Ahmedabad

અમદાવાદ: રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં ઘટસ્ફોટ, કમાણીની લ્હાયમાં 9 લોકોના જીવ ગયાની પોલીસની કબૂલાત, હવે ફરશે બુલડોઝર

By GS Team
19 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના રામોલમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 9નાં મોત થયા. રથયાત્રાના બંદોબસ્તનો લાભ લઈ, 18મી જુલાઈએ ગણેશ વિસર્જનના ઓર્ડર માટે દાહોદથી શ્રમિકો લાવી કામ ચાલતું હતું. પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા સહિત 3ની ધરપકડ કરી છે. 2014માં પણ બ્લાસ્ટ થયો હતો. હવે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં ઘટસ્ફોટ, કમાણીની લ્હાયમાં 9 લોકોના જીવ ગયાની પોલીસની કબૂલાત, હવે ફરશે બુલડોઝર

Ahmedabad Ramol Firecracker Factory Blast: અમદાવાદના રામોલ વિસ્તારમાં 18મી જુલાઈના રોજ એક ખેતરમાં ચાલતી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ મામલે પોલીસે ચોંકાવનારા ઘટસ્પોટ કર્યા છે. આગામી ગણેશ વિસર્જનના ઓર્ડર પૂરા કરવા માટે પોલીસની રથયાત્રા બંદોબસ્તની વ્યસ્તતાનો લાભ લઈને આ ફેક્ટરી છૂપી રીતે શરૂ કરવામાં આવી હતી. આ ગંભીર દુર્ઘટનામાં 9 લોકો મોત નીપજ્યા હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપી મેહુલ ડોડિયા સહિત ત્રણ સંચાલકોની ધરપકડ કરી લીધી છે.

રથયાત્રા બંદોબસ્તનો લીધો લાભ, લાયસન્સ પૂર્ણ થવા છતાં ચાલતું હતું કામ

અમદાવાદ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યાનુસાર, આ ફેક્ટરીનું લાયસન્સ ગત ચોથી માર્ચના રોજ પૂર્ણ થઈ ગયું હોવાથી તંત્ર દ્વારા તેને સદંતર બંધ કરાવી દેવામાં આવી હતી. જો કે, છેલ્લા 20થી 25 દિવસ દરમિયાન પોલીસ તંત્ર રથયાત્રાના ચુસ્ત બંદોબસ્તમાં વ્યસ્ત હતું, જેનો લાભ લઈને સંચાલકોએ દાહોદથી શ્રમિકો લાવીને ગેરકાયદે રીતે ફરીથી દારૂખાનું બનાવવાનું શરૂ કરી દીધું હતું. ગણેશ વિસર્જન માટે મળેલા મોટા ઓર્ડર પૂરા કરવા માટે એક ટીન શેડમાં કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જ આ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, રેપિડ એક્શન ફોર્સ (RAF), ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ અને એલજી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે મૃતકોના પીએમ બાદ તેમના શવને પોલીસ બંદોબસ્ત સાથે દાહોદના સંજેલી, કપડવંજ, ઉમરેઠ અને રામોલ ખાતે તેમના વતનમાં મોકલી આપવામાં આવ્યા છે.

image.png

2014માં પણ બ્લાસ્ટ થયો હતો

પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, રમીલાબહેન ડોડિયા (મેહુલની માતા) અને સાદિક સૈયદ ધરપકડ કરી લીધી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ વર્ષ 2014માં પણ જ્યારે રમીલાબહેન આ ફેક્ટરી ચલાવતા હતા ત્યારે એક બ્લાસ્ટમાં 1 વ્યક્તિનું મોત થયું હતું અને લાયસન્સ રદ કરાયું હતું. ત્યારબાદ 2020માં દીકરા મેહુલના નામે નવું લાયસન્સ લેવાયું હતું, જે હાલ રિન્યુ ન હોવા છતાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રખાઈ હતી. આરોપીઓ સામે વિસ્ફોટક પદાર્થ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.

નિયમ કરતાં વધુ કેમિકલ અને મજૂરોનો વીમો પણ નહોતો, હવે બુલડોઝર ફરશે

પ્રાથમિક તપાસ અને FSLના અહેવાલમાં સામે આવ્યું છે કે ફેક્ટરીમાં નિયમ મુજબ મહત્તમ 15 કિલો પોટેશિયમ નાઈટ્રેટ રાખવાની જ છૂટ હોય છે, પરંતુ અહીં તેનાથી પણ વધુ માત્રામાં જોખમી વિસ્ફોટક પદાર્થોનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત, કામ કરતા શ્રમિકોનો કોઈ ઇન્સ્યોરન્સ (વીમો) પણ લેવામાં આવ્યો નહોતો.

પોલીસ હવે આ જમીનના મૂળ માલિક અને કૌભાંડમાં આર્થિક મદદ કરનાર ફાઇનાન્સરની પણ કડક પૂછપરછ કરવાની છે. આ સાથે જ તંત્રએ રામોલ વિસ્તારમાં આવેલી અન્ય 13 ફેક્ટરીઓ (જેમાંથી 12 અગાઉથી જ બંધ છે) અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા આવા 40થી 40થી 45 જેટલા ગેરકાયદે બાંધકામો સામે ઝુંબેશ આદરી છે. અન્ય સરકારી વિભાગો સાથે મળીને આ તમામ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની (બુલડોઝર કાર્યવાહી) પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.