બળદોની જોડી

- કાળિયો વેલજી સાથે જતો રહ્યો એટલે ભૂરિયો એકલો પડી ગયો. આખો દિવસ ચૂપચાપ બેસી રહ્યો. કંઈ ખાવાનું પણ ન ખાધું. બીજે દિવસે ખેતરમાં ચારેબાજુ આંટા મારવા લાગ્યો. જાણે કાળિયાને શોધતો હોય. રાત્રે પણ સૂતો નહીં.
- કિરણબેન પુરોહિત
રામજી પાસે નાનું ખેતર હતું. ખેતર ખેડવા માટે તે હળનો ઉપયોગ કરતો. તેણે પોતાની પાસે બે બળદો રાખ્યા હતા. આ બંને બળદોનાં નામ કાળિયો અને ભૂરિયો રાખ્યાં હતાં. કાળિયા અને ભૂરિયાની જોડી હતી. બંને હંમેશાં એકબીજાની સાથે જ રહેતાં.
જે ઝાડ નીચે કાળિયો બેઠો હોય તે ઝાડ નીચે જ ભૂરિયો બેસતો. બંને સાથે જ ચારો ખાતા અને સાથે જ આરામ કરતા. કાળિયા-ભૂરિયાની જોડી આખા ગામમાં પ્રખ્યાત હતી.
બંને બળદોને લીધે રામજીનું ખેતર સરસ ખેડાઈ જતું, એટલે સારો એવો પાક થતો. રામજીનો મિત્ર વેલજી બાજુના ગામમાં રહેતો હતો. તેનો એક બળદ અચાનક બીમાર પડતાં મરી ગયો. આથી રામજી પાસે તે ખેતર ખેડવા માટે એક બળદ લેવા આવ્યો. રામજીનું તો ખેતર ખેડાઈ ગયું હતું, આથી તે કાળિયાને વેલજી સાથે મોકલી આપ્યો.
કાળિયો વેલજી સાથે જતો રહ્યો એટલે ભૂરિયો એકલો પડી ગયો. આખો દિવસ ચૂપચાપ બેસી રહ્યો. કંઈ ખાવાનું પણ ન ખાધું. બીજે દિવસે ખેતરમાં ચારેબાજુ આંટા મારવા લાગ્યો. જાણે કાળિયાને શોધતો રહ્યો. રાત્રે પણ સૂતો નહીં.
આ બાજુ કાળિયો પણ ભૂરિયા વગર રહી શકતો ન હતો. ખેતર તો તેણે ન ખેડયું, પણ ખેતરમાં દોડાદોડી કરવા લાગ્યો. એકવાર તો ખેતરની બહાર નીકળી ગયો. બે દિવસ સુધી કંઈ ચારો પણ ન ખાધો.
વેલજીએ વિચાર્યું કે કાળિયાને પાછો આપી આવું. તેણે ખેતરમાંથી જોયું તો રામજી ભૂરિયાને લઈને આવતો હતો. તેણે વેલજીને સમજાવ્યું, 'આ બંને એકબીજા વગર નહીં રહી શકે, એટલે બંનેને તું રાખ. તારું ખેતર ખેડાઈ જાય પછી આપી જજે.'
ભૂરિયાને જોઈને કાળિયો શાંત થઈ ગયો. બંને સાથે ચારો ખાઈને ખેતર ખેડવા લાગ્યાં. રામજી અને વેલજી બે મૂંગાં પશુઓનો પ્રેમ જોઈને ખુશ થઈ ગયાં. વેલજીએ તરત જ રામજીને કહ્યું, 'કાળિયા અને ભૂરિયાનો પ્રેમ અનેરો છે, બંને એકબીજા વગર રહી શકતા નથી. પૂર્વજન્મના લેણદેણના સંબંધો લાગે છે. ખરેખર બંનેની જોડી અજોડ છે!'
રામજી કહે, 'તારી સાચી વાત છે. આ બંને એકબીજા વગર રહી શકતા નથી. આ બંનેની જુગલજોડી ભગવાન સલામત રાખે. એકને કંઈક થશે તો બીજાને હું કેમ સાચવીશ?'
રામજીના બળદોની જુગલજોડીની વાતો આજુબાજુનાં ગામડાંઓમાં પણ થવા લાગી. રામજીનો દીકરો ગોપાલ શહેરમાં ભણતો હતો. તે રજાઓમાં ઘરે આવ્યો. એક દિવસ તે ખેતરમાં આવ્યો. કાળિયા અને ભૂરિયાને સાથે કામ કરતાં જોઈને તેણે વિડીયો બનાવી લીધો. આ વિડીયો તેણે સોશિયલ મીડિયામાં મૂક્યો. કાળિયા-ભૂરિયાનો વિડીયો ખૂબ વાયરલ થયો.
કાળિયા અને ભૂરિયાની જોડી ખેતરમાં કામ કરતી હોય તેવા, એક બીમાર પડે તો બીજો કંઈ કામ ન કરે તેવા, સાથે ચારો ચરતા હોય અને બપોરના સમયે વાતો કરતા હોય તેમ એકબીજાની સામે જોઈને બેઠા હોય તેવા અવનવા વિડીયો ગોપાલે બનાવ્યા. બધા વિડીયો ખૂબ વાયરલ થયા.
આમ, કાળિયા અને ભૂરિયાની જુગલજોડી દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત થઈ ગઈ. ગોપાલે બંનેના ખૂબ વિડીયો બનાવ્યા. આથી રામજીને ખૂબ આવક થઈ. કાળિયો અને ભૂરિયો રામજી માટે કમાઉ દીકરા બની ગયા.




