Ahmedabad

અમદાવાદ: અન્નનળી વગર જન્મેલો મંતવ્ય હવે મોઢેથી ભોજન લઈ શકશે, સિવિલમાં 2.5 વર્ષના બાળકને સર્જરીથી મળ્યું નવજીવન

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સિવિલ હોસ્પિટલે 2.5 વર્ષના બાળક પર દુર્લભ 'ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી' કરીને નવજીવન આપ્યું છે. સાણંદના મંતવ્યને જન્મથી જ અન્નનળી ન હોવાની ગંભીર ખામી હતી. ડૉ. રાકેશ જોશીની ટીમે આ અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી, જેમાં બાળકના પેટમાંથી નવી અન્નનળી બનાવવામાં આવી. ખાનગીમાં લાખોનો ખર્ચ થતી આ સર્જરી સિવિલમાં નિઃશુલ્ક કરવામાં આવી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: અન્નનળી વગર જન્મેલો મંતવ્ય હવે મોઢેથી ભોજન લઈ શકશે, સિવિલમાં 2.5 વર્ષના બાળકને સર્જરીથી મળ્યું નવજીવન

Ahmedabad Civil Hospital Performs Rare Surgery: અન્નનળી વિના જન્મેલા 2.5 વર્ષના એક નાનકડા બાળક માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સંજીવની સાબિત થયા છે. હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે 'પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા' નામની અત્યંત જટિલ જન્મજાત ખામી ધરાવતા માસૂમ બાળક પર સફળ 'ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી' કરીને તેને નવજીવન આપ્યું છે.

શું હતી આ ગંભીર તબીબી સમસ્યા?
સાણંદના શૈલેષભાઈ પટેલના પુત્ર મંતવ્યનો જન્મ 7 November 2023ના રોજ થયો ત્યારે તેને અન્નનળી જ નહોતી. આ તબીબી પરિસ્થિતિમાં અન્નનળીના બંને ભાગો એકબીજાથી ખૂબ દૂર હોવાથી બાળક મોઢેથી ખોરાક કે દૂધ ગળી શકતું નહોતું. બાળકના જન્મના બીજા જ દિવસે ગળાના ભાગેથી રસ્તો કરવાની અને પેટમાં ટ્યુબ મૂકવાની પ્રાથમિક સર્જરી કરવામાં આવી હતી. આ ટ્યુબ વાટે જ બાળકને આટલા સમય સુધી પ્રવાહી આહાર આપવામાં આવતો હતો.

હોજરીમાંથી નવી અન્નનળી બનાવી
બાળકનું વજન અને શારીરિક વિકાસ યોગ્ય સ્તરે પહોંચતા, 3 July 2026ના રોજ ડોક્ટરોની નિષ્ણાત ટીમે આ જટિલ ઓપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી, બાળ સર્જરી વિભાગના પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી તથા એનેસ્થેસિયા વિભાગના ડૉ. અદિતિ અને ડૉ. સોનલ ભાલવટની નિષ્ણાત ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

કેવી રીતે થઈ સર્જરી?:
આ ખાસ ઓપરેશન દરમિયાન બાળકના પેટ (હોજરી)ના ભાગનો ઉપયોગ કરીને નવી અન્નનળી બનાવવામાં આવી હતી. મોઢેથી ઓપરેશનના 23મા દિવસે બાળકે પોતાના જીવનમાં પહેલીવાર મોઢેથી ખોરાક લીધો હતો. હાલ બાળક સંપૂર્ણ સ્વસ્થ હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

2,500 થી 4,000 માંથી એક બાળકમાં જોવા મળે છે આવી ખામી
તબીબી આંકડાઓ મુજબ, દર 2,500 થી 4,000 જીવંત જન્મોમાંથી એક બાળકમાં આવી ખામી જોવા મળે છે. જ્યારે અન્નનળીના બંને ભાગો ખૂબ દૂર હોય ત્યારે 'ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી' જ એકમાત્ર રસ્તો રહે છે, જેમાં સફળતાનો દર 85% થી 90% જેટલો હોય છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષમાં આવી 7 સફળ સર્જરીઓ કરવામાં આવી છે.

નિઃશુલ્ક સર્જરી અને સફળતાનો દર

ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરી અત્યંત ખર્ચાળ હોય છે, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તે સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે. તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, 'આ પ્રકારની સર્જરી માટે અત્યંત તકનીકી કુશળતા અને અનુભવી ટીમની જરૂરિયાત રહે છે. છેલ્લા 1 વર્ષમાં અમારી ટીમે આવા 7 જટિલ કેસો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.'

પોતાના 2.5 વર્ષના માસૂમ પુત્રને પ્રથમ વખત મોઢેથી ખોરાક લેતો જોઈને બાળકના માતા-પિતા ભાવુક થઈ ગયા હતા અને તેમણે સિવિલ હોસ્પિટલના તમામ તબીબો તથા સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.