ આવેલી રામદેવ હોટલ અને આઇમાતા હોટલ વચ્ચેના રોડ પરથી પસાર થઈ રહેલા રાજસ્થાનના એક ટ્રકને પીસીબીની ટીમે બાતમીના આધારે આંતર્યો હતો. ટ્રકની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન ટ્રકમાંથી દારૂની કુલ 141 પેટીઓ મળી આવી હતી.પકડાયેલા દારૂ અને બિયરની કિંમત 25,15,552 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે 10,00,000 રૂપિયાની કિંમતનો ટ્રક પણ કબજે કર્યો છે, આમ કુલ 35,15,552 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અંધારાનો લાભ લઈ બુટલેગર ફરાર
આ દરોડા દરમિયાન ટ્રકનો ચાલક અંધારાનો લાભ ઉઠાવીને ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ મામલે પીસીબી દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે વોન્ટેડ ડ્રાઇવર તેમજ રાજસ્થાનથી દારૂનો આટલો મોટો જથ્થો મોકલનાર અને અમદાવાદમાં મંગાવનાર બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.









