Ahmedabad

ગુજરાતમાં દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ! ફાર્મા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે ભાગબટાઈ

By GS Team
7 Jul 20264 mins read
TukuTouch Logo
અમદાવાદ સહિત ગુજરાતમાં હોસ્પિટલો દર્દીઓને દવાઓના નામે લૂંટી રહી છે. ગાયનેકોલોજિસ્ટે લખેલી દવા બહારથી લેતા 6000નો ફરક પડ્યો. હોસ્પિટલના સ્ટોર્સમાં ઊંચી MRPવાળી દવાઓ પર 5-10% ડિસ્કાઉન્ટનો ઢોંગ કરી 500-1000% વધુ નફો કમાવાય છે. કંપનીઓ ડોકટરો સાથે મળીને મોનોપોલી ઉભી કરી દર્દીઓને લૂંટે છે. સરકાર દ્વારા માર્જિનની વ્યાખ્યા કડક બને તો જ આ લૂંટ અટકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ! ફાર્મા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે ભાગબટાઈ

Hospital pharmacy medicine scam: કંપનીઓ અને હોસ્પિટલ્સ સાથે મળીને દર્દીઓને સારવાર દરમિયાન આપવામાં આવતી દવાઓની કિંમત પણ અતિશય ઊંચી લગાડીને લૂંટ ચલાવી રહી છે. એક સગર્ભા મહિલાને અમદાવાદના માદલપુર વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા ગાયનેકોલોજિસ્ટે લખી આપેલી દવા કેમિસ્ટની દુકાનમાં જઈને ખરીદી તો એક જ વારની દવાના બિલમાં Rs. 6000 જેટલો ફરક આવ્યો હતો. તેમણે જે દવાના Rs. 15000માં મળતા હતા તે દવા બહારના કેમિસ્ટ પાસે લેતા રૂ. 5500થી 6000નો ફરક આવ્યો હતો. આ ડૉક્ટર હોસ્પિટલ્સના રૂમની બાબતમાં પણ રૂમદીઠ રૂ. 6000થી 8000નો ચાર્જ વસુલી રહ્યા છે. આ સ્થિતિ એકાદ હોસ્પિટલની નથી. અમદાવાદ અને ગુજરાતની દરેક હોસ્પિટલમાં દર્દીઓને લૂંટવાના આ જ ખેલ ચાલી રહ્યો છે. ડિસ્કાઉન્ટના નામે લૂંટાતી પ્રજાને રોકવી હોય તો સરકાર દ્વારા માર્જીનની વ્યાખ્યા કડક અમલ કરે તો જ લૂંટાતી બંધ થશે.

ડૉક્ટર્સ અને કંપનીઓની ગુપ્ત સિન્ડિકેટ

તમને વાંચીને આશ્ચર્ય થશે કે હોસ્પિટલમાં સારવાર લેવા જતા દર્દીઓને આપવામાં આવતી હોસ્પિટલની સ્પેશિયાલિટીની કેટેગરી પ્રમાણેની ચોક્કસ દવાઓ તેની પરિસરના બે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં સક્રિય કેમિસ્ટોને ત્યાં તે દવા મળતી જ નથી. આ રીતે કંપનીઓ ડૉક્ટર્સને સ્પેશિયાલિટી દવાની જે તે વિસ્તારમાં મોનોપોલી ઊભી કરી આપે છે. આસપાસમાં દવા ન મળતી હોવાથી દર્દીના સ્વજનોએ હોસ્પિટલ્સના સ્ટોર્સમાંથી જ મને કે કમને તેની ખરીદી કરવી પડે છે.

ડિસ્કાઉન્ટના નામે મોટો દંભ

આ હોસ્પિટલ્સના સ્ટોર્સમાં વેચાતી દવાઓ પર પણ કંપનીઓ બેફામ એમ.આર.પી. છાપી રહી છે. દવાઓના કિસ્સામાં માત્ર ને માત્ર હોસ્પિટલ્સના સ્ટોરમાં જ તે દવાઓ મળતી હોય છે. પરિણામે ડૉક્ટરની સીધી સંડોવણી તેમાં પ્રસ્થાપિત થતી નથી. માત્ર તેમના પ્રિસ્ક્રિપ્શનમાં સામ્યતા જોવા મળે છે. હા, હોસ્પિટલમાં ચાલતા સ્ટોરની માલિકી પણ હોસ્પિટલના માલિકોની જ હોવાથી તેમાં ગરબડ થઈ હોવાનું પ્રસ્થાપિત થઈ શકે છે. તેમાં પાંચ દસ ટકા ડિસ્કાઉન્ટ આપીને હોસ્પિટલ્સના સત્તાવાળાઓ દર્દીઓને રાહત આપતા હોવાનો ડોળ કરે છે. વાસ્તવમાં દવા પર છાપેલા ભાવ હોસ્પિટલ્સને આપવામાં આવતા સપ્લાયના ભાવ કરતાં 500થી 1000 ટકા કે કેટલાક કિસ્સાઓમાં તેનાથી પણ વધારે હોય છે. તેમાં હોસ્પિટલ્સે આપેલા દવાના ઓર્ડર સામે ખાસ્સી દવાઓ ફ્રીમાં આપવાની સ્કીમ મૂકીને દર્દીઓને છેતરવામાં આવી રહ્યા છે.

મેડિકલ બિલિંગની નવી ચાલાકી

દર્દીઓના બિલમાં ઘણીવાર દવાઓ અલગથી દર્શાવવામાં આવતી નથી. તેને હોસ્પિટલના સારવાર ખર્ચમાં જ સમાવી લેવામાં આવે છે. હોસ્પિટલ્સના સ્ટોર ચાલકો મોટા માર્જિનવાળી દસથી વીસ દવાઓ રાખી બાકીની 50થી 60 ટકા માર્જિનવાળી દવાઓ રાખીને દર્દીઓને લૂંટી રહ્યા છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરમાં હોલસેલર અને રિટેઈલરના નક્કી કરી આપવામાં આવેલા માર્જિન મુજબ દવાનું ઉત્પાદન કરતી કંપનીઓને તેના માર્જિન નક્કી કરી લીધા પછી હોલસેલર્સના 10 ટકા અને રિટેલર્સના 20 ટકા ચઢાવીને જ મહત્તમ વેચાણ કિંમત છાપવી જોઈએ. માર્જિન હંમેશા ખરીદ કિંમતમાં જ રાખી દે તો ચારી થતી અટકી શકે છે.

વાસ્તવમાં તેમ થતું નથી. એમ.આર.પી. - મહત્તમ છૂટક કિંમત તેનાથી અનેકગણી વધારે છાપી દેવામાં આવે છે.

હોસ્પિટલમાં અપાતી દવાઓમાં જીએસટી અને આવકવેરાની થઈ રહેલી મોટી ચોરી

હોસ્પિટલના સ્ટોરમાંથી દર્દીઓને સારવાર દરમિયા હોસ્પિટલ્સ દ્વારા સીધી આપવામાં આવતી દવાઓમાં જીએસટીની પણ બેફામ ચોરી કરવામાં આવી રહી છે. તેમાં કેટલીકવાર તો દવાના સેમ્પલ્સ (જેના પર લખેલું હોય છે કે નોટ ફોર સેલ)નો ખાસ્સો ઉપયોગ કરી લેવામાં આવે છે. આ સદ્દંતર એક ગેરકાયદે વેચાણ છે. છતાંય ચાલે છે. જીએસટીની તેમાં પણ મોટી ચોરી છે. તેના થકી થતી આવક ઈન્કમટેક્સમાં બતાવે છે કે નહિ તે પણ એક મોટો સવાલ છે. હોસ્પિટલ્સમાં ચાલતા સ્ટોર્સમાં મોટા માર્જીનવાળી દવાઓમાં જ મેક્સિમમ વેચાણ થતું હોવાનું સામાન્ય રીતે જોવા મળે છે. તેથી હોસ્પિટલ્સમાં થતાં દવાના વેચાણમાંથી થતી જીએસટી અને આવકવેરાની ચોરી બહુ ધ્યાનમાં આવતી નથી. આવકવેરા કચેરી તપાસ કરે તો એક જ વર્ષમાં હોસ્પિટલ્સની કરોડોની વેચાણની ચોરી પકડાઈ શકે છે.

20260707-259230-1783363445.jpeg

હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને એસિડિટીની દવાઓ પર લૂંટ

આજે હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને દવાઓના બિલમાં રીતસરના ખંખેરવામાં આવી રહ્યા છે, જેના કેટલાક ચોંકાવનારા ઉદાહરણો સામે આવ્યા છે. ખાસ કરીને હૃદય રોગના ગંભીર દર્દીઓને સાકુબિટ્રીલ (Sacubitril) અને વાલ્સા ટન (Valsartan) જેવી મોંઘી દવાઓમાં મોટા પ્રમાણમાં લૂંટવામાં આવે છે. આ જ રીતે, ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત જરૂરી એવી ગ્લિમીપ્રાઈડ (Glimepiride), પાયોગ્લિટોઝોન (Pioglitazone) અને મેટફોર્મિન (Metformin) ના ઘટકો ધરાવતી દવાઓ પર પણ મનફાવે તેમ ઊંચી એમઆરપી (MRP) છાપી દેવામાં આવે છે. પરિણામે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ મજબૂરીમાં આ મોંઘી દવાઓ ખરીદવા મજબૂર બને છે.

ખૂબ જ સામાન્ય ગણાતી કોલેસ્ટ્રોલની સમસ્યા માટે હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓ પણ આ લૂંટમાંથી બચી શકતા નથી. તેમને આપવામાં આવતી એટોર્વાસ્ટેટિન (Atorvastatin), એસ્પિરિન (Aspirin) અને ક્લોપિડોગ્રેલ (Clopidogrel) ના સાયન્ટિફિક ઘટકોથી બનતી હજારો બ્રાન્ડેડ દવાઓના બિલ એટલા મોટા બનાવવામાં આવે છે કે સામાન્ય માણસની કમર તૂટી જાય. વાસ્તવમાં, ફાર્મા કંપનીઓ જે-તે હોસ્પિટલમાં જે રોગની સારવાર વધુ થતી હોય, તે પ્રમાણે પોતાની દવાઓનું વેચાણ સેટ કરવા માટે હોસ્પિટલ સ્ટોર્સના માલિકોને મસમોટી ઓફરો અને કમિશન આપીને ખુશ રાખે છે. આ આખી સિન્ડિકેટ એટલા માટે સફળ થાય છે કારણ કે મોટાભાગની હોસ્પિટલોમાં ચાલતા આ મેડિકલ સ્ટોર્સ ખુદ હોસ્પિટલના પ્રમોટર્સ કે માલિકોની જ માલિકીના હોય છે, જેથી દર્દીઓ ઈચ્છવા છતાં પણ આ છેતરપિંડીમાંથી બહાર નીકળી શકતા નથી.