Ahmedabad

ગુજરાતમાં એકસાથે 6 સિસ્ટમ એક્ટિવ, 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સુરત, નવસારી, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં એકસાથે 6 સિસ્ટમ એક્ટિવ, 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે જામી ગયું છે અને મેઘરાજાની ઇનિંગ જામનગર સુધી પહોંચી ચૂકી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, હાલમાં ટ્રફ, શેયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સીઝનલ ટ્રફ અને લો પ્રેશર સહિતની એકસાથે 6 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમોની અસરને પગલે આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે, જેમાં આગામી 48 કલાક અત્યંત જટિલ અને ભારેથી અતિભારે વરસાદની સંભાવનાવાળા રહેશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ ઍલર્ટ જેવી સ્થિતિ

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જેવી સ્થિતિ સાથે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે જામનગર, બોટાદ, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

4 જિલ્લામાં તાકીદનું ‘યલો ઍલર્ટ’, તંત્ર ઍલર્ટ મોડ પર

રાજ્યમાં ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી (ગાજવીજ સાથેનું વાવાઝોડું) સક્રિય થતાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને જામનગર જિલ્લામાં આગામી ૩ કલાક માટે તાકીદનું 'યલો ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

બંદરો પર ચેતવણી અને માછીમારોને દરિયો ન ખેડવા આદેશ

ખરાબ હવામાન અને દરિયામાં ઉછળતા ભયાનક મોજાં તેમજ ભારે કરંટને પગલે રાજ્યના મુખ્ય બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોને હાઈ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે કડક તાકીદ કરવામાં આવી છે.