અમદાવાદ: માધવપુરામાં 5 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર 81 વર્ષીય વૃદ્ધને 5 વર્ષની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

POCSO Court Verdict: અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં ચોકલેટ લેવા દુકાને ગયેલી 5 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર 81 વર્ષીય વૃદ્ધ તફઝુલ હુસેન કુરેશીને પોક્સો કોર્ટે દોષિત ઠેરવી 5 વર્ષની કેદની સજા ફટકારી છે. જ્યારે પીડિત બાળકીને 'ધી ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ' અંતર્ગત રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
81 વર્ષીય વૃદ્ધની દાનત બગડી
માધવપુરા વિસ્તારમાં 81 વર્ષીય વૃદ્ધ તફઝુલ હુસેન કુરેશી દુકાન ધરાવીને વેપાર કરતા હતા. 19 ઓક્ટોબર 2024ના રોજ તેમની દુકાને એક 5 વર્ષની માસૂમ બાળકી ચોકલેટ લેવા ગઈ હતી. ત્યારે વૃદ્ધની દાનત બગડી હતી અને બાળકીને દુકાનમાં બોલાવીને તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં.
10 સાક્ષીઓ અને 11 દસ્તાવેજી પુરાવાના આધારે કાર્યવાહી
બાળકી રડતી-રડતી ઘરે પહોંચી હતી અને પોતાની માતાને દુકાનદારે કરેલી કરતૂત અંગે જાણ કરી હતી. આથી બાળકીની માતાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી તફઝુલ હુસેન કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે 10 સાક્ષીઓ અને 11 દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા.
કોર્ટની કાનૂની કાર્યવાહી દરમિયાન ફરિયાદી સહિતના સાક્ષીઓએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. સરકારી પક્ષે આરોપીને સખત સજા કરવા માટે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સમાજમાં દિન-પ્રતિદિન આવા બનાવો વધી રહ્યા છે. સમાજમાં દાખલો બેસે અને આ પ્રકારનું કૃત્ય કરનારાઓમાં કાયદાનો ડર રહે તે હેતુને ધ્યાનમાં રાખીને સજા ફટકારવી જોઈએ. કોર્ટે બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ ધ્યાનમાં રાખીને આરોપીને 5 વર્ષની સજા ફટકારી જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.









