અમદાવાદ કલેક્ટરની પ્રિ-મોન્સૂન બેઠક: આપત્તિ વ્યવસ્થાના આદેશો કરાયા, પાલન થશે કે દર વખતની જેમ ઘોર બેદરકારી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Collector Pre-Monsoon Meeting: ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ કલેક્ટર દ્વારા તમામ વહીવટી અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંભવિત કુદરતી આપત્તિઓ, અતિવૃષ્ટિ અને પૂર જેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેના આગોતરા આયોજન અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. કલેક્ટરે તમામ વિભાગોને 24 કલાક ઍલર્ટ રહીને લોકો તથા પશુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કડક આદેશો આપ્યા છે.
જો કે, દર વર્ષે ચોમાસા પહેલા આવી બેઠકો અને આદેશોનો દોર ચાલે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી ન થતાં આદેશોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. ત્યારે આ વખતે વહીવટી સુકાન સંભાળનારા નવા કલેક્ટરના આદેશોનું અધિકારીઓ કેટલું પાલન કરે છે અને દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવતી જનતાને કેટલી રાહત મળે છે તે જોવું રહ્યું.
અમદાવાદ-બાવળા હાઈવેની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા દાવો
ચોમાસા દરમિયાન અમદાવાદ-બાવળા હાઈવે પર ભારે પાણી ભરાવાની જૂની અને જટિલ સમસ્યા છે. કલેક્ટરના જણાવ્યાનુસાર, આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અલગ-અલગ નાના-મોટા પ્રોજેક્ટ્સ હેઠળ અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. આગામી કેટલાક મહિનાઓમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી જશે. આ સાથે જ, ચાલુ કામગીરી દરમિયાન વાહનચાલકો અને સ્થાનિક લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા પણ નિર્દેશ અપાયા છે.
નીચાણવાળા વિસ્તારો માટે 'ડી-વોટરિંગ પંપ' અને બચાવ સામગ્રી તૈયાર રાખવા તાકીદ
કલેક્ટરે તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને ચીફ ઓફિસરોને તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તાકીદે ચકાસીને મોકલવા આદેશ કર્યો છે. જે વિસ્તારોમાં પાણી ભરાવાની મુખ્ય સમસ્યા છે ત્યાં અગાઉથી જ ડી-વોટરિંગ પંપ ગોઠવવા અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનો સાફ કરવા જણાવાયું છે. આપત્તિ સમયે બચાવ કામગીરી માટે લાઈફ જેકેટ, બોટ, ગેસ કટર અને શેલ્ટર હોમ (આશ્રય સ્થાનો) તૈયાર રાખવા સૂચના અપાઈ છે. ચોમાસા દરમિયાન કંટ્રોલરૂમને 24 કલાક કાર્યરત રાખવા આદેશ કરાયો છે.
આરોગ્ય અને પુરવઠા વિભાગને એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ
ચોમાસામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને હેલ્થ કંટ્રોલરૂમ શરૂ કરવા તેમજ તમામ PHC અને CHC કેન્દ્રો પર જરૂરી દવાઓ, ક્લોરિન ટેબલેટ અને સર્પદંશ વિરોધી ઇન્જેક્શન (Anti-snake venom)નો પૂરતો જથ્થો રાખવા જણાવાયું છે. ખાસ કરીને પહેલી જૂનથી 31મી ઓક્ટોબર વચ્ચે જે સગર્ભા મહિલાઓની પ્રસૂતિની તારીખ હોય, તેમની યાદી તૈયાર કરી નજીકના હેડક્વાર્ટર ખાતે પ્રમાણિત કરવા આદેશ અપાયો છે. બીજી તરફ, પુરવઠા વિભાગને અસરગ્રસ્ત વિસ્તારોમાં અગાઉથી અનાજ પહોંચાડવા અને ફૂડ પેકેટ માટે NGOની યાદી તૈયાર રાખવા સૂચના આપી છે.
વિવિધ વિભાગોને અપાયેલી મહત્ત્વની સૂચનાઓ
માર્ગ અને મકાન,સિંચાઈ વિભાગ: રસ્તા-પુલના સમારકામ, ભયજનક કોઝ-વે પર ગેજ બોર્ડ લગાવવા. ડેમમાંથી પાણી છોડતા પહેલા સરપંચોને SMSથી જાણ કરવી.
વીજ કંપનીઓ: નીચાણવાળા વિસ્તારોમાંથી ટ્રાન્સફોર્મર ઊંચા સ્થળે ખસેડવા અને વીજ પુરવઠો ખોરવાય તો ઝડપી રિસ્ટોરેશન કરવું.
પોલીસ અને હોમગાર્ડ: વાયરલેસ સેટ કાર્યરત રાખવા અને પૂરની સ્થિતિમાં સ્ટેન્ડબાય રહેવું.
એસ.ટી. અને આર.ટી.ઓ.: આકસ્મિક સંજોગો માટે વાહનો ફાળવવા અને પાણી ભરાયેલા કોઝ-વે પરથી બસ પસાર ન કરવી.
પશુપાલન/વન વિભાગ: પશુઓ માટે વેક્સીન તૈયાર રાખવી. રસ્તા પર પડેલા વૃક્ષો સત્વરે દૂર કરવા.









