અમદાવાદ: સિવિલ હોસ્પિટલ પાસે તંત્રનો અખતરો આફત બન્યો, સાંકડા રોડ પર ડિવાઈડર, એમ્બ્યુલન્સો ટ્રાફિકમાં ફસાય છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Shahibaug Traffic Divider Issue: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતા પ્રયોગો ક્યારેક લોકો માટે મુસીબતનું કારણ બની જતા હોય છે. આવો જ એક કિસ્સો એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા હોસ્પિટલ નજીક આવેલા વ્યસ્ત શાહીબાગ ચાર રસ્તા પાસે સામે આવ્યો છે. અહીં રચના સ્કૂલ તરફથી આવતા માત્ર 8થી 10 મીટરના સાંકડા રોડ પર તંત્ર દ્વારા અચાનક ડિવાઈડર બનાવી દેવાતા ટ્રાફિક ઘટવાના બદલે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. તાજેતરમાં જ આ ડિવાઈડરના કારણે એક એમ્બ્યુલન્સ સાથે એક વાહનનો અકસ્માત સર્જાયો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
દબાણો યથાવત, સાંકડા રોડ પર ડિવાઈડરથી હાલાકી
ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ સંયુક્ત વિઝીટ કરીને એવો નિયમ બનાવ્યો હતો કે રચના સ્કૂલ તરફથી આવતા વાહનો ફરજિયાત ડાબી તરફ વળે. આ માટે રોડની વચ્ચે ડિવાઈડર તો ઊભું કરી દેવાયું, પણ તંત્ર એ ભૂલી ગયું કે ડાબી તરફ વળવાના રસ્તે જ શાકભાજીની લારીઓ અને અન્ય દબાણોનો રાફડો ફાટ્યો છે. આ દબાણો હટાવવા માટે ટ્રાફિક પોલીસ ક્યારેય હાજર હોતી નથી. પરિણામે, ટ્રાફિકથી બચવા લોકો ડિવાઈડરની બીજી તરફથી રોંગ સાઈડમાં બળિયા લીમડી તરફ જવા મજબૂર બન્યા છે. રાત્રિના સમયે અંધારામાં આ ડિવાઈડર દેખાતું ન હોવાથી વાહનો તેના પર ચડી જવાના બનાવો પણ રોજિંદા બન્યા છે.
એમ્બ્યુલન્સો માટે સર્જાઈ આફત
ઇમરજન્સી સેવાઓ માટે આ આયોજન આશીર્વાદના બદલે આફત સાબિત થયું છે. રચના સ્કૂલ તરફથી આવતી એમ્બ્યુલન્સને જો સીધા સિવિલ હોસ્પિટલના ગેટ તરફ જવું હોય, તો તેણે ડાબી તરફ વળીને યુ.એન. મહેતાના ગેટ નંબર-1 પાસેથી લાંબો ફેરો ખાવો પડે છે. વળી, જો એમ્બ્યુલન્સ ચાલક સમય બચાવવા રોંગ સાઈડમાં જવાનો પ્રયાસ કરે તો સામેથી આવતા વાહનોને કારણે તે ટ્રાફિકમાં જ જામ થઈ જાય છે.
આ મામલે તંત્રમાં જ વિરોધાભાસી સૂર જોવા મળ્યો
સ્થાનિક ભાજપના કોર્પોરેટર જશુભાઈ ઠાકોરે જણાવ્યું કે-
આ ડિવાઈડર બનાવતી વખતે કોર્પોરેશન કે ટ્રાફિક પોલીસે સ્થાનિક પ્રતિનિધિઓ તરીકે અમારી કોઈ સલાહ લીધી નથી. આ આયોજન તદ્દન ખોટી રીતે થયું છે, જેના કારણે ટ્રાફિક અને અકસ્માતો વધ્યા છે.
જ્યારે એફ ડિવિઝનના PI જણાવ્યું કે-
ડિવાઈડર બનાવવાથી ટ્રાફિક જામની સ્થિતિમાં મોટો ફાયદો થયો છે. રહી વાત અકસ્માતોની, તો ડિવાઈડર પર હજુ યોગ્ય કલરકામ કે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નથી એટલે રાત્રે તકલીફ પડે છે, જે અંગે અમે કોર્પોરેશન સાથે વાત કરીશું. લોકો રોંગ સાઈડમાં જાય છે અને ત્યાં તૈનાત ટીઆરબી જવાનોનું પણ માનતા નથી.
કામગીરી સામે સવાલો: માત્ર ટુ-વ્હીલર ઉપાડવામાં જ રસ?
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, યુ.એન. મહેતા હોસ્પિટલના ગેટ પાસે આખા રોડ પર રિક્ષાઓ અને ખાનગી ગાડીઓ ગેરકાયદેસર પાર્ક રહે છે, જે નો-પાર્કિંગ હોવા છતાં ટ્રાફિક પોલીસ તેને હટાવતી નથી. પરંતુ સામાન્ય નાગરિકોના ટુ-વ્હીલર પાર્ક હોય તો F ડિવિઝનની ટોઈંગ વાન તાત્કાલિક આવીને બાઈક ઉપાડી જાય છે. મોટા દબાણો અને રિક્ષાવાળાઓ સામે આંખ આડા કાન કરીને માત્ર સામાન્ય જનતાને હેરાન કરતી ટ્રાફિક પોલીસની આ બેધારી નીતિ સામે હવે જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.









