કાશ આ કાર્યવાહી પહેલા કરી હોત! 10 લોકોના જીવ હોમાયા બાદ લાયસન્સ વિના ધમધમતી ફટાકડાની ફેક્ટરીઓ તોડી પડાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં અને વસ્ત્રાલ ગામની સીમ નજીક આવેલા મહમદપુરામાં થયેલા ભયાનક ફટાકડા બ્લાસ્ટ બાદ હવે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ઝોન-8ના અધિકારી જણાવ્યા મુજબ, રામોલ વિસ્તારમાં ફટાકડાના ત્રણ મેન્યુફેક્ચરિંગ યુનિટ અને દસ સ્ટોરેજ તથા વેચાણ યુનિટ સહિત કુલ 13 લાયસન્સ આપવામાં આવ્યા હતા. જોકે, આ તમામ લાયસન્સ 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થઈ ગયા હતા અને ત્યારબાદ સંબંધિત તમામ સંચાલકોને કામગીરી બંધ રાખવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. જેમાં તપાસ બાદ બે ફેક્ટરી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
સીલ મારવાને બદલે કાયમી ઉકેલ કરાયો
પોલીસના જણાવ્યા મુજબ, રથયાત્રાની તારીખ આસપાસ ગેરકાયદે રીતે ફરી શરૂ કરાયેલા એક ફટાકડા યુનિટમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 10 લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટના બાદ માત્ર સીલ મારવાને બદલે કાયમી ઉકેલ લાવવા માટે આ ગેરકાયદે ફેક્ટરીઓ તોડી પાડવાનો નિર્ણય લીધો છે, આ કાર્યવાહી થાય તે માટે જમીન માલિકો પણ પોલીસનો સાથ આપી રહ્યા છે. ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ અને AMC દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી, જ્યારે ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને વિસ્ફોટક સામગ્રીને નિષ્ક્રિય કરી સમગ્ર કામગીરીમાં સહયોગ આપ્યો હતો. બીજી તરફ સ્થાનિકો લોકો તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે કે કાશ આવી કાર્યવાહી પહેલા કરાઇ હોત, સુરક્ષાની તપાસ કરી હોત તો નિર્દોષ 10 લોકોનો જીવ ન જાત!
પોલીસે આપી ચેતવણી
હાલ બાકીના 10 સ્ટોરેજ અને વેચાણ યુનિટ્સની પણ AMC અને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે લાયસન્સ વગર કામગીરી કરનાર અથવા લાયસન્સ હોવા છતાં માર્ગદર્શિકા (ગાઈડલાઈન)નો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 106 સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.









