સાબરમતી જેલમાં ફરી મોટો કાંડ! ક્રિકેટ સટ્ટાનો આરોપી નકલી વકીલ બની સેન્ટ્રલ જેલમાં કેદીને મળી આવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sabarmati Jail Scandal: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સુરંગ કાંડ, મોબાઇલ ફોન અને ડ્રગ્સનો ઉપયોગ કરવા સુધીના અનેક વિવાદો સામે આવી ચૂક્યા છે. ત્યારે જેલમાં કેદીઓને મળવા માટે હવે વકીલ રૂમનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગત 11મી જુલાઇએ કુખ્યાત બુકી હરેશ મુલચંદાણી જેલના વકીલ મુલાકાત રૂમમાં વકીલ તરીકે આવીને કોઇ કેદીને મળી આવ્યો હતો. જેમાં જેલ સ્ટાફની સંડોવણીની સાથે વકીલનું નકલી ઓળખપત્ર આપીને આવ્યો હોવાની શક્યતા છે. ત્યારે આ કેસની તપાસમાં સીસીટીવી ફૂટેજથી મોટા ખુલાસા થવાની શક્યતા છે.
કુખ્યાત બુકી હરેશ મુલચંદાણી નકલી આઈકાર્ડથી કેદીને મળ્યો
મળતી માહિતી અનુસાર, નાના ચિલોડા વિસ્તારમાં રહેતા હરેશ મુલચંદાણી વિરુદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ક્રિકેટ સટ્ટાનો ગુનો નોંધ્યો હતો. તેણે લિસ્ટેડ બુટલેગર વિનોદ સિંધી પાસેથી માસ્ટર આઈડી લીધુ હતું અને આ આઈડીમાં કરોડો રૂપિયાનું બેલેન્સ મળી આવ્યું હતું. આ કેસમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. સુત્રોના જણાવ્યાનુસાર, 11મી જુલાઈના રોજ હરેશ મુલચંદાણી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલા વકીલ-કેદી મુલાકાત રૂમમાં વકીલ તરીકેની ઓળખ આપીને આવ્યો હતો અને તેણે કોઈ કેસમાં જેલમાં રહેલા કેદી સાથે મુલાકાત કરી હતી. એક સિનિયર વકીલ તેના અસીલને મળવા માટે આવ્યા ત્યારે તેણે હરેશ મુલચંદાણીને જોયો હતો. શરૂઆતમાં તેમને ખ્યાલ આવ્યો નહોતો. પરંતુ, બાદમાં વકીલ તરીકે આવેલો વ્યક્તિ હરેશ મુલચંદાણી હોવાનો ખ્યાલ આવ્યો હતો.
સામાન્ય રીતે વકીલ-કેદી મુલાકાત રૂમમાં આવતા પહેલા વકીલની નોંધ કરવામાં આવે છે અને સુરક્ષાના કારણોસર આઈ કાર્ડ પણ તપાસવામાં આવે છે. ત્યારે હરેશ મુલચંદાણી વકીલની ખોટી ઓળખ આપીને આવ્યો હોવાની શક્યતા છે. વકીલ-કેદી રૂમમાં સીસીટીવી કેમેરા પણ હોય છે. ત્યારે તેના ફૂટેજના આધારે મોટા ખુલાસા થઈ શકે છે.









