અમદાવાદમાં પ્રથમ વખત જીઓપોલિમર ટેક્નોલોજીથી રોડ રિપેર કરાશે, માત્ર 2 કલાકમાં રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Geopolymer Technology Road Repair Ahmedabad: અમદાવાદમાં કોંક્રિટ રોડ પર પડેલા ખાડા અને તૂટેલા ભાગોના સમારકામ માટે હવે જીઓપોલિમર ટેક્નોલોજીનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીથી રોડ રિપેર કર્યા બાદ આશરે 2 કલાકમાં જ રસ્તો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી શકાશે, જેના કારણે લાંબા સમય સુધી રોડ બંધ રાખવાની અને તેના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા ઘટાડવામાં મદદ મળશે. રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન સીએ (ડૉ.) જૈનીક વકીલના જણાવ્યા મુજબ, ઝડપી રિપેરિંગ અને ટકાઉપણાને કારણે આ ટેક્નોલોજી આગામી સમયમાં શહેરી રોડ રિપેર માટે મહત્ત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે.
અમદાવાદમાં પ્રથમ વખત જીઓપોલિમર ટેક્નોલોજીથી રોડ રિપેર કરાશે
હાલ કોંક્રિટ રોડના મોટા ખાડા કે તૂટેલા ભાગના સમારકામમાં ઘણી વખત આખી પેનલ તોડીને કામગીરી કરવી પડે છે. જીઓપોલિમર ટેક્નોલોજીમાં જરૂરિયાત મુજબ માત્ર ક્ષતિગ્રસ્ત ભાગનું જ રિપેરિંગ કરી શકાશે. અલગ-અલગ કદના ખાડા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
આ ટેક્નોલોજીમાં ક્લિંકરમુક્ત સામગ્રી અને ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સ તથા ખાસ મિનરલ આધારિત બાઇન્ડર્સનો ઉપયોગ કરીને મજબૂત મટિરિયલ તૈયાર કરવામાં આવે છે. તેમાં પાણી ઉમેરીને ખાડામાં ભરવાની પ્રક્રિયા કરવામાં આવે છે.
2 કલાકમાં 24 MPa મજબૂતીનો દાવો
જીઓપોલિમર ટેક્નોલોજીની ખાસિયત તેની ઝડપી મજબૂતી હોવાનું જણાવવામાં આવ્યું છે. પરીક્ષણ મુજબ સામાન્ય રોડની આશરે 24 MPa જેટલી મજબૂતી માત્ર 2 કલાકમાં પ્રાપ્ત થઈ શકે છે. પરિણામે રિપેરિંગ બાદ લાંબા સમય સુધી રોડ બંધ રાખવાની જરૂરિયાત ઘટશે.
કોંક્રિટ રોડ માટે આ ટેક્નોલોજી મુખ્યત્વે ઉપયોગી રહેશે. જરૂરિયાત અને યોગ્ય પરિસ્થિતિ હોય તો બિટુમિનસ રોડના કેટલાક ભાગોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
પાણી અને મજૂરીની પણ બચત
સામાન્ય રીતે કોંક્રિટના કામ બાદ ક્યોરિંગ માટે સતત પાણીનો છંટકાવ અને મજૂરીની જરૂર પડે છે. જીઓપોલિમર ટેક્નોલોજીમાં રિપેર બાદ ક્યોરિંગ માટે પાણી છાંટવાની જરૂર નહીં પડે, જેના કારણે પાણીની સાથે મજૂરી અને દેખરેખનો ખર્ચ તથા સમય પણ બચી શકે છે. આ ટેક્નોલોજી ક્લિંકરમુક્ત સામગ્રી પર આધારિત હોવાથી પર્યાવરણની દૃષ્ટિએ પણ તેને અનુકૂળ વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે.
ચોમાસામાં પણ યોગ્ય સ્થિતિમાં રિપેરિંગ શક્ય
જરૂરિયાત મુજબ અને યોગ્ય પરિસ્થિતિમાં ચોમાસા દરમિયાન પણ જીઓપોલિમરથી રોડ રિપેરિંગ કરી શકાય તેવો દાવો કરવામાં આવ્યો છે. એટલે વરસાદની સિઝનમાં કોંક્રિટ રોડના ખાડા અને તૂટેલા ભાગોના ઝડપી સમારકામમાં પણ આ ટેક્નોલોજી ઉપયોગી બની શકે છે.
2 વર્ષની DLP રહેશે
આ ટેક્નોલોજીથી કરવામાં આવનારા રોડ રિપેરિંગ માટે 2 વર્ષની ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ (DLP) રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન રિપેર કરાયેલા ભાગમાં કામગીરી સંબંધિત કોઈ ખામી જણાય તો નિર્ધારિત શરતો મુજબ તેનું જરૂરી સમારકામ કરવામાં આવશે.
મુંબઈ સહિત અન્ય શહેરોમાં પણ ઉપયોગ
જીઓપોલિમર ટેક્નોલોજીનો ઉપયોગ મુંબઈના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સહિત અન્ય શહેરોમાં પણ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હવે અમદાવાદમાં પ્રથમ વખત આ ટેક્નોલોજીથી રોડ રિપેરિંગ કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. ઝડપી મજબૂતી, માત્ર ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ, ઓછા સમયમાં ટ્રાફિક શરૂ કરવાની ક્ષમતા તેમજ પાણી અને મજૂરીની બચતને કારણે અમદાવાદમાં રોડ રિપેરિંગની પદ્ધતિમાં આ ટેક્નોલોજી મહત્ત્વનો બદલાવ લાવી શકે છે.




