કીડીબેનનું કમ્પ્યૂટર બગડ્યું !

- 'ઓહ… તો હવે બિલ્લીને બોલાવવી પડશે!' કીડીબેન બોલ્યાં. ખિસકોલી કહે, 'હા, બિલ્લી તરત જ આ કામ કરી આપશે!'
- કિરીટ ગોસ્વામી
એક દિવસ કીડીબેનનું કમ્પ્યૂટર બગડયું. કમ્પ્યૂટર બગડતાં જ બધું કામ અટકી ગયું. આથી કીડીબેન તો નિરાશ થઈ ગયાં.
થોડીવાર વિચારીને પછી તેમણે હાથીભાઈને ફોન કરીને પૂછયું, 'હાથીભાઈ, મારું કમ્પ્યૂટર બગડયું છે. તમે કંઈક મદદ કરો ને! કમ્પ્યૂટર વિના મારાં તો બધાં જ કામ અટકી પડયાં છે.'
કીડીબેનની આ વિનંતીના જવાબરૂપે હાથીભાઈએ કંઈ મદદ કરવાની સીધી જ 'ના' પાડી દીધી.
ફરી કીડીબેન નિરાશ થઈ ગયાં. 'હવે કોને યાદ કરું? કોણ મને મદદરૂપ થશે? કોણ આ કમ્પ્યૂટર ફરી ચાલુ કરી આપશે?' કીડીબેન વિચારમાં પડયાં.
થોડીવારે અચાનક તેમને ખિસકોલીની યાદ આવી. ખિસકોલી ચોક્કસ કંઈક મદદ કરશે. એ હોશિયાર પણ છે. જ્યારે પણ ભૂતકાળમાં મુશ્કેલીઓ આવી ત્યારે ખિસકોલીએ ઘણીવાર મદદ કરી છે. નિરાશામાં એક આશા જન્મી. કીડીબેને તરત જ ખિસકોલીને ફોન કરીને મદદ કરવા ઘેર આવવા કહ્યું-
'બગડયું મારું કમ્પ્યૂટર,
તમે કરી દો ફરી સુંદર!'
ખિસકોલીએ જવાબમાં 'હા' પાડી એટલે કીડીબેન તો રાજી થઈ ગયાં.
થોડીવારમાં ખિસકોલી આવી ગઈ. કમ્પ્યૂટર જોઈ-તપાસીને ખિસકોલીએ કહ્યું, 'આમાં તો માઉસ બગડયું છે!'
કીડીબેને પૂછયું, 'તો હવે એનો શું ઉપાય છે?'
ખિસકોલીએ જવાબ આપતાં કહ્યું, 'એ મારાથી તો રિપેર નહીં થાય, પણ બિલ્લીને કહો તો તરત થઈ જશે!'
'ઓહ… તો હવે બિલ્લીને બોલાવવી પડશે!' કીડીબેન બોલ્યાં.
ખિસકોલી કહે, 'હા, બિલ્લી તરત જ આ કામ કરી આપશે!'
કીડીબેને બિલ્લીને ફોન કર્યાે-
'આવો, બિલ્લીબેન, આવો ઝટ!
મારું કમ્પ્યૂટર રિપેર કરો ઝટ!'
કીડીબેનની વાત સાંભળીને બિલ્લી તો તરત દોડી આવી. કીડીબેન અને ખિસકોલીએ કમ્પ્યૂટર બતાવીને બિલ્લીને કહ્યું, 'આમાં માઉસ બગડયું છે!'
બિલ્લી કમ્પ્યૂટર પાસે ગઈ. માઉસ પર હાથ મૂક્યો અને બોલી-
'કામ કરો ને માઉસભાઈ ઝટ,
નહીં તો તમને ખાઉં ઝટપટ!'
આ સાંભળીને માઉસ તો ડર્યું! એ તો બિલ્લીની બીકે ફટાફટ ફરીથી કામ કરવા લાગ્યું. માઉસ કામ કરવા લાગ્યું એટલે કમ્પ્યૂટર પણ ચાલુ થઈ ગયું. આ જોઈને કીડીબેન તો ખુશ થઈ ગયાં. તેમણે બિલ્લીનો ખૂબ આભાર માન્યો. પછી કીડીબેન તો કમ્પ્યૂટર પર કામે વળગ્યાં!




