AIની ઈફેક્ટ : ગુજરાતમાં કમ્પ્યુટરની કિંમતો બેથી ત્રણ ગણી વધી, પ્રોસેસર-હાર્ડ ડ્રાઈવ અને રેમની અછત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AI data center chip shortage: સામાન્ય રીતે જેમ-જેમ નવી ટેક્નોલોજી વિકસે તેમ જૂની ટેક્નોલોજીના ઉપકરણો સસ્તા થતા જાય છે. પરંતુ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યા બાદ જાણે ઊલટી ગંગા વહી છે. છેલ્લાં 6 મહિનામાં હાર્ડ ડિસ્ક, રેમ, પ્રોસેસર, ગ્રાફિક કાર્ડ જેવા મૂળભૂત કમ્પ્યુટર પાર્ટ્સની અછત સર્જાતા ભાવ વધીને બેથી ત્રણ ગણા થઈ ગયા છે. પરિણામે અમદાવાદ સહિત રાજ્યભરના બજારોમાં જે કમ્પ્યુટર હજી ગત વર્ષ સુધી 40 હજારમાં વેચાતા હતા, તે હવે 65થી 70 હજારમાં વેચાઈ રહ્યા છે. આજે ડિજિટલ યુગમાં ફરી એક વાર દેશમાં વર્ષ 1985ના દાયકામાં જ્યારે કમ્પ્યુટર આવ્યા હતા, તે સમય જેટલા મોંઘા બની ગયા છે!
ડિજિટલ યુગમાં કમ્પ્યુટરની અનિવાર્યતા
આજના ડિજિટલ યુગમાં શાળા-કોલેજો, હોસ્પિટલો, બેંકો અને સરકારી કે ખાનગી ઑફિસોમાં કમ્પ્યુટર વગર કામ કરવું અશક્ય બની ગયું છે. જો એક દિવસ પણ કમ્પ્યુટર બંધ પડી જાય, તો તમામ કામકાજ ઠપ થઈ જાય છે. વર્ષ 2000ના દાયકામાં જે કમ્પ્યુટર અને લેપટોપ વૈભવ (લક્ઝરી) ગણાતા હતા, તે આજે આપણા રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ બની ગયા છે.
ગુજરાતના બજારમાં પાર્ટ્સની ભારે અછત
પરંતુ, છેલ્લા 6 મહિનાથી ગુજરાતના બજારમાં પ્રોસેસર, રેમ, એસએસડી અને જીપીયુ જેવા કમ્પ્યુટરના મુખ્ય પાર્ટ્સની ભારે અછત સર્જાઈ છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ પાર્ટ્સના ભાવ વધીને બેથી ત્રણ ગણા થઈ ગયા છે. આ જ કારણે, જે સાદું અને બેઝિક ફીચર્સવાળું કમ્પ્યુટર પહેલાં 40થી 45 હજાર રૂપિયામાં મળતું હતું, તે ખરીદવા માટે હવે 65થી 70 હજાર રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. અમદાવાદના કમ્પ્યુટર વેપારીઓના જણાવ્યા પ્રમાણે, આ અસહ્ય ભાવવધારાને લીધે કમ્પ્યુટર અને લેપટોપના વેચાણમાં 50 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.

તાઈવાન, ચીન, ફિલિપીન્સથી આવતા કમ્પ્યુટર પાર્ટ્સની આયાત ખોરવાઈ
અમદાવાદ કમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરી જણાવે છે કે, એઆઈ ડેટા સેન્ટર માટે મોટી સંખ્યામાં સ્ટોરેજ ડિવાઈઝ અને પ્રોસેસરની જરૂર હોવાથી તેમની માંગ વધી ગઈ છે. આ તમામ વસ્તુમાં ચિપનો ઉપયોગ થાય છે. ત્યારે ડેટા સેન્ટર ચલાવતી કંપનીઓ દ્વારા ચિપ, હાર્ડ ડ્રાઇવ અને પ્રોસેસર બનાવતી કંપનીઓને બે-ત્રણ વર્ષના એડવાન્સ પેમેન્ટ કરી તેમની પાસેથી મોટા ભાગનું ઉત્પાદન ખરીદી લેવાયું છે. જેથી રિટેલ બજારમાં આવા પાર્ટ્સની અછત સર્જાઈ છે. ગુજરાતમાં કમ્પ્યુટર પાર્ટ્સ તાઈવાન, ચીન અને ફિલિપીન્સથી આવે છે. છેલ્લાં ચાર-પાંચ મહિનાથી આવા પાર્ટ્સની આયાત લગભગ બંધ થઈ ગઈ હતી. જે હવે ધીમે ધીમે ફરી શરૂ થઈ રહી છે.
ભાવ વધારા માટે એઆઈ કેવી રીતે જવાબદાર?
આજે સાવ સામાન્યથી લઈને અઘરાથી અઘરા સવાલનો જવાબ એઆઈ સેકન્ડોમાં આપી દે છે. જેના માટે એઆઈના એક-એક ડેટા સેન્ટર પર 100 પેટાબાઈટ એટલે એક લાખ ટીબી (ટેરાબાઈટ) જેટલો ડેટા સ્ટોર કરાય છે. તેમજ તેને મિલિસેકન્ડમાં પ્રોસેસ કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આટલો મોટો ડેટા સ્ટોર કરવા તેમજ ઝડપથી પ્રોસેસ કરવા માટે ડેટા સેન્ટરમાં પણ કમ્પ્યુટરની જેમ જ એસએસડી, એચડીડી, પ્રોસેસર, જીપીયુ વગેરેનો ઉપયોગ થાય છે. ત્યારે આવા પાર્ટ્સનો મોટો જથ્થો ડેટા સેન્ટરો દ્વારા ખરીદી લેવાતો હોવાથી બજારમાં તેની અછત સર્જાતા ભાવ આસમાને પહોંચી ગયા છે.
વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ધંધાર્થીઓ સહિત તમામ ક્ષેત્રના લોકો માટે નવું કમ્પ્યુટર ખરીદવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને આઈટી ક્ષેત્રનો અભ્યાસ કરતા છાત્રોને હેવી પ્રોસેસરવાળા ગેમિંગ અથવા વર્ક સ્ટેશન પીસી ખરીદવા માટે દોઢથી ત્રણ લાખ ખર્ચવાનો વારો આવ્યો છે.









