Ahmedabad

લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન લઈને આવતા વિદ્યાર્થીઓને શાળામાં 'નો-એન્ટ્રી', અમદાવાદ DEOનો આદેશ

By GS Team
29 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં સગીર વિદ્યાર્થીઓની સુરક્ષા માટે DEOએ કડક આદેશ આપ્યો છે. 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓને લાયસન્સ અને હેલ્મેટ વિના શાળામાં પ્રવેશ નહીં મળે. શાળાઓએ 7 દિવસમાં રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમો યોજી વાલીઓને જાણ કરવી પડશે. નિયમભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. DEO ટીમ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન લઈને આવતા વિદ્યાર્થીઓને શાળામાં 'નો-એન્ટ્રી', અમદાવાદ DEOનો  આદેશ

Ahmedabad DEO School Road Safety: અમદાવાદમાં રોડ સેફ્ટી અને સગીર વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને DEO દ્વારા કડક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમ અનુસાર, 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ અને હેલ્મેટ વિના વાહન ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેમજ આવા વિદ્યાર્થીઓને શાળા પરિસરમાં પ્રવેશ નહીં આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ તમામ શાળાઓને નિયમનો ભંગ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને તાત્કાલિક જાણ કરવા અને આગામી 7 દિવસમાં પ્રાર્થના સભા તથા અન્ય માધ્યમો દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

આ અંગે અમદાવાદના DEO જણાવ્યું કે-

અમદાવાદ શહેરની શાળાઓમાં સગીર વયના બાળકો લાયસન્સ વગર વાહનો ચલાવતા હોવાથી જે ગંભીર ઘટનાઓ બની રહી છે, તેને ધ્યાનમાં રાખીને મેં તમામ શાળાઓને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવા સૂચના આપી છે. આગામી એક સપ્તાહમાં શાળાઓએ રોડ સેફ્ટીના નિષ્ણાતો અથવા RTOના અધિકારીઓને બોલાવીને વિદ્યાર્થીઓને કાયદા, દંડનીય જોગવાઈઓ અને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરવાના રહેશે. આ સાથે શાળાઓએ વાલીઓને પણ સ્પષ્ટપણે જણાવી દેવાનું રહેશે કે કોઈપણ વિદ્યાર્થી લાયસન્સ વગર ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર લઈને શાળાએ આવી શકશે નહીં, અને જો આવશે, તો તેને શાળામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે પાછળથી પસ્તાવો કરવાનો વારો આવે છે, તેથી વાલીઓએ પણ આ બાબતે અમને પૂરો સહકાર આપવો જોઈએ.

કડક સૂચનાઓ અંગે પરિપત્ર જાહેર કરાયો

  • આગામી 7 દિવસમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજી તમામ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવું.
  • તમામ વાલીઓને લેખિત, વોટ્સએપ, એસએમએસ અથવા અન્ય યોગ્ય માધ્યમથી સ્પષ્ટ જાણ કરવી કે 18 વર્ષથી ઓછી ઉંમરના અથવા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના વિદ્યાર્થીઓને કોઈપણ દ્વિચક્રી કે ચતુર્થચક્રી વાહન ચલાવવા માટે મંજૂરી આપવી નહીં.
  • જો કોઈ વિદ્યાર્થી લાઈસન્સ વગર દ્વિચક્રી કે ચતુર્થચક્રી વાહન લઈને શાળામાં આવે અથવા દ્વિચક્રી વાહન પર હેલમેટ વગર આવે, તો આવા વિદ્યાર્થીને શાળા પરિસરમાં વાહન સાથે પ્રવેશ આપવા નહીં. વાલીને તાત્કાલિક બોલાવી જરૂરી સમજણ આપી, ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની લેખિત ખાતરી મેળવવી.
  • સવારની પ્રાર્થના સભા, વર્ગખંડ માર્ગદર્શન તથા વાલી મીટિંગ દરમિયાન રોડ સેફ્ટી અંગે સતત જાગૃતિ લાવવી.
  • શક્ય હોય ત્યાં RTO, ટ્રાફિક પોલીસ અથવા રોડ સેફ્ટી નિષ્ણાતોને આમંત્રિત કરીને વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજવા.
  • વિદ્યાર્થીઓમાં હેલમેટનો ઉપયોગ, સીટબેલ્ટનો ઉપયોગ, ગતિ મર્યાદાનું પાલન, મોબાઈલનો ઉપયોગ કર્યા વિના વાહન ચલાવવું તથા તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ટેવ વિકસાવવી.
  • શાળા કક્ષાએ સમયાંતરે ચકાસણી કરી આવા કિસ્સાઓ સામે તાત્કાલિક પગલાં લેવા.
image.png

'અમારી ટીમ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે'

તેમણે વધુમાં ઉમેર્યું કે, 'પોલીસ દ્વારા રસ્તાઓ પર નિયંત્રણ રાખવામાં આવે છે, છતાં શાળા સમય બાદ કોચિંગ ક્લાસ જવા માટે સમય બચાવવાના બહાને વાલીઓ બાળકોને વાહન આપતા હોય છે, જે કાયદાની વિરુદ્ધ છે અને ખૂબ જ જોખમી પણ છે. આ અંગે અમે શાળાઓને સ્પષ્ટ સૂચનાઓ આપી દીધી છે અને હવે ટ્રાફિક પોલીસ તથા RTO સાથે મળીને અમારી ટીમ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે. જો શાળા પરિસરમાં આવાં વાહનો જોવા મળશે, તો તે કોના છે તેની ચકાસણી કરવામાં આવશે. આ બાબતે જો કોઈપણ શાળાની નિષ્ક્રિયતા જણાશે, તો અમે તે શાળાને કડક તાકીદ કરીશું અને તેમની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરીશું.'

કાનૂની જોગવાઈઓ (મોટર વાહન અધિનિયમ, 1988)

  • કલમ 3 – માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે.
  • કલમ 4 – નિર્ધારિત વય મર્યાદા પહેલાં વાહન ચલાવી શકાતું નથી.
  • કલમ 5 – વાહનના માલિક/વાલીની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે.
  • કલમ 181 – લાઇસન્સ વગર વાહન ચલાવવા બદલ દંડની જોગવાઈ.
  • કલમ 199A – જો સગીર દ્વારા વાહન ચલાવવામાં આવે તો વાહનના માલિક અથવા વાલી સામે દંડાત્મક કાર્યવાહી, ગુનો નોંધવાની કાર્યવાહી તેમજ કાયદા મુજબ અન્ય સજાની જોગવાઈ કરવામાં આવી છે.