ખોરાકમાં મીઠાની જરૂર

મીઠાઈ સિવાયની દરેક વાનગીમાં મીઠું નાખવામાં આવે છે. મીઠા વિનાના દાળશાક બેસ્વાદ લાગે. આપણે સ્વાદ માટે મીઠાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આપણા શરીરને મીઠાની જરૂર પણ છે.
મીઠું એક સામાન્ય ક્ષાર છે તેનું રાસાયણિક નામ સોડિયમ કલોરાઈડ છે. સોડિયમ અને કલોરાઈડ ધાતુઓ છે. ચેતાકીય સંકેતોના વહન, સ્નાયુઓના સંકોચન અને શિથિલન તેમજ પાણી અને ખનિજોનું યોગ્ય સંતુલન જાળવી રાખવા માટે માનવ શરીરને અલ્પ માત્રામાં સોડિયમની જરૂર હોય છે. મગજના જ્ઞાાનતંતુઓનું સંદેશાવહન વીજપ્રવાહથી થાય છે. એટલે શરીરને ધાતુરૂપી ક્ષારની જરૂર પડે છે. આપણા શરીરમાં ૦.૨૮ ટકા મીઠુ હોય છે.
માણસ ઉત્પત્તિકાળથી જ ખોરાકમાં ક્ષારોનો ઉપયોગ કરે છે. એવો અંદાજ છે કે આ મહત્વપૂર્ણ કાર્યો માટે આપણને દરરોજ લગભગ ૫૦૦ મિલિગ્રામ સોડિયમની આવશ્યકતા હોય છે. પરંતુ આહારમાં સોડિયમનું વધુ પડતું પ્રમાણ હાઈ બ્લડ પ્રેશર (ઉચ્ચ રક્તચાપ), હૃદયરોગ અને સ્ટ્રોકનું કારણ બની શકે છે.









