Ahmedabad

અમદાવાદ: બોલી ન શકતો 6 વર્ષનો માસૂમ BRTSમાં ચડી ચંડોળા પહોંચ્યો, પછી સ્ટાફે જે કર્યું તે જાણી તમારી આંખ પણ ભીની થઈ જશે

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 6 વર્ષનો બોલી ન શકતો ધનુષ જાની નામનો બાળક અંધજન મંડળ BRTS સ્ટેશન પરથી ગુમ થયો હતો. BRTS સ્ટાફની સતર્કતા અને ટેક્નોલોજીના ઉપયોગથી તેને સુરક્ષિત રીતે શોધી કઢાયો. CCTV અને AVLS દ્વારા બાળકને રૂટ નંબર 12ની બસમાં ચંડોળા તળાવ પાસેના BRTS વર્કશોપમાંથી શોધી પિતાને સોંપવામાં આવ્યો. સ્ટાફના ઝડપી સંકલનથી પરિવાર સાથે મિલન થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બોલી ન શકતો 6 વર્ષનો માસૂમ BRTSમાં ચડી ચંડોળા પહોંચ્યો, પછી સ્ટાફે જે કર્યું તે જાણી તમારી આંખ પણ ભીની થઈ જશે

Ahmedabad Missing Child: અમદાવાદમાં BRTS સ્ટાફની સતર્કતા અને ટેક્નોલોજીના સંકલિત ઉપયોગથી બોલી ન શકતા 6 વર્ષનો બાળક અંધજન મંડળ BRTS સ્ટેશન પરથી બસમાં બેસી ચંડોળા પહોંચી ગયો હોવા છતાં તેને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો હતો. બાળક ગુમ થયાની જાણ થતાં BRTSના કંટ્રોલ સેન્ટર (CCC) દ્વારા CCTVનું લાઈવ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. CCTVમાં બાળક રૂટ નંબર 12ની બસમાં જતો જોવા મળ્યા બાદ AVLSની મદદથી બસને ટ્રેક કરવામાં આવી અને અંતે બાળક ચંડોળા તળાવ પાસેના BRTS વર્કશોપમાંથી મળી આવ્યો હતો.

જાણો સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, નવમી સપ્ટેમ્બર 2026ના રોજ અંધજન મંડળ BRTS સ્ટેશનના ટિકિટ સ્ટાફને 6 વર્ષીય ધનુષ જાની ગુમ થયો હોવાની જાણ થઈ હતી. બાળક બોલી શકતો ન હોવાથી BRTS સ્ટાફે મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કંટ્રોલ સેન્ટરને જાણ કરી હતી. CCC દ્વારા બાળકની તસવીરો મેળવી સંબંધિત BRTS WhatsApp ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો. સાથે જ રૂટ પરના CCTV કેમેરાનું લાઈવ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

CCTVમાં બસમાં જતો જોવા મળ્યો હતો

CCTV કેમેરાની તપાસ દરમિયાન બાળક CA23 નંબરની બસમાં રૂટ નંબર 12 પર રબારી કોલોની તરફ જતો હોવાનું સામે આવ્યું હતું. આ માહિતી મળતાં જ BRTS ટીમે બસના રૂટ અને લોકેશન પર નજર રાખવાનું શરૂ કર્યું. બસની સ્થિતિ જાણવા માટે AVLSનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બસને ટ્રેક કરીને તેના રૂટ પર આવતા સંબંધિત BRTS સ્ટેશનોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

ચંડોળા વર્કશોપમાં સુરક્ષિત મળ્યો

CCTV અને AVLS દ્વારા સતત કરવામાં આવેલા મોનિટરિંગના પરિણામે બાળકનું લોકેશન ચંડોળા તળાવ ખાતે આવેલા BRTS વર્કશોપ સુધી પહોંચ્યું હતું. ત્યાં તપાસ કરતાં ધનુષ સુરક્ષિત મળી આવ્યો હતો. BRTS સ્ટાફે બાળકને પોતાની દેખરેખમાં રાખ્યો અને ત્યારબાદ તેના પિતા મીતુલ જાનીને સુરક્ષિત રીતે સોંપ્યો હતો. લાંબા સમય સુધી બાળક ગુમ રહે તે પહેલાં જ કંટ્રોલ સેન્ટર, CCTV, AVLS અને ફિલ્ડ સ્ટાફ વચ્ચેના સંકલનથી તેને શોધી કાઢવામાં સફળતા મળી હતી.

સ્ટાફની સતર્કતાથી પરિવાર સાથે મિલન

બાળકને શોધવામાં BRTS સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. બાળક સુરક્ષિત રીતે મળી આવતા તેના પિતા મીતુલ જાનીએ BRTS સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટનામાં CCTV મોનિટરિંગ અને AVLS ટ્રેકિંગ સાથે સ્ટાફના ઝડપી સંકલનથી ગુમ થયેલા બાળકને શોધી પરિવાર સાથે ફરીથી મિલન કરાવવામાં આવ્યું હતું.