અમદાવાદની આઇટી કંપનીમાં 1.56 કરોડની ઉચાપત કરનાર માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો, સતત લોકેશન બદલી ચકમો આપતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદની એક આઇટી કંપનીમાં પોતાના એડમિન રાઇટ્સનો દુરુપયોગ કરીને રૂપિયા 1.56 કરોડથી વધુની રકમની ઉચાપત કરનાર મુખ્ય આરોપીને એલિસબ્રિજ પોલીસ અને એલ.સી.બી. ઝોન-7ની ટીમે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ પોલીસથી બચવા માટે ઘણા સમયથી પોતાની ડિજિટલ ઓળખ છુપાવીને અલગ-અલગ રાજ્યોમાં નાસતો ફરતો હતો.
આઇટી કંપનીમાં 1.56 કરોડની ઉચાપત કરનાર માસ્ટરમાઇન્ડ ઝડપ્યો
આરોપી નિખિલ રાજેશભાઈ ખલાસ ઇ-પ્રોક્યોરમેન્ટ ટેકનોલોજી લિમિટેડ નામની આઇટી કંપનીમાં હેડ ઓફ સપોર્ટ બિડિંગ ડિવિઝન તરીકે નોકરી કરતો હતો. તેણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો અને સિસ્ટમમાં મૂળ બીડરના બેંક એકાઉન્ટની જગ્યાએ પોતાનું અને મળતિયાઓનું એકાઉન્ટ સેવ કરી કંપની સાથે કુલ રૂપિયા 1,56,65,211ની છેતરપિંડી કરી હતી.
આ અંગે એલિસબ્રિજ પોલીસ મથકે ગત 19 મેના રોજ ગુનો નોંધાયો હતો. આરોપી ટેક્નોલોજીનો જાણકાર હોવાથી આરોપી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સતત પોતાનું લોકેશન બદલીને છુપાતો હતો.
ટેકનિકલ એનાલિસિસથી આરોપી સુરતના કતારગામ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસની ટીમે સુરત પહોંચીને વોચ ગોઠવી આરોપી નિખિલ ખલાસને ઝડપી લીધો હતો. આ ગુનામાં પોલીસે ડિજિટલ ટ્રેલ મેળવીને અગાઉથી જ રૂપિયા 61,44,356ની રકમ ફ્રીઝ કરાવી દીધી છે. આરોપી પાસેથી કુલ રૂપિયા 28,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 3 મોબાઇલ ફોન અને 1 લેપટોપ સામેલ છે. બાકીની રકમ કબજે કરવા માટે હાલમાં આરોપીના પોલીસ રિમાન્ડ મેળવવાની કામગીરી ચાલી રહી છે.









