Ahmedabad

VIDEO| શીલજ હિટ એન્ડ રન કેસ: આરોપી રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપાયો, મૃતકના પતિએ હાથ જોડીને માંગ્યો હતો ન્યાય

By GS Team
16 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના શીલજ કેનાલ રોડ પર નવપરિણીત નિશી દરજીનું બેફામ ટુ-વ્હીલરની ટક્કરે મોત થયું હતું. બોપલ પોલીસે રાજસ્થાનના ડુંગરપુરથી આરોપી સુનિલ પરમારને ઝડપી પાડ્યો છે. 11 સપ્ટેમ્બરે ગરબા ક્લાસથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. પતિએ ન્યાય માટે વીડિયો શેર કરતા પોલીસે CCTV ફૂટેજના આધારે 19 વર્ષીય આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| શીલજ હિટ એન્ડ રન કેસ: આરોપી રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપાયો, મૃતકના પતિએ હાથ જોડીને માંગ્યો હતો ન્યાય

Ahmedabad Bopal Accident: અમદાવાદના શીલજ કેનાલ રોડ પર ગત 11 સપ્ટેમ્બરના મોડી રાત્રે બેફામ ટુ વ્હીલરની ટક્કરથી એક્સેસ લઈને જતી 29 વર્ષીય નવપરિણીતા નિશી દરજીનું મોત નીપજ્યું હતું. આ ઘટના સંદર્ભે બોપલ પોલીસ સ્ટેશનમાં ટુ વ્હીલર ચાલક સામે ગુનો નોંધાયો હતો. તેવામાં પત્નીના મોત બાદ પતિએ ન્યાયની માગ કરતો ભાવુક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આમ, શીલજ હિટ એન્ડ રન કેસ મામલે બોપલ પોલીસે આરોપી સુનિલ પરમારની રાજસ્થાનના ડુંગરપુરથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાનના ડુંગરપુરથી આરોપી ઝડપાયો

આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે અકસ્માત સર્જનાર આરોપીની ઓળખ 19 વર્ષીય સુનિલ ગણેશ પરમાર તરીકે કરી હતી. અકસ્માત બાદ આરોપી સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો, જ્યાંથી તે ડૉક્ટરની રજા લીધા વિના જ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ બોપલ પોલીસે ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને ફરાર આરોપી સુનિલને તેના વતન રાજસ્થાનના ડુંગરપુર ખાતેથી ઝડપી પાડી આજે(16 સપ્ટેમ્બર) સવારે તેની સત્તાવાર ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રનું બાઈક લઈને સિગરેટ પીવા નીકળ્યો હતો...

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી સુનિલ મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો નિવાસી છે અને છેલ્લા 3 વર્ષથી અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ કરે છે. એ ઘટનાની રાત્રે સુનિલ પોતાનું કામ પૂરું કરીને મિત્રનું બાઈક લઈને સિગરેટ પીવા નીકળ્યો હતો, જેની પાછળ તેનો મિત્ર જીતેન્દ્ર મીણા પણ સવાર હતો, અને તેણે ઉતાવળમાં ફુલ સ્પીડમાં બાઈક હંકાવ્યું હતું.

વધુ પોલીસે જણાવ્યું કે, અકસ્માત થયા બાદ આરોપી 108 એમ્બ્યુલન્સમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયો હતો. પણ પોતે ખૂબ ડરી ગયો હોવાથી ડૉક્ટરની પરમિશન કે કોઈને જાણ કર્યા વગર જ અધૂરી સારવાર છોડીને આરોપી પોતાના મિત્રના ઘરે પહોંચ્યો હતો, આ પછી ત્યાંથી રાજસ્થાનમાં પોતાના વતન ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અમે ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ, બાઈકની સ્પીડ 80થી 100 વચ્ચે હોઈ શકે છે, પરંતુ ચોક્કસ ઝડપ એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાશે.

મૃતક નિશીના પતિએ કરી ભાવુક અપીલ

શું હતી સમગ્ર ઘટના?

શીલજ ડી.પી.એસ. કેનાલ રોડ પર માધવ અધવેદ કોમ્પ્લેક્સ પાસે ગરબા ક્લાસ પૂર્ણ કરી પતિ-પત્ની અલગ અલગ ટુ-વ્હીલરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બે મહિના પહેલાં જ પરણેલી નવવધૂનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટક્કર એટલી પ્રચંડ હતી કે નવવધૂ વાહન સાથે 10 ફૂટ સુધી ઢસડાઈ હતી. અકસ્માત સર્જી બાઈકચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

બોપલ ખાતે રહેતા અને વ્યવસાયે કોરિયોગ્રાફર હાર્દિક દરજી હાલ સાયન્સ સિટી ખાતે બ્લૂમિંગ કેમ્પમાં ગરબા ક્લાસ ચલાવે છે. બે મહિના પૂર્વે જ તેમના લગ્ન વસ્ત્રાપુરની નિશી સાથે થયા હતા. 11 સપ્ટેમ્બરે ક્લાસ પૂર્ણ કર્યા બાદ હાર્દિક પોતાના બાઈક પર અને નિશી એક્સેસ પર ઘર તરફ નીકળ્યા હતા. આ દરમિયાન ડી.પી.એસ. કેનાલ રોડ પર માધવ અધવેદ કોમ્પ્લેક્સ પાસે રોડ ક્રોસ કરતી વેળાએ પૂરપાટ ઝડપે આવેલા બાઈકે નિશીના વાહનને અડફેટે લીધું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં નિશીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.