અમદાવાદ: LG હોસ્પિટલમાં મૃતદેહ સાચવવા 18 કોલ્ડ સ્ટોરેજ શરૂ, હવે પોસ્ટમોર્ટમ માટે સિવિલના ધક્કા બંધ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad LG Hospital Maninagar New Mortuary: પૂર્વ અમદાવાદના નાગરિકો માટે મણિનગર સ્થિત શેઠ એલ.જી. મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં નવી મોર્ટ્યુરી(શબઘર) સુવિધાનો પ્રારંભ કરાયો છે. આધુનિક પોસ્ટમોર્ટમ વિભાગ અને અદ્યતન કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓથી સજ્જ આ મોર્ટ્યુરી શરૂ થતાં હવે પૂર્વ વિસ્તારના લોકોને પોસ્ટમોર્ટમ સહિતની મેડિકો-લીગલ કામગીરી માટે અસારવા સિવિલ હોસ્પિટલ અથવા અન્ય દૂરની હોસ્પિટલ સુધી જવાની જરૂર નહીં પડે.
પૂર્વ અમદાવાદના લોકોને હવે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ જવું નહીં પડે
અત્યાર સુધી પૂર્વ અમદાવાદમાં અકસ્માત, આકસ્મિક મૃત્યુ સહિતના કેસોમાં પોસ્ટમોર્ટમ અને અન્ય કાયદાકીય પ્રક્રિયા માટે મૃતદેહને દૂરની હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડતી હતી. મણિનગર ખાતે જ આ સુવિધા ઉપલબ્ધ થતાં મૃતદેહના પરિવહન, સમય અને અંતરની દોડધામમાં ઘટાડો થશે અને જરૂરી તબીબી તથા કાયદાકીય પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળશે.
18 કોલ્ડ સ્ટોરેજ યુનિટની વ્યવસ્થા
નવી મોર્ટ્યુરીમાં કુલ 18 અદ્યતન કોલ્ડ સ્ટોરેજ યુનિટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ યુનિટમાં મૃતદેહોને યોગ્ય તાપમાને સુરક્ષિત રીતે રાખી શકાશે. મોર્ટ્યુરીમાં પોસ્ટમોર્ટમ માટેની આધુનિક સુવિધાઓ ઉપરાંત જરૂરી સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં ફોરેન્સિક નિષ્ણાતો અને જરૂરી સાધનો ઉપલબ્ધ હોવાથી પોસ્ટમોર્ટમ તથા મેડિકો-લીગલ તપાસની કામગીરી મણિનગર ખાતે જ થઈ શકશે.
સ્વજનો અને પોલીસને પણ રાહત થશે
નવી સુવિધાથી મૃત્યુના કિસ્સામાં મૃતદેહને અસારવા કે અન્ય દૂરની હોસ્પિટલ સુધી લઈ જવાની જરૂરિયાત ઘટશે. ખાસ કરીને અકસ્માત અથવા આકસ્મિક મૃત્યુના કેસોમાં મૃતદેહના પરિવહન દરમિયાન થતી સમય અને ટ્રાફિક સંબંધિત મુશ્કેલીઓમાં રાહત મળશે. મૃતકના સ્વજનો માટે પણ આ સુવિધા મહત્ત્વપૂર્ણ બની રહેશે. પોસ્ટમોર્ટમ અને સંબંધિત પ્રક્રિયા માટે લાંબા અંતરની દોડધામ કરવી નહીં પડે અને મૃતદેહ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.
મેડિકલ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમમાં ઉપયોગી
મણિનગરની નવી પોસ્ટમોર્ટમ યુનિટ તબીબી શિક્ષણની દૃષ્ટિએ પણ ઉપયોગી બનશે. મેડિકલ વિદ્યાર્થીઓને ફોરેન્સિક મેડિસિન, ટોક્સિકોલોજી તેમજ મેડિકો-લીગલ પ્રક્રિયાઓ અંગે પ્રાયોગિક જ્ઞાન મેળવવામાં મદદ મળશે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર મોર્ટ્યુરીની નવી સુવિધા શરૂ થવાથી પૂર્વ અમદાવાદમાં નાગરિકોને મેડિકો-લીગલ અને મૃતદેહ સંભાળ સંબંધિત સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. આ સાથે પોસ્ટમોર્ટમની કામગીરી માટે દૂરની હોસ્પિટલ પરની નિર્ભરતા પણ ઘટશે.




