અમદાવાદ: છેડતી અને મોટેથી મ્યુઝિક વગાડવાના વિવાદમાં યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Behrampura Murder Case, Ahmedabad News: અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં વર્ષ 2018માં બનેલી ચર્ચિત હત્યાની ઘટનામાં સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. યુવતીની છેડતી અને ઘર પાસે મોટેથી સંગીત વગાડવા બાબતે થયેલી તકરારની અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકની હત્યા કરનાર મુખ્ય આરોપી કનૈયાલાલ ચૌહાણને કોર્ટે આજીવન કેદની સખત સજા ફટકારી જેલહવાલે કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
બહેરામપુરાની કાછીયાની ચાલીમાં રહેતા આરોપી કનૈયાલાલના પુત્ર રાહુલ દ્વારા પરિવારની દીકરીની છેડતી કરવામાં આવી હતી અને ઘર પાસે મોટેથી મ્યુઝિક વગાડવામાં આવતું હતું. આ બાબતે પીડિત પરિવારે ઠપકો આપતાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ તકરારનો ખાર રાખીને 7 ઓગસ્ટ, 2018ના રોજ મોડી રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે ફરિયાદી અજયભાઈ પરમાર અને તેમના મામા ગિરીશભાઈ બોડાણા એક્ટિવા લઈને ચાલીમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે આરોપી કનૈયાલાલ, તેનો ભત્રીજો ચિરાગ, પુત્ર રાહુલ અને અન્ય એક યુવક હથિયારો સાથે રસ્તામાં ઊભા હતા. આ દરમિયાન કનૈયાલાલે ધારદાર છરી વડે ગિરીશભાઈના છાતી, પેટ અને જાંઘના ભાગે ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગિરીશભાઈનું VS હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કાગડાપીઠ પોલીસની તપાસ અને સરકારી વકીલની દલીલો
આ હત્યા કેસની સઘન તપાસ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના તત્કાલીન PI સંદીપ મોદી દ્વારા કરવામાં આવી હતી. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ, FSL રિપોર્ટ, તબીબી પુરાવા, પ્રત્યક્ષદર્શી સાક્ષીઓના નિવેદનો અને ગુનામાં વપરાયેલાં હથિયારો કબજે કરીને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કર્યું હતું.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ગૌતમ દવેએ દલીલો કરતા જણાવ્યું હતું કે નજીવી બાબતમાં થયેલી તકરારમાં આ હત્યા આચરવામાં આવી હતી. ફરિયાદી અને સાક્ષીઓએ આરોપીઓને સ્પષ્ટપણે ઓળખી બતાવ્યા છે અને તમામ પુરાવા નિઃશંકપણે ગુનો પુરવાર કરે છે. કોર્ટે સરકારી વકીલની આ દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને મુખ્ય આરોપી કનૈયાલાલ ચૌહાણને આજીવન કેદની સજા સંભળાવી છે.









