Ahmedabad

અમદાવાદ: દરિયાપુરની મનપસંદ ક્લબ પર SMCની 20 કલાકથી વધુ સર્ચ ચાલુ, પોલીસની ભૂમિકા સામે સવાલો!

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ ક્લબ (જીમખાના) પર SMCએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. રવિવારે થયેલા દરોડામાં ત્રણેય માળ પરથી 150થી વધુ જુગારીઓ ઝડપાયા. લાખોની રોકડ, મોબાઈલ અને વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામો પટેલ સહિત ડિંગુચા કેસના આરોપી બોબી પટેલની સંડોવણીની ચર્ચા છે. સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: દરિયાપુરની મનપસંદ ક્લબ પર SMCની 20 કલાકથી વધુ સર્ચ ચાલુ, પોલીસની ભૂમિકા સામે સવાલો!

Ahmedabad News: અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ ક્લબ (જીમખાના) પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રવિવારે (બીજી ઓગસ્ટ) પડેલા આ દરોડામાં ક્લબના ત્રણેય માળ પરથી મોટી સંખ્યામાં જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. છેલ્લા 20 કલાકથી ચાલી રહેલી આ સઘન કાર્યવાહીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે SMCના SP મયુર ચાવડા અને DIG વિશાલ વાઘેલા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં ક્લબની અંદર જ તમામ જુગારીઓને કસ્ટડીમાં રાખીને તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.

મસમોટો મુદ્દામાલ જપ્ત, 150થી વધુની અટકાયત

પોલીસની આ મોટી કાર્યવાહીમાં લાખો રૂપિયાની રોકડ, મોબાઈલ ફોન, જુગારના કોઈન અને વાહનો સહિતનો મસમોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ક્લબનો મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ કે જે અગાઉ હાઈકોર્ટના આદેશની આડમાં બચી જતો હતો, તે આ વખતે SMCના હાથે ફસાયો છે. આ જુગારધામમાં ડિંગુચા કબૂતરબાજી કેસના આરોપી બોબી પટેલ અને એક નિવૃત્ત પોલીસકર્મીની સંડોવણી હોવાની પણ ચર્ચા છે. પકડાયેલા આરોપીઓનો આંકડો 150થી 180 જેટલો મોટો હોવાથી, રેડ પૂર્ણ થયા બાદ તમામને માત્ર દરિયાપુર જ નહીં પરંતુ જગ્યાના અભાવે આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ખસેડવામાં આવશે.

પોલીસની ભૂમિકા સામે સવાલો!

આ હાઈ-પ્રોફાઈલ દરોડાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને તેમની ભૂમિકા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આ જ ક્લબમાં દરોડા પડ્યા ત્યારે દરિયાપુરના તત્કાલીન PI અને PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ વખતે ફરી એકવાર સ્થાનિક પોલીસની હદમાં આટલો મોટો જુગારનો અડ્ડો ધમધમતો હોવાનું ખૂલતાં તપાસનો રેલો સ્થાનિક પોલીસ સુધી પણ પહોંચશે. આ મામલે રાજ્યના DGP દ્વારા બેદરકાર પોલીસ અધિકારીઓ સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.