પહેલીવાર વંદે ભારત દ્વારા સુરતથી અમદાવાદ ગ્રીન કોરિડોરમાં હાર્ટનું સફળ ટ્રાન્સપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Green Corridor on Vande Bharat Train: સુરત સિવિલ હૉસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરાયેલા એક વ્યક્તિના પરિવારજનોએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં અંગદાનનો નિર્ણય કર્યો હતો. તબીબોની તપાસ બાદ દાનમાં મળેલું હૃદય અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા દર્દી માટે યોગ્ય હોવાનું જાણવા મળતાં તેને તાત્કાલિક અમદાવાદ પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
પહેલી વખત ટ્રેન મારફતે ટ્રાન્સપોર્ટનો નિર્ણય
સામાન્ય રીતે આવા અંગોને ઝડપથી પહોંચાડવા માટે હવાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ વખતે સમય અને સુવિધાને ધ્યાનમાં રાખીને પહેલી વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે હાર્ટ ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરત સિવિલ હૉસ્પિટલથી ગ્રીન કોરિડોર બનાવી હૃદયને સુરત રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યું, જ્યાંથી તેને વંદે ભારત ટ્રેનમાં વિશેષ તબીબી ટીમની દેખરેખ હેઠળ અમદાવાદ લાવવામાં આવ્યું.
રેલવે અને પોલીસ વચ્ચે ઉત્તમ સંકલન
સુરતથી અમદાવાદ સુધીની સમગ્ર મુસાફરી દરમિયાન ટ્રેનને કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે માટે તમામ સ્ટેશનો પર ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યા હતા. બીજી તરફ અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ આરપીએફ, જીઆરપી, શહેર પોલીસ, રેલવે તંત્ર અને આરોગ્ય વિભાગે સંયુક્ત આયોજન કરી ગ્રીન કોરિડોર તૈયાર રાખ્યો હતો. ટ્રેન પ્લેટફોર્મ નંબર-1 પર પહોંચે તે પહેલાં જ પાયલોટિંગ વાહન, એમ્બ્યુલન્સ અને તબીબોની ટીમ તહેનાત કરવામાં આવી હતી.
ગ્રીન કોરિડોર મારફતે યુ.એન. મહેતા હૉસ્પિટલ પહોંચાડાયું
ટ્રેન પહોંચતાં જ મુસાફરોની અવરજવર થોડા સમય માટે રોકી દેવામાં આવી અને તબીબોએ હૃદયને ઝડપી ગતિએ એમ્બ્યુલન્સમાં ખસેડ્યું. ત્યારબાદ ગ્રીન કોરિડોર મારફતે એમ્બ્યુલન્સને યુ.એન. મહેતા હૉસ્પિટલ તરફ રવાના કરવામાં આવી, જેથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સમયસર શરૂ કરી શકાય.
આ સમગ્ર ઓપરેશનમાં અંગદાન કરનાર પરિવારની સંવેદના, રેલવે, પોલીસ અને આરોગ્ય વિભાગ વચ્ચેનું ઉત્તમ સંકલન તથા વંદે ભારત ટ્રેનનો પ્રથમ વખત હાર્ટ ટ્રાન્સપોર્ટ માટે થયેલો ઉપયોગ જીવન બચાવવાના પ્રયાસ હતો.









