Ahmedabad

મફત કોર્પોરેટ ગેરંટી પર GST વસૂલાતનો વિવાદ: સરકારના નિર્ણય સામે અનેક કંપનીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
કોર્પોરેટ ગેરંટી પર GST વસૂલવાના સરકારના નિર્ણય સામે દેશની અનેક અગ્રણી કંપનીઓએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ રાજ્યની કંપનીઓએ અરજીઓ કરી છે. GST વિભાગે મફત અપાતી ગેરંટીને કરપાત્ર 'સેવા' ગણી 1%ના દરે ટેક્સ નોટિસો ફટકારતા આ વિવાદ ઊભો થયો છે. કંપનીઓનું કહેવું છે કે, ફી વગર ટેક્સ લાદવો ગેરકાયદેસર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મફત કોર્પોરેટ ગેરંટી પર GST વસૂલાતનો વિવાદ: સરકારના નિર્ણય સામે અનેક કંપનીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

Corporate Guarantee GST Notification Dispute: સંબંધિત કંપનીઓ વચ્ચે અપાતી મફત કોર્પોરેટ ગેરંટી પર GST વસૂલવાના ટેક્સ વિભાગના નિર્ણય સામે દેશની અનેક અગ્રણી રાષ્ટ્રીય કંપનીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ રાજ્યની અનેક કંપનીઓએ અરજીઓ કરી સરકારના આ નિર્ણયની કાયદેસરતાને પડકારી છે. હોલ્ડિંગ કંપનીઓ દ્વારા પોતાની સબસિડિયરી કે સિસ્ટર કન્સર્નને લોન મેળવવા માટે અપાતી આવી ગેરંટી પર કોઈ ફી લેવાતી ન હોવા છતાં, GST વિભાગે તેને કરપાત્ર 'સેવા' ગણીને ટેક્સની નોટિસો ફટકારતા આ ગંભીર કાનૂની વિવાદ ઊભો થયો છે અને મામલો ગુજરાત સહિત વિવિધ હાઈકોર્ટો સમક્ષ પહોંચ્યો છે

શું છે નિયમ 28(2) અને વિવાદનું મુખ્ય કારણ?

સામાન્ય રીતે જ્યારે કોઈ હોલ્ડિંગ કંપની પોતાની જ પેટા કંપનીને બેંકમાંથી સરળતાથી લોન મળી રહે તે માટે કોર્પોરેટ ગેરંટી આપે છે, ત્યારે તેના બદલામાં કોઈ અલગ નાણાકીય પ્રતિફળ (Consideration) લેવામાં આવતું નથી. તેમ છતાં, GST વિભાગનું વલણ છે કે આવી ગેરંટી એ 'સેવા (Service)' છે, કારણ કે તે માલ (Goods)ની વ્યાખ્યામાં આવતી નથી.

CGST નિયમોના Rule 28(2) હેઠળ, આવી કોર્પોરેટ ગેરંટીનું મૂલ્યાંકન ગેરંટીની કુલ રકમના દર વર્ષે 1% લેખે નક્કી કરવામાં આવે છે અને તેના આધારે GST વસૂલવામાં આવે છે. ટેક્સ વિભાગની દલીલ છે કે જો કોઈ બહારની ત્રાહિત સંસ્થા કે સરકારી કંપની અન્ય કંપની માટે આવી ગેરંટી આપે, તો તેના પર પણ આ જ નિયમ લાગુ પડે છે. આથી, સંબંધિત પક્ષો વચ્ચે થયેલા આવા વ્યવહારોને અલગથી કોઈ મુક્તિ આપી શકાય નહીં.

કંપનીઓની દલીલ અને કાનૂની પડકાર

બીજી તરફ, ઢગલાબંધ કંપનીઓએ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને Rule 28(2) અને તેને લગતા સરકારી નોટિફિકેશનને કાનૂની રીતે પડકાર્યા છે. અરજદાર કંપનીઓનો મુખ્ય તર્ક એ છે કે જ્યાં કોઈ ફી, કમિશન કે પ્રત્યક્ષ નાણાકીય વળતર જ મળતું નથી, ત્યાં માત્ર કાલ્પનિક મૂલ્ય (Notional Value) ઊભું કરીને તેને 'સેવા' માની GST લાદી શકાય નહીં. વાણિજ્યિક વ્યવહાર વગર કે વ્યાપારિક નફાના હેતુ વિના માત્ર ગ્રુપ કંપનીને સહાય કરવાના આશયથી આપેલી ગેરંટી પર ટેક્સ વસૂલવો એ કાયદાકીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

સરકારનો પક્ષ
સામે પક્ષે, સરકાર અને જીએસટી કાઉન્સિલનું વલણ સ્પષ્ટ છે કે સંબંધિત પક્ષો વચ્ચે થતા આવા વ્યવહારો કાયદાની નજરમાં 'કરપાત્ર પુરવઠો (Taxable Supply)' છે. GST કાયદાની વિશિષ્ટ જોગવાઈઓ મુજબ, સંબંધિત પક્ષો વચ્ચેના વ્યવહારોમાં પ્રતિફળનો અભાવ હોય તો પણ ટેક્સની જવાબદારી ઊભી થાય છે.

હાલમાં કરોડો રૂપિયાની ટેક્સ લાયબિલિટી ધરાવતો આ અત્યંત જટિલ આર્થિક મુદ્દો દેશની વિવિધ હાઈકોર્ટો સમક્ષ વિચારાધીન છે, અને કોર્ટના અંતિમ ચુકાદા પર હવે સમગ્ર ઉદ્યોગ જગતની મોટી નજર મંડાયેલી છે.