Ahmedabad

પ્રજાના પરસેવાની કમાણીને 'આઇકોનિક' સ્ટાઈલમાં ઉડાવવાની અમદાવાદ મનપાની પેરવી, ચાલુ સ્ટ્રીટ લાઈટ છતાં નવું ગતકડું

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મહાનગરપાલિકા જોધપુર વોર્ડમાં કેન્યુગથી શ્યામલ રોડને 'આઇકોનિક રોડ' બનાવવા રૂ. 3.17 કરોડના ખર્ચે 835 નવા સ્ટ્રીટ લાઇટ પોલ નાખશે. સારી ગુણવત્તાવાળી હાલની લાઇટો પણ બદલવામાં આવશે. નાગરિકો આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી, ટેક્સના પૈસા શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ પાછળ વાપરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે અનેક વિસ્તારોમાં પ્રદુષિત પાણીની સમસ્યા યથાવત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રજાના પરસેવાની કમાણીને 'આઇકોનિક' સ્ટાઈલમાં ઉડાવવાની અમદાવાદ મનપાની પેરવી, ચાલુ સ્ટ્રીટ લાઈટ છતાં નવું ગતકડું
ફાઈલ ફોટો

Ahmedabad Street Light Controversy: અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રજાના ટેક્સના પૈસાનો ફરી એકવાર વેડફાટ કરવાનો નુસખો શોધી કાઢ્યો છે . જોધપુર વોર્ડમાં કેન્યુગ રોડથી શ્યામલ રોડને 'આઇકોનિક રોડ' તરીકે વિકસાવવાના નામે સારી ગુણવત્તા ધરાવતી હયાત સ્ટ્રીટ લાઈટો પણ બદલી નાખવામાં આવશે. આ રોડ પરથી જૂના સ્ટ્રીટ પોલ ઉખાડીને રૂ. 3.17 કરોડના ખર્ચે નવા 835 પોલ નાખવાનું આયોજન કરાયું છે.

લોકોએ કહ્યું- ખૂટતી સુવિધાઓમાં પૈસા વાપરો

મનપાના આ નિર્ણય સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, માત્ર લાઈટ પોલ બદલવા પાછળ આટલો મોટો ખર્ચ કરવાને બદલે પ્રજાના ટેક્સના પૈસા શિક્ષણ કે શહેરમાં ખૂટતી પ્રાથમિક સુવિધાઓ પાછળ ખર્ચવા જોઈએ. એક તરફ આઇકોનિક રોડના નામે તંત્ર કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યું છે, તો બીજી તરફ અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રદૂષિત પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવ જેવી ગંભીર સમસ્યાઓ ઉકેલવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી.

મટીરિયલ કમિટીના ચેરમેને શું કહ્યું?

આઇકોનિક રોડના બહાને કરોડો રૂપિયાનું આંધણ કરવા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અંગે મટીરિયલ કમિટીના ચેરમેને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રોડને આઇકોનિક બનાવવામાં આવી રહ્યો હોવાથી નવી સ્ટ્રીટ લાઈટો મૂકવામાં આવી રહી છે.

ખરેખર, મનપાના અધિકારીઓ અને શાસકોની બુદ્ધિને દાદ દેવી પડે! શહેરીજનોના ઘરે પીવાનું ચોખ્ખું પાણી પહોંચે કે ન પહોંચે, પણ રસ્તા પર 'આઇકોનિક' રોશની ઝગમગવી જ જોઈએ. ગંદુ પાણી પીને ભલે પ્રજા બીમાર પડે, પણ રૂ. 3.17 કરોડના નવા 835 પોલ જોઈને તેમની આંખો ધન્ય થઈ જવી જોઈએ. 'આઇકોનિક' રોડ પરથી પસાર થતી વખતે નાગરિકો ભલે ખાડાઓનો સામનો કરે, પરંતુ કરોડોના ખર્ચે ઊભા કરાયેલા પોલ જોઈને તેમણે મનપાનો આભાર માનવો જ રહ્યો. પ્રજાના પરસેવાની કમાણીને 'આઇકોનિક' સ્ટાઈલમાં ઉડાવવાની તંત્રની આ આવડત ખરેખર બિરદાવવા લાયક છે!