તોફાની લડ્ડુ

- 'અરે…ઓય…ઓય… બચાવો… બચાવો…!' બોલી લડ્ડુ કૂદવા લાગ્યો. જોરજોરથી કાન વીંઝવા માંડયો. સૂંઢને ઉપર-નીચે કરવા માંડયો. ચારે પગે કૂદકા મારવા લાગ્યો…ગોળગોળ ફરવા લાગ્યો.
- જતિન ભટ્ટ 'નિજ'
હક્કા હાથીનું એક બચ્ચું હતું, નામ લડ્ડુ. લડ્ડુ બહુ તોફાન કરે. નાની નાની સૂંઢમાં પાણી ભરે અને પપ્પા-મમ્મી પર પાણી ઉડાવે.
એક વખત પિમ્પો પોપટ ઊડતો ઊડતો એનાં બચ્ચાંઓ માટે ચાંચમાં ખોરાક લઈને જતો હતો, તો આ લડ્ડુ મદનિયાએ એની પર પાણી ઉડાડી ખોરાક પાડી નાખ્યો. બિચારો પિમ્પો પોપટ રડવા લાગ્યો.
ગરબડ ગધેડાની તો પાછળ એવો દોડયો એવો દોડયો કે ગરબડ ગધેડો જાય નાઠો! સીધો ગામમાં ભરાઈ ગયો. સીલી શિયાળ, કલબલ કાબર, કાલુ કાગડોઆ બધાં લડ્ડુ મદનિયાથી હેરાન થઈ ગયાં.
એમણે સમ્રાટ સિંહને ફરિયાદ કરી. એટલે સમ્રાટ સિંહે પણ હક્કા હાથી અને હકી હાથણીને ઠપકો આપ્યો કે લડ્ડુને સમજાવો કે લોકોને નુકસાન થાય એવી રીતે તોફાન ન કરે.
હક્કા હાથી અને હકી હાથણીએ પણ લડ્ડુને બહુ સમજાવ્યો, પણ સમજે એ બીજા!
એક વખત આવું જ તોફાન કરતો કરતો લડ્ડુ નંદનવનમાં તળાવ કિનારે ફરતો હતો. ત્યાં એની નજર કીડીઓના રાફડા તરફ ગઈ. એણે ધ્યાનથી જોયું તો દરેક કીડી હારબંધ એની પીઠ ઉપર ખાંડનો દાણો ઊંચકીને રાફડામાં લાવતી હતી.
એણે એક કીડીને પૂછયું કે, 'કેમ આ અંદર લઈ જાઓ છો?'
તો કીડી કહે, 'અમારી નાયિકા રાણીકીડીએ ખોરાક મગાવ્યો છે. એમને માટે લઈ જઈએ છીએ.'
હવે આ તો તોફાની લડ્ડુ! તોફાન કર્યા વગર એને ચેન ન પડે. એણે શું કર્યું એ તમને કહું બાળમિત્રો. એણે નજીકના તળાવમાંથી પાણી સૂંઢમાં ભર્યું અને બધું પાણી રાફડા પર ઉડાડયું. બધી કીડીઓ પર જે ખાંડ હતી તે ખાંડ ઓગળી ગઈ. રાફડો તૂટી ગયો અને કીડીઓને બહુ જ નુકસાન થયું. લડ્ડુ તો પુષ્કળ હસવા લાગ્યો અને સૂંઢ ઊંચકીને ત્યાંથી ચાલ્યો ગયો.
આવું નુકસાન જોઈ રાણીકીડીએ તરત જ સભા બોલાવી. ચર્ચા-વિચારણા થઈ. સભામાં નક્કી થયું કે લડ્ડુને સબક તો આપવો જ પડશે, પણ હજુ નાદાન છે એટલે બહુ મોટો સબક નથી આપવો.
બીજા દિવસે સવારે લડ્ડુ ફરી તોફાન કરવા નીકળ્યો. આજે પણ એણે પુષ્કળ તોફાન કર્યું. પશુ-પંખીઓને ઘણું બધું નુકસાન પહોંચાડયું. પછી એક મોટા ઝાડ નીચે આરામ કરવા માંડયો.
એ જ ઝાડ નીચે પેલી હજારો કીડીઓ આવી ગઈ અને રાણીકીડીના ઈશારાની રાહ જોવા માંડી. રાણીકીડીએ ઈશારો કર્યાે એટલે હારબંધ હજારો કીડીઓ ધીમે ધીમે લડ્ડુના ચારેય પગ પર ચઢવા લાગી. કોઈ પૂંછડી પર પહોંચી… તો કોઈ પેટ નીચે… કોઈ પીઠ પર અને થોડી તો સૂંઢ સુધી પહોંચી ગઈ. થોડી કીડીઓ લડ્ડુના નાની સૂંપડી જેવા કાનની અંદર પહોંચી ગઈ. લડ્ડુને હજુય કંઈ ખબર ન પડી કે કીડીઓ એની પર ચડી ગઈ છે.
આ બાજુ રાણીકીડીએ ઈશારો કર્યાે એટલે એકસાથે બધી કીડીઓએ લડ્ડુને હળવે હળવે બચકાં ભરવાનું ચાલુ કર્યું.
'અરે… ઓય… ઓય… બચાવો… બચાવો…!' બોલી લડ્ડુ કૂદવા લાગ્યો. જોરજોરથી કાન વીંઝવા માંડયો. સૂંઢને ઉપર-નીચે કરવા માંડયો. ચારે પગે કૂદકા મારવા લાગ્યો… ગોળગોળ ફરવા લાગ્યો.
લડ્ડુનો આવો ડાન્સ જોઈ રાણીકીડી સાથે બધી કીડીઓ હસવા લાગી.
'પપ્પા-મમ્મી… જલ્દી-જલ્દી આવો. મારા પર પુષ્કળ કીડીઓ ચડી ગઈ છે.'
હક્કા હાથી અને હકી હાથણી દોડતાં આવ્યાં. એમણે જોયું તો લડ્ડુ પર બહુ બધી કીડીઓ ચડી ગઈ હતી ને લડ્ડુ હેરાન થતો હતો.
એ લોકોએ રાણીકીડીને જોઈ. પૂછયું કે, 'કેમ લડ્ડુને આવી રીતે હેરાન કરો છો?'
ત્યારે રાણીકીડીએ બધી વાત કરી કે, 'લડ્ડુએ એની તોફાનમસ્તીમાં અમારું બહુ બધું નુકસાન કર્યું છે એટલે એને નાનકડો સબક મળે એ માટે અમારે આવું કરવું પડયું.'
ત્યાર બાદ રાણીકીડીએ બીજી કીડીઓને કહ્યું, 'બસ! હવે બધાં નીચે ઊતરી જાઓ.'
બધી કીડીઓ લડ્ડુ પરથી તરત જ નીચે ઊતરી ગઈ.
લડ્ડુની તો આંખમાં પાણી આવી ગયાં. તે રાણીકીડીને કહેવા લાગ્યો- 'રાણીકીડીબા, મને માફ કરી દો. મેં મજાકમાં તમારું ઘણું નુકસાન કર્યું. હવે પછી હું કોઈને હેરાન નહીં કરું.'
આ વાક્ય સાંભળી હક્કા હાથી અને હકી હાથણી પણ ખુશ થઈ ગયાં કે હવે લડ્ડુ બીજાને નુકસાન થાય એવી રીતે તોફાન નહીં કરે.
આ બાજુ રાણીકીડીએ પણ હસીને કહ્યું- 'લડ્ડુ, તાકાતવાન બનવું સારી વાત છે, પણ તાકાતનો ઉપયોગ બીજાને હેરાન કરવા માટે નહીં, મદદ કરવા માટે કરાય.'
લડ્ડુને પોતાની ભૂલ સમજાઈ ગઈ.
બીજા જ દિવસે તે તળાવમાંથી સૂંઢમાં પાણી અને માટી લાવી કીડીઓનો તૂટેલો રાફડો બનાવવામાં મદદ કરવા લાગ્યો. પિમ્પો પોપટ માટે દાણા ભેગા કર્યા, ગરબડ ગધેડાની માફી માંગી અને બધા મિત્રો સાથે રમવા લાગ્યો.
ત્યારથી નંદનવનમાં કોઈ પણ પશુપંખી લડ્ડુને હવે તોફાની લડ્ડુ નથી કહેતાં. બધાં પ્રેમથી કહેતાં- 'લડ્ડુ… આપણું સમજદાર મદનિયું!'
બોધ:
મજાક એવી જ કરવી, જેમાં કોઈને નુકસાન ન થાય. સાચી બહાદુરી બીજાની મદદ કરવામાં છે.




