અમદાવાદના ઇસનપુરમાં વેપારીની સાળીએ ભાણેજ પાસેથી દરવાજાનો પાસવર્ડ મેળવીને ચોરી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News | અમદાવાદ શહેરના ઇસનપુર શાહઆલમ વિસ્તારમાંથી એક વેપારીના મકાનમાંથી રૂપિયા 50 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરીના મામલે ઇસનપુર પોલીસે વેપારીની સાળીની ધરપકડ કરીને ચોરીનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. હોમ લોન ચુકવવા માટે સાળીએ તેના બહેન-બનેવીના મકાનને ટારગેટ કર્યું હતુ અને ભાણેજને વિશ્વાસમાં લઇને મુખ્ય દરવાજાના પાસવર્ડને જાણીને તેણે ચોરી કરી હતી.
શાહઆલમમાં આવેલા બાદશાહ કોલ્ડડ્રીક્સ પાસે આવેલા રોયલ નવાબ ફ્લેટમાં રહેતા નદીમમિયા બાગબાન નામના વેપારી ગત 26મી જુલાઇએ તેમના પરિવાર સાથે સાંજે બહાર જમવા માટે ગયા હતા અને પરત આવ્યા ત્યારે જોયુ તો ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત 50 લાખની મત્તાની ચોરી થઇ હતી. જો કે ઘરમાં કોઇ તોડફોડ થઇ નહોતી.
જેથી કોઇ જાણભેદુની સંડોવણી હોવાની શક્યતાને આધારે ઇસનપુર પોલીસે નદીમમિયાના ઘર નીચે રહેતી સગી સાળી ફરહાનાઝ પઠાણની પુછપરછ કરતા તે ભાંગી પડી હતી. તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી કે તેની માતા ફાઇનાન્સ કંપનીમાંથી 14 લાખની હોમ લોન લીધી હતી. જેનો હપતો ભરવા માટે પૈસા નહોતા. જેથી લોન ચુકવી દેવા માટે તેણે બનેવીના ઘરમાંથી ચોરીનો પ્લાન ઘડયો હતો.
જે માટે તેના બનેવીની દીકરીને વિશ્વાસમાં લઇને ઘરમાં જવાનો ડીજીટલ લોકનો પાસવર્ડ જાણી લીધો હતો. જ્યારે પરિવાર જમવા માટે ગયો ત્યારે તકનો લાભ લઇને તેણે ચોરી કરી હતી. બાદમાં તે દાગીના લઇને તેના મિત્રને મળવા લાલ દરવાજા ગઇ હતી અને દાગીના ભરેલુ પર્સ તેના મિત્રને આપ્યું હતું. તેણે 10 મહિના પહેલા પણ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે.









