Ahmedabad

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: આરોપી મેહુલ ડોડિયા અને સાદિકના 7 દિવસના રિમાન્ડ મંજૂર

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ કેસમાં રામોલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શનિવારે બપોરે 3.30 વાગ્યે થયેલા બ્લાસ્ટમાં 4 સગીર સહિત 10 મજૂરોના મોત થયા હતા. પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદની ધરપકડ કરી, કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ ઘટનામાં વધુ એક ઇજાગ્રસ્તનું મોત થતા મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: આરોપી મેહુલ ડોડિયા અને સાદિકના 7 દિવસના રિમાન્ડ મંજૂર

Ahmedabad Mehmudpura Crackers Factory Blast: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં સર્જાયેલા ભીષણ બ્લાસ્ટના કેસમાં રામોલ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શનિવારે (18 જુલાઈ) બપોરે 3.30 વાગ્યાના સુમારે વસ્ત્રાલ ગામની સીમમાં પરમિટ વગર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 4 સગીર સહિત 10 નિર્દોષ મજૂરોના દર્દનાક મોત નીપજ્યા છે.

આ ગંભીર દુર્ઘટનામાં પોલીસે ગેરકાયદે ફેક્ટરી ચલાવતા મુખ્ય આરોપી મેહુલ ભાઈલાલભાઈ ડોડિયા અને સાદિકઅલી બડામીયા સૈયદની ધરપકડ કરી હતી. આજે સોમવારે પોલીસે બંને આરોપીઓને ઘી કાંટા સ્થિત એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.આર. ઠાકુરની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કેસની ગંભીરતા અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે બંને આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27મી જુલાઈ સુધીના (7 દિવસના) પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલા આરોપી રમીલાબહેન ડોડિયાને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.

Ahmedabad Mehmudpura Crackers Factory Blast.jpg

કોર્ટમાં સરકારી વકીલની દલીલો

સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓએ પોતાના અંગત આર્થિક ફાયદા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કે પોલીસ તંત્રની કોઈપણ જાતની પરવાનગી વગર વસ્ત્રાલમાં ખેતરમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી શરૂ કરી હતી. ફેક્ટરીમાં પોટેશિયમ નાઈટ્રેટ સહિતનો અત્યંત જોખમી સ્ફોટક જથ્થો રાખવામાં આવ્યો હતો, જેના બ્લાસ્ટમાં 4 સગીર બાળકો સહિત 10 મજૂરોએ જીવ ગુમાવ્યો છે. મહિલા આરોપી રમીલાબેનની ફટાકડાની ફેક્ટરીમાં વર્ષ 2014માં પણ આગ લાગી હતી, જેમાં એક મજૂરનું મોત થયું હતું. ભૂતકાળમાં સત્તાવાળાઓએ આ ફેક્ટરી સીલ કરી હોવા છતાં, આરોપીઓ પરવાના વગર ફરી ફેક્ટરી ચાલુ કરીને ગુનો કરવા ટેવાયેલા છે.

પોલીસ તપાસ માટે રિમાન્ડ કેમ જરૂરી?

સરકારી વકીલે કોર્ટ સમક્ષ રિમાન્ડના મુખ્ય કારણો રજૂ કર્યા હતા, જેમાં સ્ફોટક પદાર્થોનો જથ્થો આરોપીઓ કોની પાસેથી લાવ્યા હતા અને અન્ય ક્યાં છુપાવ્યો છે તે શોધવાનું છે. આ ગેરકાયદે કારોબારમાં અન્ય કોણ ભાગીદારો કે નાણાકીય મદદગારો છે તેની તપાસ કરવી છે. ઘટનાસ્થળે આરોપીઓને સાથે રાખીને 'રિકન્સ્ટ્રક્શન' કરાવવું છે. આરોપીઓના સંતાડેલા મોબાઈલ ફોન કબજે કરી કોલ ડિટેલ્સ (CDR) પણ મેળવવી છે. અને આરોપીઓ અન્ય કોઈ જગ્યાએ આવી ગેરકાયદે ફેક્ટરી ચલાવે છે કે કેમ તેની તલસ્પર્શી તપાસ કરવી છે.

સિવિલ હોસ્પિટલમાં વધુ એક ઈજાગ્રસ્તનું મોત: મૃત્યુઆંક 10 પર પહોંચ્યો

બીજી તરફ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વધુ એક ગંભીર રીતે દાઝેલા શ્રમિક અજય ડામોરનું વહેલી સવારે 2.15 વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજતા કુલ મૃત્યુઆંક વધીને 10 થયો છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે, "ફેક્ટરી દુર્ઘટનામાંથી કુલ 5 દર્દીઓને (1 મહિલા અને 4 પુરુષ) સિવિલમાં લવાયા હતા. જેમાં 95% દાઝેલા પુરુષ દર્દીનું વહેલી સવારે મોત થયું છે. હાલ 4 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 75% દાઝેલી મહિલા દર્દીની સ્થિતિ અત્યંત ક્રિટીકલ હોવાથી તેઓ ICUમાં સારવાર હેઠળ છે."પુરુષ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.'