Ahmedabad

અમદાવાદ: વાંચ ગામમાં ગેસ એજન્સીના કર્મચારી પર હુમલો કરી લૂંટ ચલાવનારા 5 આરોપી ઝડપાયા

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસે ગેસ એજન્સીના કર્મચારી પર હુમલો કરી 3.5 લાખની લૂંટનો ભેદ ઉકેલ્યો છે. 2 જુલાઈએ વાંચ ગામથી બીબીપુરા જતા રસ્તે કેનાલ પાસે 57 વર્ષીય બુધારામ બિશ્નોઈને આંતરી છરીના ઘા મારી લૂંટ ચલાવાઈ હતી. પોલીસે ટેકનિકલ સોર્સિસથી કિરણ, રામસિંહ, અનિલ, ફુલાજી અને શ્રવણ સહિત 5 આરોપીઓને પકડી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વાંચ ગામમાં ગેસ એજન્સીના કર્મચારી પર હુમલો કરી લૂંટ ચલાવનારા 5 આરોપી ઝડપાયા

Ahmedabad Robbery Case: અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે ગેસ એજન્સીના એક કર્મચારી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી હતી. જોકે, આ મામલે વિવેકાનંદનગર પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટને અંજામ આપનારા અને રેકી કરનારા તમામ 5 શાતિર આરોપીઓને દબોચી લીધા છે અને તેમની પાસેથી લૂંટાયેલો તમામ મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો છે.

કેનાલ પાસે આંતરીને છરીના ઘા માર્યા

મળતી માહિતી અનુસાર, ગત બીજી જુલાઈના રોજ 57 વર્ષીય ગેસ એજન્સીના કર્મચારી બુધારામ બિશ્નોઈ મોપેડ પર વાંચ ગામથી બીબીપુરા તરફ જવાના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કેનાલ નજીક અગાઉથી ટાર્ગેટ સેટ કરીને બેઠેલા લૂંટારુઓએ તેને આંતર્યા હતા. મોપેડ અને બાઇક પર આવેલા કેટલાક શખસોએ બુધારામને રસ્તા પર પાડી દીધા હતા અને પ્રતિકાર કરતાં છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ હુમલાખોરો પ્રૌઢ પાસેથી અઢી તોલાની સોનાની ચેઈન અને રોકડ મળીને કુલ 3.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

આ લૂંટ અંગે વિગતો આપતાં DySP આસ્થા રણાએ જણાવ્યું હતું કે,'બનાવની જાણ થતાં જ વિવેકાનંદનગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અલગ-અલગ ટીમો બનાવીને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તમામ આરોપીઓની ઓળખ કરી તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે અગાઉ પણ પ્રોહીબિશન તથા લૂંટના ગુના નોંધાઈ ચૂક્યા છે.'

રેકી કરનાર સહિત આ 5 આરોપીઓ પકડાયા

પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કિરણ,રામસિંહ, અનિલ, ફુલાજી અન શ્રવણની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ આખા ગુનાને અંજામ આપવા માટે પાંચમાંથી ચાર આરોપીઓ હથિયારો સાથે ઘટનાસ્થળ ઉપર આવ્યા હતા, જ્યારે 'શ્રવણ' નામનો આરોપી રસ્તા પર કોઈ પોલીસ કે અન્ય વાહન ન આવે તે માટે વોચ (રેકી) રાખી રહ્યો હતો. હાલમાં પોલીસે ગુનામાં વપરાયેલા વાહનો અને લૂંટાયેલી સોનાની ચેઇન સહિત રોકડ રકમ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.