NEET પેપર લીક મામલે શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NEET Paper Leak Protest Ahmedabad : NEET પેપર લીક મામલે દિલ્હીમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીના વિરોધ અને અટકાયત બાદ હવે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાયા બાદ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેઠક પૂર્ણ થતાં જ નેતાઓ અને કાર્યકરોએ કાર્યાલય બહાર ધસી આવીને રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા હતા અને વિરોધ કૂચ કાઢી હતી.

પોલીસ સાથે ઘર્ષણ, બસ પર ચઢ્યા કાર્યકરો
કોંગ્રેસની આ વિરોધ કૂચ દરમિયાન ચાર રસ્તા નજીક કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વિરોધને વધુ ઉગ્ર બનાવતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ રસ્તા પર જ બેસી ગયા હતા. રોષે ભરાયેલા કેટલાક કાર્યકર્તાઓ તો વિરોધ નોંધાવવા માટે પોલીસની ગાડીઓ પર પણ ચઢી ગયા હતા.

પોલીસ દ્વારા તમામની અટકાયત
સ્થિતિ વણસતાં ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓ અને કાર્યકરોના અટકાયતનો દોર શરૂ કર્યો હતો. રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી હતી. થોડા સમય માટે ભારે ઘર્ષણની સ્થિતિ પેદા થઇ ગઇ હતી.










