અમદાવાદ: સરખેજમાંથી રૂપિયા 1.82 કરોડના એમ્બરગ્રીસ સાથે ત્રણ શખ્સોની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Police Seize Ambergris: અમદાવાદ શહેર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), ઝોન-7એ સરખેજ વિસ્તારમાંથી આશરે રૂપિયા 1.82 કરોડની કિંમતનું 1.823 કિલોગ્રામ શંકાસ્પદ વ્હેલ વોમિટ (એમ્બરગ્રીસ) જપ્ત કર્યું છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સંરક્ષિત વન્યજીવોના અવશેષોના ગેરકાયદે સંગ્રહ, પરિવહન અને વેચાણ સામે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
બાતમીના આધારે કાર્યવાહી
બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે ત્રણ શખ્સો એસ.પી. રિંગ રોડ પર આવેલા સનાથલ બ્રિજ પાસે એમ્બરગ્રીસનો જથ્થો લઈને કોઈની રાહ જોઈને ઊભા છે. આ ચોક્કસ માહિતીના આધારે LCBની ટીમે તાત્કાલિક દરોડો પાડીને ત્રણેય શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી અને તેમની પાસેથી 1 કિલો 823 ગ્રામ વજન ધરાવતો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

કુલ રૂપિયા 1.82 કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ મામલે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની ઓળખ જાહેર કરી છે. પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂપિયા 1.82 કરોડની કિંમતનું એમ્બરગ્રીસ અને રૂપિયા 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 1.82 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓના નામ
- વિશ્વરાજ સિંહ ગિરિરાજ સિંહ ચુડાસમા (ઉંમર 27, રહે. લીંબડી, સુરેન્દ્રનગર)
- દર્શન રૂપાભાઈ સભાડ (ઉંમર 24, રહે. લીંબડી, સુરેન્દ્રનગર)
- વીરપાલ સિંહ ગફુરભાઈ વાજેસંગ રાઠોડ (ઉંમર 25, રહે. ચાંગોદર, અમદાવાદ)
ઉલ્લેખનીય છે કે, એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં ઉત્પન્ન થતો એક અત્યંત દુર્લભ અને મીણ જેવો પદાર્થ છે, જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પરફ્યુમ ઉદ્યોગમાં સુગંધને લાંબો સમય ટકાવી રાખવા માટે (ફિક્સેટિવ તરીકે) થાય છે. ભારતમાં સ્પર્મ વ્હેલ સંરક્ષિત પ્રજાતિ હોવાના કારણે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ તેના વેપાર અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પકડાયેલા પદાર્થની અધિકૃતતા ચકાસવા માટે તેને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવશે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેના ખરીદદારો કોણ હતા અને શું આ આરોપીઓ કોઈ આંતરરાજ્ય વન્યજીવ તસ્કરી નેટવર્ક સાથે જોડાયેલા છે કે કેમ?









