અમદાવાદ: ઇસનપુરમાં યુવકનું બાઇક પર અપહરણ કરી રૂ.1.60 લાખ પડાવી લેનાર નકલી પોલીસના જામીન નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Isanpur Fake Police Kidnapping Case: અમદાવાદના ઇસનપુરમાં મોડી રાત્રે બાઇક લઇને પસાર થતાં યુવકને પાંચ આરોપીઓએ રોકી તેનું અપહરણ કરી 'તું ખોટા ધંધા કરે છે, જેલમાં જવુ પડશે અને મીડિયામાં આવી જશે' તેમ કહી તેના ખાતામાંથી રૂ.1.60 લાખ ઉપાડી લેનાર નકલી પોલીસ શાકીરહુસેન શેખની જામીન અરજી એડીશનલ સેશન્સ જજ જે.આઇ.પટેલે ફગાવી દીધી છે.
ઇસનપુરમાં યુવકનું બાઇક પર અપહરણ કરી રૂ.1.60 લાખ પડાવી લેનાર નકલી પોલીસના જામીન નામંજૂર
આરોપીની જામીન અરજી ફગાવતા કોર્ટે અવલોકન કર્યું હતું કે, નકલી પોલીસ બની ફરિયાદીનું બળજબરી પૂર્વક અપહરણ કરી રૂ.1.60 લાખ અને બાઇક પડાવી લીધેલું છે. ફરિયાદીએ આરોપીને ઓળખ પરેડમાં ઓળખી બતાવ્યો છે. આરોપી વિરુધ્ધના ગુનાની ગંભીરતા ધ્યાને લેતા, ચાર્જશીટ બાદ એવા કોઇ સંજોગો બદલાયેલા હોવાનું જણાતું નથી. જામીન અરજીના તબક્કે વધુ ગુણદોષમાં ન ઉતરતા હાલના આરોપીની તરફેણમાં વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવો ન્યાયી અને વ્યાજબી જણાતું નથી.
ફરિયાદી ઇસનપુર સમ્રાટનગર પાસેથી પોતાનું બાઇક લઇને પસાર થતો હતો. ત્યારે સાદા કપડામાં ઉભેલા આરોપીઓએ પોલીસ તરીકેની ઓળખ આપી હતી. અને બાઇક પર તેનું અપહરણ કરી મણિનગર અવાવરું જગ્યાએ લઇ ગયા હતા અને 'તું ખોટા ધંધા કરે છે, તારે જેલમાં જવું પડશે' તેમ કહીની ધમકી આપી તેના ખાતામાંથી રૂ.1.60 લાખ વિડ્રો કરી લીધા હતા. જે કેસમાં જેલમાં રહેલા આરોપી શાકીરહુસેન શેખે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરેલી કે, તે નિર્દોષ છે. ફરિયાદમાં ત્રણ આરોપીઓના નામ છે. પોલીસે ચાર જણાની ધરપકડ કરી છે અને એક આરોપીને ભાગેડૂ બતાવ્યો છે. સી.સી.ટી.વી. ફુટેજમાં આરોપીની હાજરી જણાઇ આવેલી નથી. આથી જામીન મંજૂર કરવા જોઇએ.
જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટે દલીલ કરેલી કે, આરોપી વિરુધ્ધ ગંભીર પ્રકારનો ગુનો છે. આરોપી સામે ફરિયાદીની રેકી કરવાનો મહત્ત્વનો રોલ છે. પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી છે. જો આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો ફરીથી આ પ્રકારનો ગુનો કરવાની શક્યતા રહેલી છે. આથી જામીન અરજી ફગાવી દેવી જોઇએ. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.




