પાકિસ્તાનમાં 1000 રૂ. પેટ્રોલ... !!? ખુદ પેટ્રોલ મંત્રીએ જ ચેતવણી આપી

- મધ્ય પૂર્વમાં યુધ્ધ અટકવાને બદલે વકરતું રહ્યું છે : પાકિસ્તાન આર્થિક કટોકટીમાં છે : તેવામાં તેલની કિંમત વધતી જાય છે
નવી દિલ્હી : આતંકવાદને નેશનલ પોલીસી બનાવનાર પાકિસ્તાનમાં આર્થિક સંકટ વધી રહ્યું છે. ખુદ પાકિસ્તાન સરકાર જ તે સ્વીકારે છે. પેટ્રોલિયમ મંત્રી અલિ પરવેઝ મલિકે રવિવારે સાંજે એવી ચેતવણી આપી છે કે, દેશમાં પેટ્રોલ-ગેસની અછત ઊભી થવા સંભવ છે. તેથી પેટ્રોલના ભાવ ૧૦૦૦ રૂપિયા (પાકિસ્તાની) લીટર દીઠ પહોંચી શકે તેમ છે.
તેઓ કહે છે : મધ્ય પૂર્વમાં ફરી તણાવ વધી રહ્યો છે. સઉદી અરબ પર હૂથીઓના હુમલા વધી રહ્યા છે. અમેરિકાએ સંકેત આપ્યો છે કે તે ઇરાન પર ફરી હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે.
પાકિસ્તાનની ન્યુઝ ચેનલ જીયો ન્યુઝના રિપોર્ટ પ્રમાણે, લાહોરમાં પત્રકાર-પરિષદમાં પેટ્રોલિયમ મંત્રી મલિકે કહ્યું હતું કે, દેશમાં પેટ્રોલની કિંમત ૫૦% વધી ગઇ છે. યુરોપ તથા અમેરિકામાં પણ ભાવ વધી રહ્યા છે. સઉદી અરબ પર હૂથીના હુમલા સ્વીકાર્ય બને તેમ નથી.
પાકિસ્તાનના મંત્રીએ આ ચેતવણી તેવે સમયે આપી છે કે જયારે સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝ અને બાબ-અલ મંડબ બંને બંધ થવાથી વિશ્વભરમાં તેલની કિંમત વધી રહી છે.
અત્યારે જ પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ ૩૮૯.૧૪ અને હાઈસ્પીડ ડીઝલનો ભાવ લીટર દીઠ ૪૨૪.૦૦ રૂપિયા પહોંચી ગયો છે. જો કે ગત રવિવારે મોટર સાઇકલ, રીક્ષા અને મોટર રીક્ષા માલિકોને ૮૦૦ સીસી સુધી અને મોટર ડ્રાયવરોને પેટ્રોલ પર રૂ. ૧૦૦/- ની સબસીડી (રાહત) અપાય છે. પરંતુ આ ઉંટના મોંમાં જીરા જેવું છે.




