'મેરી મોત કી વજહ યહ દોનો હૈ..', સરખેજમાં રહેતા રાજસ્થાની યુવકે ત્રાસથી કંટાળી ભર્યું અંતિમ પગલું, દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના સરખેજ ઉજાલા સર્કલ નજીક આવેલા દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ નામના વ્યક્તિએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સુરેશભાઈ સરખેજ ઉજાલા સર્કલ ખાતે સાવરિયા મોબાઇલ એસેસરીઝ નામથી મોબાઇલ એસેસરીઝની લારી ચલાવતા હતા. ઘટના પહેલાં સુરેશભાઈએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં કેટલાક મેસેજો અને બે વ્યક્તિઓના ફોટા શેર કર્યા હતા.
માનસિક ત્રાસ આપતા હતા તેવો દાવો
વિગતો અનુસાર, સુરેશે ઓક્ટોબર 2025માં કાળુ પ્રજાપતિ અને તેના પુત્ર રાહુલ સાથે મળીને 'સાવરિયા મોબાઈલ મની ટ્રાન્સફર' નામની દુકાન શરૂ કરી હતી. થોડા સમય બાદ સુરેશને વતનથી પરત ફરવામાં મોડું થતાં, આ પિતા-પુત્રએ તેને નફાનો કોઈ પણ હિસ્સો આપ્યા વિના જબરદસ્તીથી ભાગીદારીમાંથી કાઢી મૂક્યો હતો. એટલું જ નહીં, ધંધામાંથી છૂટા કર્યા પછી પણ બંને આરોપીઓ સતત તેની પાસે ગેરકાયદે રીતે નાણાંની માંગણી કરી માનસિક ત્રાસ આપતા હતા અને તેની લારી ઊઠાવી લેવાની ધમકીઓ આપતા હતા.
'મેરી મોત કી વજહ યહ દોનો હૈ'
આ સતત અપાતી ધમકીઓ અને આર્થિક શોષણથી હતાશ થઈને સુરેશે આ અંતિમ પગલું ભર્યું હતું. મૃત્યુ પામતા પહેલા તેણે પોતાના વ્હોટ્સએપ સ્ટેટસમાં આરોપી પિતા-પુત્રના ફોટા મૂકીને 'મેરી મોત કી વજહ યહ દોનો હૈ' તેવું સ્પષ્ટ લખ્યું હતું. આ સાથે જ તેણે પોતાના પરિવારની માફી માંગીને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરને સંબોધીને ન્યાય અપાવવા માટે આક્રંદ કર્યો હતો. આ ગંભીર અને સંવેદનશીલ મામલે સરખેજ પોલીસે વ્હોટ્સએપ સ્ટેટસ સહિતના પુરાવાઓને આધારે કાળુ અને રાહુલ પ્રજાપતિ સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
મૃતકે આ પગલું કયા કારણોસર ભર્યું, તેની પાછળનું સાચું કારણ શું છે અને વોટ્સએપ સ્ટેટસમાં કરાયેલા દાવાઓમાં કેટલું સત્ય છે, તે અંગે હવે સરખેજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થઈ શકશે.









