Ahmedabad

'કોર્ટમાં ડેટા રજૂ કરો છો, પણ રખડતા કૂતરાની સંખ્યા તો એટલી જ છે!' ગુજરાત હાઇકોર્ટે AMCને બરાબરની ઝાટકી

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં રખડતા શ્વાનના મામલે ગુજરાત હાઈકોર્ટે AMCનો ઉધડો લીધો. કોર્પોરેશને 5470 શ્વાનનું ખસીકરણ કર્યાનો દાવો કર્યો, પરંતુ ચીફ જસ્ટિસે કહ્યું કે રસ્તા પર શ્વાનની સંખ્યા યથાવત છે. કોર્ટે AMCને ઝોનવાઇઝ શ્વાનની ગણતરી કરી ખસીકરણ અને માઇક્રોચીપ લગાવવા જણાવ્યું. કોર્ટે રેબીઝ વેક્સિનેશનને પ્રાથમિકતા આપવા પણ સૂચન કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'કોર્ટમાં ડેટા રજૂ કરો છો, પણ રખડતા કૂતરાની સંખ્યા તો એટલી જ છે!' ગુજરાત હાઇકોર્ટે AMCને બરાબરની ઝાટકી

Gujarat High Court On AMC Over Stray Dogs: અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનને નિયત્રંણમાં લેવા મામલે થયેલી સુઓમોટોમાં કોર્પોરેશને એવી રજૂઆત કરી હતી કે, અમદાવાદના બહેરામપુરા અને દાણીલીમડામાં શ્વાનના ખસીકરણના મુખ્ય સેન્ટર કામ કરી રહ્યા છે. એપ્રિલથી અત્યાર સુધી 5470 શ્વાનને પકડીને ખસીકરણ કરવામાં આવ્યુ છે. જેમાં ચીફ જસ્ટિસે એવી ટકોર કરી હતી કે, 'તમે કોર્ટમાં ડેટા રજૂ કરો છો પણ રસ્તા પર શ્વાનની સંખ્યા તો હજુ એટલી જ છે.'

રખડતાં શ્વાન મામલે હાઈકોર્ટે AMCનો ઉધડો લીધો

કોર્પોરેશને એવી રજૂઆત કરી હતી કે, 'અમે પાઇલોટ પ્રોજેકટ તરીકે કામ શરૂ કરી દીધુ છે. શ્વાનની ગણતરી પણ ચાલી રહી છે.' કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, રસ્તા પર રખડતા શ્વાનને નિયંત્રણમાં લેવા શું પગલા લેવા પડે તે અંગે કોર્ટને રજૂઆત કરો. દરેક ઝોનમાં શ્વાનની ગણતરી કરો, ત્યારબાદ તેને ખસીકરણ કરીને માઇક્રોચીપ મૂકો તેથી ઝોનવાઇસ સારૂ કામ થઇ શકશે. તમે કોર્ટમાં માત્ર શ્વાનનો ટેડા રજૂ કરો છો પણ ખરેખર તેના માટે કામ થતુ નથી. તમે કુતરાની ગણતરી કરો તેની સામે વાંધો નથી પણ ઝોનવાઇઝ તેના ખસીકરણ કરશો તો ઝડપથી કામ થશે. તમે સવારમાં ચાલવા નીકળો ત્યારે રસ્તા પર જોશો કે લોકો શ્વાનને ખવડાવે છે. આ શ્વાન રસ્તા પર અનેક લોકોને કરડે છે, જોખમી બની જાય છે. તમે કેટલાક શ્વાનના જાણકાર સ્થાનિક લોકોની મદદ લઇને ખસીકરણનું કામ કરી શકશો. તેના માટે કોઇ પ્રાણીપ્રેમી જો વિરોધ કરે તો સુપ્રીમકોર્ટના આદેશ અંગે તેમને સમજાવો.'

આ પણ વાંચો: અમદાવાદ: બોલી ન શકતો 6 વર્ષનો માસૂમ BRTSમાં ચડી ચંડોળા પહોંચ્યો, પછી સ્ટાફે જે કર્યું તે જાણી તમારી આંખ પણ ભીની થઈ જશે

કોર્પોરેશને એવી રજૂઆત કરી હતી કે, 'ખાસ કરીને શહેરની સ્કૂલમાં જઇને રસ્તા પર શ્વાનને નહીં ખવડાવા માટે સમજાવવામાં આવશે. વોર્ડવાઇઝ અને સોસાયટીવાઇઝ લોકો જ્યાં શ્વાનને ખવડાવતા હોય છે તેવા સ્થળ પર જઇને શ્વાનનું વેકસીનેશન, માઇક્રોચીપ અને ખસીકરણ કરવામાં આવશે. આ કામ માટે વર્ષો લાગી શકે છે, પરંતુ તેમાં એક પણ વિસ્તાર રહી જવો જોઇએ નહીં. તો જ શ્વાનની સંખ્યા ઘટી શકે છે.'

કોર્ટે એવી ટકોર કરી હતી કે, સૌથી પહેલા રેબીઝની વૅક્સિન મૂકવાનું કામ કરવું જોઇએ. અમદાવાદના એક વિસ્તારમાં પ્રોજેકટ સફળ થાય પછી અમદાવાદના બીજા ઝોનમાં શરૂ કરવાનું રહેશે.