અમદાવાદ સિવિલમાં છેલ્લા 5 વર્ષમાં ફેફસાંના કેન્સરના કેસ 39% વધ્યા, સ્થિતિ ચિંતાજનક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Lung Cancer Day: હવાનું વધતું પ્રદૂષણ અને સ્મોકિંગની ખરાબ ટેવને કારણે ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે અત્યંત ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના છેલ્લા 5 વર્ષના આંકડા અનુસાર, ફેફસાંના કેન્સરના કેસોમાં 39 ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષે 1 ઓગસ્ટના રોજ 'વિશ્વ ફેફસાં કેન્સર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ રોગ પ્રત્યે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.
5 વર્ષમાં કુલ 4830 દર્દીઓ નોંધાયા: પુરુષો ઉપરાંત મહિલાઓમાં પણ કેસ વધ્યા
સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2021થી 2025 દરમિયાન ફેફસાંના કેન્સરના કુલ 4830 કેસ સામે આવ્યા છે. વર્ષ 2021માં જ્યાં 813 દર્દીઓ નોંધાયા હતા, તે સંખ્યા વર્ષ 2025માં વધીને 1133 પર પહોંચી ગઈ છે. કુલ નોંધાયેલા દર્દીઓમાંથી 81.40 ટકા (3931) પુરુષો અને 18.60 ટકા (899) મહિલાઓ છે. નોંધનીય બાબત એ છે કે મહિલાઓમાં પણ ફેફસાંના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. વર્ષ 2021માં મહિલા દર્દીઓની સંખ્યા 139 હતી, જે 2025માં વધીને 214 થઈ ગઈ છે, એટલે કે મહિલાઓના કેસમાં 53 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ભારત અને વિશ્વમાં ફેફસાંના કેન્સરની ગંભીર સ્થિતિ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં દર વર્ષે ફેફસાંના કેન્સરના આશરે 1,12,659 નવા કેસ નોંધાય છે અને તેમાંથી 98,687 લોકો મૃત્યુ પામે છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે અંદાજે 24.37 લાખ નવા કેસ સામે આવે છે અને 18.61 લાખ લોકો જીવ ગુમાવે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં કેન્સરના કારણે થતાં કુલ મૃત્યુમાં ફેફસાંનું કેન્સર સૌથી મોટું કારણ બની ગયું છે.
હવાના પ્રદૂષણને કારણે વિશ્વમાં દર વર્ષે 4 લાખ કેસ
માત્ર ધૂમ્રપાન જ નહીં, પરંતુ વાયુ પ્રદૂષણ પણ આ ગંભીર રોગ માટે મોટું જવાબદાર પરિબળ બની રહ્યું છે. ધૂમ્રપાન ન કરતા હોય તેવા લોકો પણ હવે ફેફસાંના કેન્સરનો ભોગ બની રહ્યા છે. વિશ્વમાં દર વર્ષે ફેફસાંના કેન્સરના કેસમાંથી સરેરાશ 4 લાખ કેસ માટે હવાનું પ્રદૂષણ જવાબદાર હોય છે. ટ્રાફિકના પ્રદૂષણમાં રહેલા નાઇટ્રોજન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થતાં કેન્સરનું જોખમ આશરે 4 ટકા જેટલું વધી જાય છે.
ફેફસાંના કેન્સરના મુખ્ય કારણો
- બીડી, સિગારેટ અને અન્ય તમાકુજન્ય ઉત્પાદનોનું સેવન.
- પરોક્ષ ધૂમ્રપાન (પેસિવ સ્મોકિંગ).
- હવાનું પ્રદૂષણ.
- ઔદ્યોગિક રસાયણો અને એસ્બેસ્ટોસ જેવા પદાર્થોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવું.
રોગના લક્ષણો અને બચાવના ઉપાયો
ફેફસાંનું કેન્સર સામાન્ય રીતે શરૂઆતના તબક્કામાં કોઈ સ્પષ્ટ લક્ષણો દર્શાવતું નથી, જેના કારણે ઘણા દર્દીઓમાં નિદાન મોડું થાય છે. પરંતુ ધીમે ધીમે સતત ઉધરસ આવવી, ગળફામાં લોહી પડવું, શ્વાસ ચઢવો, છાતીમાં દુઃખાવો થવો અને અવાજ ઘોઘરો કે કરકશ થવો જેવા લક્ષણો જોવા મળે છે. જો સમયસર આ રોગ પ્રત્યે જાગૃતિ કેળવવામાં આવે, તમાકુમુક્ત જીવનશૈલી અપનાવવામાં આવે, નિયમિત તપાસ કરાવવામાં આવે અને આધુનિક સારવાર લેવામાં આવે તો દર્દીનો જીવ બચાવવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે.










