Ahmedabad

વટવામાં સામાન્ય બાબતે જીવલેણ હુમલો: "સામે કેમ જુઓ છો?" કહીને રિક્ષા ચાલક અને 17 વર્ષના યુવાનને અધમુવા કરી નાખ્યા

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વટવા ગાયત્રીનગર ચાર રસ્તા પાસે "અમારી સામે કેમ જુઓ છો?" જેવી નજીવી બાબતે 4 શખ્સોએ રિક્ષાચાલક ધીરજ ગુપ્તા અને તેના પરિવાર પર લાકડાના દંડા વડે હુમલો કર્યો. પિતાને બચાવવા વચ્ચે પડેલા 17 વર્ષના પુત્ર પવનના નાક પર ફ્રેક્ચર થયું, જ્યારે ધીરજભાઈને માથામાં ગંભીર ઈજા થઈ. વટવા પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વટવામાં સામાન્ય બાબતે જીવલેણ હુમલો: "સામે કેમ જુઓ છો?" કહીને રિક્ષા ચાલક અને 17 વર્ષના યુવાનને અધમુવા કરી નાખ્યા

Ahmedabad News : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતો વધુ એક કિસ્સો વટવા વિસ્તારમાંથી સામે આવ્યો છે. વટવાના ગાયત્રીનગર ચાર રસ્તા નજીક વહેલી સવારે "અમારી સામે કેમ જુઓ છો?" તેવી અત્યંત સામાન્ય બાબતે ઉશ્કેરાઈને 4 શખ્સોએ એક રિક્ષાચાલક અને તેના માસૂમ પરિવાર પર લાકડાના દંડા વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ હિંસક મારામારીમાં પિતાનો જીવ બચાવવા વચ્ચે પડેલા સગીર પુત્રના નાક પર ગંભીર ફ્રેક્ચર થયું છે. જ્યારે રિક્ષાચાલકના માથાના ભાગે લોહીલુહાણ ઈજાઓ થતાં ટાંકા લેવા પડ્યા છે. વટવા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સાથી ચાલક સાથે ઊભા હતા અને અચાનક હુમલો થયો
ઘટનાની વિગત એવી છે કે વટવાની ગણેશપાર્ક સોસાયટીમાં રહેતા 45 વર્ષીય ધિરજભાઈ ગુપ્તા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વહેલી સવારે સાડા 4 વાગ્યાની આસપાસ તેઓ ગાયત્રીનગર હનુમાનજી મંદિર પાસે તેમના સાથી ચાલક અમીત ચૌહાણ સાથે રિક્ષા ઊભી રાખીને મજૂરોની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ફૂટપાથ પર બેઠેલા સ્થાનિક શખ્સોએ અચાનક જ અગમ્ય કારણોસર ગાળાગાળી શરૂ કરી દીધી હતી. રિક્ષાચાલકોએ શાંતિ જાળવી રાખી કોઈ વળતો જવાબ ન આપ્યો હોવા છતાં, ઉશ્કેરાયેલા ગુંડા તત્વો તેમની પર તૂટી પડ્યા હતા.

પિતાને બચાવવા દોડેલા 17 વર્ષના પુત્ર પર પણ નિર્દયતાથી દંડા વરસાવ્યા
આ ઘાતકી હુમલો ધ્રુવ ભદોરીયા, અર્પીત દુબે (ઉર્ફે પોંગા), બાદશાહ અને અન્ય 1 અજાણ્યા શખ્સે એકસંપ થઈને આચર્યો હતો. ધ્રુવ અને અર્પીત હાથમાં લાકડાના મોટા દંડા લઈને આવ્યા હતા અને ધિરજભાઈને બેરહેમીથી માર મારવા લાગ્યા હતા. પિતાને લોહીલુહાણ હાલતમાં જોઈને તેમને બચાવવા માટે તેમનો 17 વર્ષીય પુત્ર પવન અને નાનો ભાઈ દોડી આવ્યા હતા. હુમલાખોરોએ સગીર પુત્રો તેમજ તેમના ભાડુઆતો (અમીત અને નિતુ રાજભર) પર પણ નિર્દયતાથી દંડા વરસાવ્યા હતા. આ હુમલામાં 17 વર્ષના પવનના નાકનું હાડકું તૂટી ગયું હતું.

રિક્ષા તોડીને હુમલાખોરો ફરાર, ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ
નશામાં ચૂર કે દાદાગીરીના નશામાં અંધ બનેલા આ નરાધમો માત્ર માર મારીને અટક્યા નહોતા, તેમણે ધિરજભાઈની આજીવિકા સમાન રિક્ષાના કાચ તોડીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તમામ ઈજાગ્રસ્તોને મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. વટવા પોલીસે ભોગ બનનાર રિક્ષાચાલકની ફરિયાદના આધારે 4 આરોપીઓ સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.