Ahmedabad

અમદાવાદ એરપોર્ટ પર 600 ગ્રામ સોનું લૂંટવાના કેસમાં પોલીસકર્મીઓ જ માસ્ટરમાઇન્ડ નીકળ્યા, 3 આરોપી ઝડપાયા

By GS Team
2 Aug 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ એરપોર્ટ નજીક 27 જૂને દુબઈથી આવેલા 2 મુસાફરો પાસેથી 64 લાખના 600 ગ્રામ સોનાની લૂંટ થઈ હતી. આ ગુનામાં ડાંગ અને અમદાવાદ પોલીસકર્મીઓ સહિત 3 આરોપી ઝડપાયા છે. સામાજિક કાર્યકર ગણાતી મહિલાએ પણ મદદ કરી હતી. એરપોર્ટ પોલીસે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં તપાસ કરીને તેમને પકડ્યા. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ એરપોર્ટ પર 600 ગ્રામ સોનું લૂંટવાના કેસમાં પોલીસકર્મીઓ જ માસ્ટરમાઇન્ડ નીકળ્યા, 3 આરોપી ઝડપાયા

Ahmedabad Airport Gold Robbery Policemen Mastermind: અમદાવાદ એરપોર્ટ નજીક ગત 27 જૂનના રોજ દુબઈથી 600 ગ્રામ સોનું લઈને આવેલા બે મુસાફરોનું બોલેરો ગાડીમાં અપહરણ કરી, તેમને એપોલો સર્કલ સુધી લઈ જઈને 64 લાખ રૂપિયાના સોનાની લૂંટ ચલાવવાની એક ઘટના સામે આવી હતી. આ ગુનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેમાં ડાંગ અને અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા પોતાને સામાજિક કાર્યકર ગણાવતી એક મહિલાની પણ ભૂમિકા જોવા મળી છે. આરોપીઓએ અગાઉથી મળેલી બાતમીના આધારે આ કાવતરું રચ્યું હતું. એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરીને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાર અલગ-અલગ ટીમો બનાવી છે, જેણે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં તપાસ કરીને અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

600 ગ્રામ સોનાની લૂંટ કેસમાં પોલીસ કર્મચારીઓ જ માસ્ટરમાઇન્ડ નીકળ્યા

આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, ગત 27મી જૂનના રોજ હરીશ અને ઓએસ નામના બે પેસેન્જરો દુબઈથી 64 લાખ રૂપિયાની કિંમતનું 600 ગ્રામ સોનું લઈને એરપોર્ટથી નીકળ્યા હતા, ત્યારે એક મહિલા અને ચાર શખસોએ બોલેરો ગાડીમાં તેમનું અપહરણ કરી, માર મારીને એપોલો સર્કલ સુધી લઈ જઈ સોનાની લૂંટ ચલાવી હતી. આ અંગે ફરિયાદીએ જાણ કરતા એરપોર્ટ પોલીસે સત્વરે ગુનો નોંધ્યો હતો અને પોલીસ કમિશનર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી અમે અલગ અલગ ચાર ટીમો બનાવી હતી.

સમગ્ર મામલે પોલીસની ટીમોએ અલગ અલગ રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશના ટાંડા, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં સર્વેલન્સના આધારે આરોપીઓની તપાસ અને શોધખોળ શરૂ કરી હતી. જેમાં સૌપ્રથમ સીસીટીવીના આધારે અમરાઈવાડીમાં રહેતી અને પોતાને સામાજિક કાર્યકર ગણાવતી પારુલ મિસ્ત્રી નામની મહિલાની ઓળખ થઈ હતી, જે પોલીસના સતત સંપર્કમાં રહેતી હતી અને આ ગુનામાં તેણે વોચર તરીકે કામ કરી અન્ય આરોપીઓને લૂંટ માટે હિન્ટ આપી હતી.

3 આરોપી ઝડપાયા

આ સમગ્ર ગુનાનું પ્લાનિંગ ડાંગ પોલીસમાં નોકરી કરતા કૃપારાવ નામના આરોપીને પેસેન્જર આવવાની અને દુબઈથી સોનું આવવાની ટીપ મળ્યા બાદ બધાએ ભેગા મળીને કર્યું હતું. મહિલા પારુલ મિસ્ત્રી પોલીસમાં નોકરી કરતા મહિપાલસિંહ રાઠોડના સંપર્કમાં હતી, જ્યારે મુખતિયાર અને નટવર ઉર્ફે બાબુ પરમાર એ કૃપારાવના સંપર્કમાં હતા. પોલીસની ટીમે બોલેરો ગાડી લાવનાર કૃપારાવ દેવૈયા અને નટવરલાલ ભોજાભાઈ પરમારને કર્ણાટકથી ઝડપી લીધા છે અને હાલ આ કેસમાં કુલ ત્રણ આરોપીઓ પકડાયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: શહેરકોટડામાં પોલીસના નાક નીચે વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું, 26.91 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ અને ચાર ફરાર

પકડાયેલા આરોપીઓનો અગાઉનો કોઈ આવો ગુનાહિત ઇતિહાસ નથી પરંતુ કૃપારાવ અથવા બાબુ પર અગાઉ એસીબી અને એક્સિડન્ટનો એક ગુનો નોંધાયેલો છે. આ તપાસમાં અમદાવાદ શહેર પોલીસમાં નોકરી કરતા મહિપાલસિંહ દિલીપસિંહ રાઠોડ અને મુકેશ શ્યામરાવ કુવર તેમજ મુખતિયાર અહેમત તલાટ નામના પ્રાઇવેટ માણસ એમ બીજા ત્રણ લોકોના નામ પણ ખુલ્યા છે, જેમની શોધખોળ માટે પોલીસની અલગ અલગ ટીમો હાલમાં પણ કાર્યરત છે.