પર્યાવરણ અને પરપોટા

'હું પર્યાવરણ પરી છું. હું આસપાસના વાતાવરણની રક્ષા કરું છું. હું કેટલાય સમયથી જોયા કરું છું કે લોકો ઝાડ કાપી રહ્યા છે, નદીના પાણીમાં કચરો અને પ્લાસ્ટિકની ગંદકી નાખી રહ્યા છે.'
ભાવના હેમંત કુમાર વકીલના
તારિકા અને આર્યા પાક્કી બહેનપણીઓ. એક વાર આર્યા કહે, 'તારિકા… ચાલ આપણે પરપોટા સાથે રમીએ.'
'હા આર્યા, પરપોટા સાથે રમવાનું મને પણ બહુ ગમે.'
અને બંને સખીઓ પરપોટાની પાછળ દોડવા લાગી. પરપોટો ઊંચો ઊડી જાય એટલે આર્યાનું મન ઉદાસ બની જાય, અને પરપોટો નીચે આવે એટલે બંને સખીઓના ખડખડાટ હસવાના અવાજો ચારેકોર વિખેરાઈ જાય.
આર્યાના પપ્પા પરપોટા ઉડાડવાનું એક નવું રમકડું લઈ આવ્યા હતા. મમ્મીએ એની સાથે આવેલી નાની બોટલમાંથી સાબુનું પાણી ભરી આપ્યું અને બંને સખીઓ હરખાઈ ગઈ.
પોતાના ઘરથી થોડે દૂર એક નદી વહેતી હતી. આ નદીના કિનારે કિનારે આર્યા અને તારિકા રમતા રહેતાં. ક્યારેક નદી તેમને હસતાં જોઈ હરખાઈને વહેતી, તો ક્યારેક તેમને લેસન કરતાં કે વાંચતાં જોઈ નદીનું મન ભારે થઈ જતું.
નદીનું પાણી શાંત રીતે વહેતું રહેતું. આસપાસના લોકો તેના કિનારે કપડાં ધોતા, તો ક્યારેક વાસણ માંજતા. ક્યારેક બાળકો ભેગાં થઈ એકબીજા ઉપર પાણીનો છંટકાવ કરતાં અને ક્યારેક લડાઈ-ઝઘડા પણ કરી બેસતાં. નદી બધું જોયા કરતી, કોઈને કશું કહેતી નહીં અને ક્યારેય કોઈના માટે બૂરું વિચારતી નહીં. તે બધાંને પીવાનું પાણી આપતી અને કિનારે ઊભેલાં ઊંચાં વૃક્ષો સાથે વાતો કરતી. પવનની લહેરો સાથે તે લહેરાતી રહેતી. તરસતાં પંખીઓ તેનું પાણી પી લઈ શાંતિથી માળામાં સૂઈ જતાં. પણ નદી તો રાત-દિવસ વહેતી રહેતી અને પોતાનું કામ કરતી રહેતી. નદીના પાણીમાં અનેક પરપોટા થતા રહેતા અને હવામાં વિખેરાતા રહેતા.
'પરપોટાભાઈ, તમે બહુ ઊંચે ન જતા.'
'હા નદીબેન, સાચી વાત છે પણ ઊંચે ઊડવામાં બહુ આનંદ આવે છે.'
નદી સાથે વાતો કરતા પરપોટા વળી એક કૂદકો મારી ઊંચે ઊડી જતા. પરપોટા ઉપર સૂરજનાં કિરણો પડતાં ત્યારે પરપોટા રંગબેરંગી બની જતા અને આકાશમાં રંગબેરંગી ઊડતા પરપોટા જોઈ આર્યા હરખાઈ જતી. તારિકા તેને પકડવા દોડતી, અને ક્યારેક હથેળીમાં જો પરપોટો પકડાઈ જાય, તો તેની શોભા અને સુંદરતા જોવા બંને સખીઓ એકટશે તેને જોઈ રહેતી. લહેરાતી નદી અને ઝાડ આ બંને સખીઓને જોઈ રહેતાં.
કેટલાય દિવસો વીતી ગયા. એક દિવસ આર્યા અને તારિકા ફરી નદી કિનારે રમવા ગયાં.
'આર્યા… આ શું? આજે તો આ સુંદર કિનારો સાવ સૂનો સૂનો કેમ લાગી રહ્યો છે? નદી પણ
ઉદાસ છે.'
'હા તારિકા, નદીમાં તો એક પણ પરપોટો નથી. પક્ષીઓનો કલરવ નથી. બધું સુકાઈ ગયું છે, અને નદી ગંદકી તથા કાદવથી ભરાઈ ગઈ છે.'
અચાનક તે જ સમયે કરમાઈ ગયેલા ફૂલની પાછળ એક ચમકારો થયો. બંને સખીઓની આંખો તેજથી અંજાઈ ગઈ. તેમણે જોયું તો ફૂલોની પાછળથી એક સુંદર પરી બહાર આવી. તેની પાંખો ચાંદીની જેમ ચમકતી હતી અને તેના હાથમાં જાદુઈ લીલી છડી (ડંડો) હતી.
'અરે! તમે કોણ છો?' તારિકાએ કહ્યું.
'અને તમે કેટલાં સુંદર છો! તમે ચમકી રહ્યા છો.' આર્યા એકીનજરે જોઈ રહી.
'આર્યા, તારિકા… હું પરી છું, મારું નામ રૂપેરી છે. હું પર્યાવરણ પરી છું. હું આસપાસના વાતાવરણની રક્ષા કરું છું. પરંતુ હું કેટલાય સમયથી જોયા કરું છું કે લોકો ઝાડ કાપી રહ્યા છે, નદીના પાણીમાં કચરો અને પ્લાસ્ટિકની ગંદકી નાખી રહ્યા છે. પાણીમાં કચરો ભરાઈ જવાથી પાણી એકદમ ડહોળું થઈ ગયું છે. પક્ષીઓ આ પાણી પીને માંદાં પડે છે અને માણસો પણ બીમાર પડે છે. આ જ કારણે પરપોટા અને પંખીઓ તો હવે દૂર-દૂર સુધી દેખાતા નથી.'
'સાચી વાત છે રૂપેરી પરીદીદી, અમને તો પરપોટા સાથે રમવું ખૂબ ગમે છે.' આર્યા તરત જ બોલી ઊઠી.
'પણ પરીદીદી… શું હવે આ કિનારો ક્યારેય પરપોટાથી ભરેલો નહીં થાય?' તારિકા ઉદાસ
થઈને બોલી.
'હા, રૂપેરી પરીદીદી, શું આ કિનારો ક્યારેય સાફ નહીં થાય?' આર્યા પણ ઉદાસ થઈ ગઈ.
'ના… ના, એવું નથી. આ નદીના કિનારાની સુંદરતા પાછી મળી શકે છે અને પરપોટા પણ નદીના પાણીમાં ફરીથી જન્મ લેશે.' રૂપેરી પરી હસતાં હસતાં બોલી.
'એ કેવી રીતે, પરીદીદી?' આર્યાએ પ્રશ્ન કર્યાે.
'જુઓ આર્યા અને તારિકા… જો બધાં બાળકો ભેગાં મળીને પર્યાવરણને બચાવશે, આજુબાજુ સફાઈ રાખશે અને કચરો પાણીમાં નહીં નાખે, તો નદીનો કિનારો ફરીથી લહેરાતો બની જશે.'
'પરીદીદી, અમે જરૂરથી અમારી સખીઓ અને મિત્રો સાથે મળીને અહીં સફાઈ કરીશું.' બંને સખીઓ સાથે બોલી પડી.
એટલામાં કેટલાક રંગીન પરપોટા ઊડીને આવ્યા અને આર્યાના ખભા ઉપર બેસી ગયા.
'આર્યા, અમને તારી સાથે રમવાનું ખૂબ ગમે છે, પરંતુ ફૂલો વગર અમે રહી શકતા નથી.' એક પરપોટો બોલી ઊઠયો.
'તારિકા, જો આ વૃક્ષો અને છોડ જ અમારું ઘર છે.' બીજો એક વાદળી પરપોટો બોલવા લાગ્યો.
'આર્યા, નદી તો અમારું જન્મસ્થાન છે, તેનું પાણી જો ગંદું હોય તો અમારો જન્મ જ ન થાય.'
આટલું કહી બધા પરપોટા વિશાળ આકાશમાં ઊડીને અદૃશ્ય થઈ ગયા.
તારિકા અને આર્યા હવે બધી વાત સમજી ગયાં હતાં. તેમણે પર્યાવરણને બચાવવાનું કામ શરૂ કરી દીધું. રિયા અને વંશિકાની સાથે વાતચીત કરીને એક ગુ્રપ બનાવ્યું. મયુર, જીયા અને વિહાન-બધાએ સાથે મળીને નદીના કિનારાની હરિયાળીને પાછી લાવવાના પ્રયત્નો કરવા માંડયા.
રોજ સવારે બાળકો અડધો કલાક નદીના કિનારાની સફાઈ કરતાં, છોડને પાણી આપતાં, નદીમાંથી પાણીની ગંદકી, કાદવ અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરતાં. કચરો એકઠો કરી તેઓ નવા નવા છોડ વાવતાં અને ગામના મોટા લોકોને પણ ત્યાં ગંદકી ન કરવા સમજાવતાં હતાં.
ધીમે ધીમે નદીનો કિનારો સાવ સાફ થઈ ગયો. નવા નવા છોડ ઊગવા લાગ્યા અને નદીનું પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું. સુકાઈ ગયેલા છોડ ફરીથી લીલાછમ બની ગયા અને ફૂલોમાંથી સુગંધ
લહેરાવા લાગી.
એક સવારે આર્યાએ જોયું કે અનેક રંગબેરંગી પરપોટાઓ આકાશમાં સંતાકૂકડી રમી રહ્યા હતા! તેમના હસવાના અવાજથી આખું વાતાવરણ ભરાઈ ગયું હતું. આર્યા અને તારિકાના ખભા ઉપર ત્રણ-ચાર પરપોટા બેસી ગયા, જેનાથી આર્યાને તો ગલગલિયાં થવા લાગ્યાં!
'આર્યા, તારિકા! તમે ખૂબ સરસ સફાઈનું કામ કર્યું, અમને અહીં બહુ મજા આવી. હવે આપણે રોજ સાંજે આ નદીના કિનારા ઉપર સાથે મળીને રમીશું.' અને આકાશમાં ઊડી જતા રંગબેરંગી પરપોટાઓને આર્યા અને તારિકા એકીનજરે
જોઈ રહ્યાં.
તરત જ ત્યાં રૂપેરી પરીદીદી પણ આવી ગયાં. 'અરે વાહ આર્યા અને તારિકા! તમે તો પર્યાવરણના સાચાં મિત્ર બની ગયાં. યાદ રાખજો… એક વૃક્ષ હજારો જીવોને જીવન આપે છે.'
પરીએ કિનારા ઉપર રહેલાં ફૂલો ઉપર પોતાની જાદુઈ લીલી છડી અડાડી… અને અનેક ફૂલો ખીલી ઊઠયાં, ચારેકોર જાણે તારાઓ ચમકી રહ્યા હોય તેવું સુંદર દ્રશ્ય સર્જાયું. આખો કિનારો ફરીથી હરિયાળો બની ગયો.
સાચ્ચે, પર્યાવરણ બચાવવું એ આપણા સહુની પવિત્ર ફરજ છે.









