Ahmedabad

દિલ્હીમાં PM નિવાસ બહાર વિરોધ સામે ગુજરાત ભાજપ આકરા પાણીએ! પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર યોજ્યા ઉગ્ર ધરણાં

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના દિલ્હી પ્રદર્શનના જવાબમાં, ભાજપે અમદાવાદના કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદેશ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ "કોંગ્રેસ હાય હાય" ના નારા લગાવ્યા. સામે પક્ષે, કોંગ્રેસે પણ "મોદી-શાહ હાય હાય" ના નારા લગાવતા ઘર્ષણ થયું. પોલીસે ડ્રોન અને બેરિકેડિંગથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતિ નિયંત્રિત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં PM નિવાસ બહાર વિરોધ સામે ગુજરાત ભાજપ આકરા પાણીએ! પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર યોજ્યા ઉગ્ર ધરણાં

BJP Protest Rajiv Gandhi Bhavan Ahmedabad : દેશભરમાં ગાજેલા NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે. ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલા ધરણાંના ઘેરા પ્રત્યાઘાતો હવે ગુજરાતના રાજકારણમાં પણ જોવા મળી રહ્યા છે. દિલ્હીના પ્રદર્શનના વળતા જવાબમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજવામાં આવ્યા હતા.

પ્લે કાર્ડ સાથે વિરોધ અને સામસામે સૂત્રોચ્ચાર

આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશ પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાતાં માહોલ ગરમાયો હતો. ભાજપના કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ્સ લઈને કોંગ્રેસ કાર્યાલય બહાર પહોંચ્યા હતા અને "કોંગ્રેસ હાય હાય" તથા "રાહુલ ગાંધી હાય હાય"ના નારા લગાવી રોડ પર બેસી ગયા હતા.

બીજી તરફ, ભાજપના આક્રમક વિરોધને જોતાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ કાર્યાલયના પગથિયાં પર બેસી ગયા હતા. કોંગ્રેસ દ્વારા પણ ભાજપના વિરોધમાં "મોદી-શાહ હાય હાય" અને "ચોકીદાર ચોર હૈ"ના સામસામે તીખા નારા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે બંને પક્ષના કાર્યકર્તા વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: ડ્રોનથી નજર અને ડબલ લેયર બેરિકેડિંગ

સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ઝોન 7 સહિત આસપાસના વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમો સાથે JCP, DCP, ACP, PI અને PSI સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાયો હતો. કોંગ્રેસ ભવન તરફ આવતા મુખ્ય રસ્તાઓ પર પોલીસે ડબલ લેયર બેરિકેડ્સ લગાવીને આખા વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સીધું ઘર્ષણ ટાળવા માટે પોલીસે સમગ્ર વિસ્તાર પર ડ્રોન કેમેરાથી કડક નજર રાખી હતી. પોલીસે કોંગ્રેસ કાર્યાલયને ચારેય તરફથી ઘેરી લઈને નેતાઓ અને કાર્યકરોને બહાર નીકળતા અટકાવ્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ અમદાવાદમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.