Ahmedabad

ટાટ પાસ ન મળે તો UG-PG પાસને પણ જ્ઞાન સહાયકમાં તક, સરકારી-ગ્રાન્ટેડ શાળાઓ માટે નવો ઠરાવ

By GS Team
7 Jul 20263 mins read
TukuTouch Logo
સરકારના શિક્ષણ વિભાગે ધોરણ 9થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી માટે નવો સંકલિત ઠરાવ જાહેર કર્યો છે. હવે ટાટ પાસ ઉમેદવારો ન મળે તો સ્નાતક/અનુસ્નાતકને તક મળશે. વયમર્યાદા પણ માધ્યમિક માટે 48 અને ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષ કરાઈ છે. 11 મહિનાના કરાર આધારિત આ ભરતી ટૂંક સમયમાં શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટાટ પાસ ન મળે તો UG-PG પાસને પણ જ્ઞાન સહાયકમાં તક, સરકારી-ગ્રાન્ટેડ શાળાઓ માટે નવો ઠરાવ

TAT exam passing criteria: સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી માટે અગાઉના જુલાઈ 2023 અને જુલાઈ 2025ના ઠરાવો રદ કરીને નવો સંકલિત ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે.

હવેથી જે તે વર્ષના લાયક 'ટાટ' (TAT) પાસ ઉમેદવારો નહીં મળે, તો અગાઉના વર્ષોમાં ટાટ પાસ કરનારા ઉમેદવારોને પણ તક અપાશે. જો જૂના ટાટ પાસ ઉમેદવારો પણ ઉપલબ્ધ નહીં હોય, તો માધ્યમિક શાળા માટે સ્નાતક (Graduate) અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે પીજી (Post Graduate - અનુસ્નાતક) પાસ ઉમેદવારોને પણ જ્ઞાન સહાયક બનવાની તક મળશે.

આ ઉપરાંત, સરકારે એક અન્ય મહત્ત્વનો સુધારો કરીને વયમર્યાદામાં પણ વધારો કર્યો છે, જેમાં હવે માધ્યમિક શાળા માટે ઉંમરની મર્યાદા વધારીને 48 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 50 વર્ષની કરવામાં આવી છે.

11 મહિનાના કરાર આધારિત ભરતી

રાજ્યની ધોરણ 9થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારે વર્ષ 2023માં કાયમી ભરતીના બદલે 'જ્ઞાન સહાયક યોજના' શરૂ કરી હતી. જુલાઈ 2023ના પ્રથમ ઠરાવ અનુસાર, આ યોજના હેઠળ 11 મહિનાના કરાર પર જ્ઞાન સહાયકોની ભરતી કરવા માટે 'ટાટ' (TAT) પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવામાં આવી હતી.

આ નિયમ મુજબ, માધ્યમિક શાળા માટે ટાટ સેકન્ડરીની અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ટાટ હાયર સેકન્ડરીની પ્રિલિમ તથા મેઈન એમ બંને પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને જ પાત્ર ગણવામાં આવે છે અને સરકાર દ્વારા દર વર્ષે આવી નવી ભરતી કરીને 11 મહિનાના કરાર પર જ્ઞાન સહાયકો લેવામાં આવે છે.

મેરિટના આધારે UG-PG ને સ્થાન

વર્ષ 2023ના આ મૂળ ઠરાવ પછી, ગત વર્ષે જુલાઈ 2025માં નિયમોમાં કેટલીક જોગવાઈઓ બદલીને નવો ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો. આ સુધારા મુજબ, માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી માટે જે તે વર્ષના ઉમેદવારો ન મળે, તો અગાઉના ગમે તે વર્ષમાં 'ટાટ' (TAT) પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોને પણ લેવાનું નક્કી કરાયું હતું. જો આવા જૂના ટાટ પાસ ઉમેદવારો પણ ન મળે અને જગ્યાઓ ખાલી રહેતી હોય, તો મેરિટના આધારે માધ્યમિક શાળા માટે વ્યવસાયિક યુજી (UG - સ્નાતક) પાસ અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે વ્યવસાયિક પીજી (PG - અનુસ્નાતક) પાસ ઉમેદવારોને રાખવાની છૂટ અપાઈ હતી. આ સાથે જ ઉમેદવારોની વયમર્યાદા પણ વધારવામાં આવી હતી, જેમાં માધ્યમિક માટે ઉંમરની મર્યાદા 40થી વધારીને 45 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક માટે 42થી વધારીને 45 વર્ષની કરવામાં આવી હતી.

નવો સંકલિત ઠરાવ

સરકારે અગાઉના બંને ઠરાવો રદ કરીને આજે એક નવો સંકલિત ઠરાવ જાહેર કર્યો છે, જેમાં જ્ઞાન સહાયકો માટેના નિયમોમાં ઘણા મહત્ત્વના સુધારા કરવામાં આવ્યા છે:

  • વયમર્યાદામાં મોટો વધારો: ઉમેદવારોની ઉંમરની મર્યાદા 45 વર્ષથી વધારી દેવામાં આવી છે. હવે માધ્યમિક શાળા માટે વયમર્યાદા 48 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 50 વર્ષની કરવામાં આવી છે.
  • મેરિટની નવી જોગવાઈ: નવી જોગવાઈ મુજબ, જો યોગ્ય ટાટ પાસ ઉમેદવારો નહીં મળે તો અન્ય લાયક ઉમેદવારોને લેવાશે. આ સ્થિતિમાં મેરિટ બનાવવા માટે યુજી (UG) અને પીજી (PG)ના છેલ્લા વર્ષના ગુણની ટકાવારી ધ્યાનમાં લેવામાં આવશે.
  • 11 માસનો કરાર: આ ભરતી અંતર્ગત દર વર્ષે શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે 11 મહિનાનો કરાર આપોઆપ રદ થઈ જશે. સરકારી શાળાઓ માટે 'સ્કૂલ મેનેજમેન્ટ કમિટી' (SMC) અને ગ્રાન્ટેડ શાળાઓ માટે 'સંચાલક મંડળ' દ્વારા આ કરાર કરવાનો રહેશે.
  • વધારાની કામગીરી: જ્ઞાન સહાયકોએ શાળાના નિયમિત સમય ઉપરાંત પણ વધારાના સમયે શાળામાં રોકાવું પડશે. આ સમય દરમિયાન તેમણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, તાલીમ અને હોમ લર્નિંગ જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવાની રહેશે.

ટૂંક સમયમાં નવી જાહેરાત, જુલાઈ અંત સુધી ભરતી પૂર્ણ

ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો. 9થી 12માં જ્ઞાન સહાયકો લેવા માટે સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે. ટાટ સેન્ડકરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ થયેલા અનેક ઉમેદવારો રાહ જોઈને બેઠા છે ત્યારે સરકારનું આયોજન 30 જુલાઈ સુધીમાં નવા જ્ઞાન સહાયકો નીમી દેવાનું છે. જો કે સરકારે નવા ઠરાવમાં કોઈ પગાર વધારો કર્યો નથી પરંતુ માત્ર સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે.