Ahmedabad

છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં 8.19 ઈંચ વરસાદ, રાજ્યમાં કેવું રહ્યું અત્યાર સુધીનું ચોમાસું? રિપોર્ટ જાહેર

By GS Team
21 Jul 20264 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસું 2026 સક્રિય બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 261.59 મિમી (28.78%) વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 43.36% સાથે સૌથી વધુ વરસાદ થયો છે. નર્મદા ડેમ 67.77% ભરાયો છે, જ્યારે 27 જળાશયો ચેતવણી હેઠળ છે. NDRF/SDRF તૈનાત કરાઈ છે અને 8,324 લોકોનું સ્થળાંતર કરાયું છે. 50.83 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં 8.19 ઈંચ વરસાદ, રાજ્યમાં કેવું રહ્યું અત્યાર સુધીનું ચોમાસું? રિપોર્ટ જાહેર

Gujarat Monsoon 2026: ગુજરાતમાં ચોમાસું-2026ની સિઝન અંગે સંકલિત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 261.59 મિમી (10.30 ઈંચ) એટલે કે કુલ મોસમી સરેરાશના 28.78% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો છેલ્લાં ત્રણ વર્ષ સરખામણી કરીએ તો વર્ષ 2023માં 108.16% (948.06 મિમી), 2024માં 143.14% (1263.90 મિમી) અને 2025માં 128.57% (1133.75 મિમી) સરેરાશ વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીએ ચાલુ વર્ષે જુલાઈના ત્રીજા સપ્તાહ સુધીમાં જ આશરે 29% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 43.36% વરસાદ

  • દક્ષિણ ગુજરાત: સરેરાશ 1542 મિમી સામે અત્યાર સુધીમાં 668.65 મિમી (43.36%) વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં જ અહીં 58.02 મિમી સરેરાશ વરસાદ નોંધાયો છે.
  • સૌરાષ્ટ્ર: સરેરાશ 762 મિમી સામે 230.58 મિમી (30.25%) વરસાદ નોંધાયો છે.
  • પૂર્વ-મધ્ય ગુજરાત: સરેરાશ 819 મિમી સામે 161.24 મિમી (19.69%) વરસાદ થયો છે.
  • ઉત્તર ગુજરાત: સરેરાશ 730 મિમી સામે 107.05 મિમી (14.66%) વરસાદ થયો છે.
  • કચ્છ: સરેરાશ 500 મિમી સામે અત્યાર સુધીમાં સૌથી ઓછો 17.10 મિમી (3.42%) વરસાદ પડ્યો છે.


તાલુકાવાર સ્થિતિ જોઈએ તો રાજ્યના કુલ 251 તાલુકાઓમાંથી 16 તાલુકાઓમાં 1000 મિમીથી વધુ, 22 તાલુકાઓમાં 501 થી 1000 મિમી, 42 તાલુકાઓમાં 251 થી 500 મિમી, અને 83 તાલુકાઓમાં 126 થી 250 મિમી જેટલો વરસાદ નોંધાયો છે.

image.png

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 165 તાલુકાઓમાં સરેરાશ 14.25 મિમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં આભ ફાટ્યું હોય તેમ તોફાની વરસાદ વરસ્યો છે.

  • પારડી (વલસાડ): 208 મિમી (8.19 ઈંચ)
  • ખેરગામ (નવસારી): 202 મિમી (7.95 ઈંચ)
  • નાનાપોંઢા (વલસાડ): 182 મિમી (7.17 ઈંચ)
  • વાપી (વલસાડ): 182 મિમી (7.17 ઈંચ)
  • વલસાડ (તાલુકો): 179 મિમી (7.05 ઈંચ)

આજે મંગળવારે નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ

આ ઉપરાંત, આજે (21 જુલાઈ) સવારે 06:00 થી બપોરે 16:00 કલાક સુધીના 10 કલાકમાં પણ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં નવસારીના વાંસદામાં 4.57 ઈંચ (116 મિમી), ચિખલીમાં 3.90 ઈંચ (99 મિમી), ડાંગના વઘઈમાં 3.39 ઈંચ (86 મિમી), નવસારીમાં 3.19 ઈંચ (81 મિમી) અને ગણદેવીમાં 3.15 ઈંચ (80 મિમી) વરસાદ નોંધાયો છે.

image.png

જળાશયોની સ્થિતિ: નર્મદા ડેમ 67.77% ભરાયો, 27 જળાશયો માટે ચેતવણી

ભારે વરસાદને કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં 226,402 mcft સંગ્રહ સાથે ડેમ 67.77% જેટલો ભરાઈ ગયો છે. ડેમની હાલની વોટર લેવલ સપાટી 419.19 ફૂટ (એફઆરએલ: 454.98 ફૂટ) છે અને તેમાં 14,508 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રાજ્યના અન્ય 206 જળાશયો: કુલ સંગ્રહ ક્ષમતાના 40.90% (228,184 mcft) પાણી ભરાયું છે.

  • 100% ભરાયેલા ડેમ: 06 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે.
  • 70% થી 100% ભરાયેલા: 21 જળાશયો.
  • 50% થી 70% ભરાયેલા: 20 જળાશયો.
  • 25% થી 50% ભરાયેલા: 53 જળાશયો.
  • 25% થી નીચે: 106 જળાશયો.

12 ડેમ હાઈ એલર્ટ

રાજ્યના કુલ 27 ડેમો માટે વિશેષ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 12 ડેમ હાઈ એલર્ટ પર છે (જેમ કે અમરેલીના ધાતરવડી અને સુરજવડી, ભાવનગરના રોજકી અને શેત્રુંજી, સુરેન્દ્રનગરના વંસલ તથા તાપીના દોસવાડા ડેમ 100% ભરાઈ જવાથી હાઈ એલર્ટ પર છે). આ ઉપરાંત 2 ડેમ એલર્ટ પર અને 13 ડેમ વોર્નિંગ હેઠળ મુકાયા છે. દમણગંગા ડેમમાંથી 25,525 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

રાહત-બચાવ કામગીરી, સ્થળાંતર અને વીજ-માર્ગ વ્યવહાર

  • NDRF & SDRF તૈનાતી: રાજ્યભરમાં 11 NDRF ની ટીમો અને 24 SDRF પ્લેટૂન ડીપ્લોય (તૈનાત) કરવામાં આવી છે. આ ઉપરાંત 3 NDRF અને 9 SDRF ની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
  • સ્થળાંતર અને રેસ્ક્યૂ: ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 8,324 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 3,711 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સુરતમાંથી 4,683 સ્થળાંતર અને 3,416 રેસ્ક્યૂ તથા નવસારીમાંથી 2,113 સ્થળાંતર કરવામાં આવ્યા છે.
  • વીજ પુરવઠો (GUVNL): વરસાદથી અસરગ્રસ્ત થયેલા તમામ 3,402 ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. 7,120 માંથી 7,131 ફીડરો અને 7,660 માંથી 7,639 પોલનું સમારકામ પૂર્ણ કરાયું છે.
  • રસ્તાઓની સ્થિતિ (R&B): ભારે વરસાદને કારણે રાજ્યમાં પંચાયત હસ્તકના 222 અને સ્ટેટ હાઈવેના 2 મળી કુલ 224 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં 110 અને નવસારી જિલ્લામાં 81 રસ્તાઓ બંધ છે.
  • એસ.ટી. બસ (GSRTC): એસ.ટી. નિગમની રૂટ કે ટ્રીપ વ્યવહાર હાલ સામાન્ય રીતે ચાલુ છે.

50.83 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સંપન્ન
સારા વરસાદને પગલે રાજ્યના ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. રાજ્યમાં સામાન્ય ખરીફ વાવેતર વિસ્તાર 85.30 લાખ હેક્ટર સામે અત્યાર સુધીમાં 50.83 લાખ હેક્ટર (59.59%) માં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે.

  • કપાસ: 18.75 લાખ હેક્ટર (78.71%)
  • મગફળી: 16.48 લાખ હેક્ટર (86.05%)
  • રાઈસ/ડાંગર: 2.25 લાખ હેક્ટર (25.38%)
  • સોયાબીન: 2.48 લાખ હેક્ટર (88.40%) માં વાવેતર થઈ ગયું છે.

હવામાન વિભાગની આગાહી અને માછીમારોને ચેતવણી

ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, દરિયામાં ભારે પવન અને કરંટ હોવાને કારણે માછીમારોને તા. 21.07.2026 થી 24.07.2026 સુધી દરિયો ન ખેડવાની કડક સુચના આપવામાં આવી છે. આગામી દિવસોની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને પંચમહાલ-અરવલ્લી પટ્ટાના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.