Zagmag

જંગલમાં અંગ્રેજીનો પવન

By GS Team
28 Aug 20264 mins read
જંગલમાં અંગ્રેજીનો પવન
  • 'અંગ્રેજી આવડે તો જ જીવનમાં આગળ વધાય, આ સમજ તમારી સાવ ખોટી છે. જુઓ, આપણી સુગરીની દીકરી રિન્કી શહેરમાં આર્કિટેક્ટ છે. વાંદરાભાઈનો દીકરો મોન્ટુ ડોક્ટર છે. તેઓ માતૃભાષામાં જ ભણ્યાં હતાં. પાયો પાકો હશે તો ઈમારત ચણાશે.'
  • ભારતી ભંડેરી 'અંશુ'

એક હતું જંગલ. લીલુંછમ અને સુંદર! આ જંગલમાં બધાં પ્રાણીઓ અને પક્ષીઓ હળીમળીને રહેતાં હતાં.
જંગલની વચ્ચે હાથીભાઈની નિશાળ. આ નિશાળ એટલે મજાનો ખજાનો! અહીં ભણવાનું ઓછું અને રમવાનું વધારે. હાથીભાઈ બધાંને પ્રેમથી માતૃભાષામાં વાર્તાઓ કહે, ગીતો ગવડાવે અને સારાં સંસ્કાર આપે. વાંદરાભાઈ, સસલાભાઈ, હરણ, વાઘ અને સિંહનાં બચ્ચાં સાથે પક્ષીઓનાં બચ્ચાં પણ ભણે. બધાં પોતાની ભાષામાં હોંશે હોંશે ભણે અને કિલ્લોલ કરે.
એક દિવસની વાત છે. જંગલમાં પિન્ટુ પોપટનો દીકરો પેરુ પોપટ આવ્યો. તે શહેરમાં ભણવા ગયો હતો. ત્યાં તે અંગ્રેજી તો ભણ્યો પણ કામ ન મળ્યું. કંટાળીને તે જંગલમાં પાછો આવ્યો હતો.
જંગલમાં કામ શોધવા તે અહીંથી ત્યાં ઊડતો હતો. એકવાર ઊડતાં-ઊડતાં તેણે હાથીભાઈની નિશાળ જોઈ. બચ્ચાંઓને રમતના મેદાનમાં રમતાં જોયાં. પેરુ પોપટે જોયું કે જંગલનાં બાળકો તો હજુ 'હૂપ-હૂપ' અને 'ટેહુક-ટેહુક' જ કરે છે!
પેરુને વિચાર આવ્યો, 'લાવ ને, અહીં અંગ્રેજી સ્કૂલ ખોલું! મારી કમાણી થશે અને મારો વટ પડી જશે.'
શાળાના મેદાનમાં એક મોટો લીમડો હતો. પેરુ પોપટ તો લીમડાની ડાળીએ આવીને બેઠો. બોલ્યો, 'હેલો… હાઉ આર યુ?'
જંગલનાં ભોળાં બાળકો તો ચોંકી ગયાં! વાંદરાનું બચ્ચું તો હૂપ કરતું ઝાડની ડાળે પહોંચીને કહે, 'આ શું બોલ્યા, પોપટભાઈ?'
પેરુએ અદાથી કહ્યું, 'અરે! આ અંગ્રેજી છે. શહેરમાં તો બધાં આ જ ભાષા બોલે. જો તમારે મોટા માણસ બનવું હોય, તો અંગ્રેજી આવડવું જ જોઈએ!'
બધાં બચ્ચાં તો પેરુને અંગ્રેજી બોલતો જોઈ રહ્યાં.
પિન્ટુ પોપટ પેરુને સમજાવે, 'દીકરા, હું જાણું છું તને. તેં અંગ્રેજી ભણીને શું ઉકાળ્યું? તું જંગલનાં ભોળાં લોકોને ભરમાવીશ નહીં.'
પેરુ કહે, 'ડોન્ટ વરી, ફાધર! આ અંગ્રેજીથી જ હું કમાણી કરીશ. તમારે હવે કોઈ કામ નહીં કરવું પડે.'
ધીરે ધીરે પેરુ પોપટ જંગલમાં ફરવા લાગ્યો. સવારમાં કોઈ મળે તો મીઠું મીઠું બોલે, 'હેલો અંકલ, હેલો આન્ટી, ગુડ મોનગ, હેવ અ નાઈસ ડે.' રાત્રે તો બધાંને ઘેર-ઘેર જઈને 'ગુડ નાઇટ' કહી આવે પછી જ સૂવે. 'થેન્ક યુ' અને 'સોરી' તો એના મોઢે જ રમે.
જંગલનાં ભોળાં પ્રાણીઓ તો પોપટભાઈના અંગ્રેજીથી અંજાઈ ગયાં. બધાં પ્રાણીઓને પોતાના બાળકોને અંગ્રેજી ભણાવવાની ઈચ્છા જાગી. પેરુ પોપટની વાત સાંભળીને બધાં વિચારમાં પડી ગયાં, 'આપણાં બાળકો તો હાથીભાઈની સ્કૂલમાં આપણી જ ભાષામાં ભણે છે, કદાચ એટલે જ આપણે પાછળ છીએ.'
વાલીઓએ હાથીભાઈને વાત કરી. હાથીભાઈએ સમજાવ્યા, 'તમે બધાં ખોટી ચિંતા કરો છો. અંગ્રેજી આવડે તો જ જીવનમાં આગળ વધાય, આ સમજ તમારી સાવ ખોટી છે. જુઓ, આપણી સુગરીની દીકરી રિન્કી શહેરમાં આકટેક્ટ છે. વાંદરાભાઈનો દીકરો મોન્ટુ ડાક્ટર છે. તેઓ માતૃભાષામાં જ ભણ્યાં હતાં. પાયો પાકો હશે તો ઈમારત ચણાશે.'
પણ પેરુ પોપટે જંગલમાં એવી હવા ઊભી કરી દીધી હતી કે કોઈએ હાથીભાઈની વાત માની નહીં. બધાંએ પોતાનાં બચ્ચાંઓને પેરુ પોપટની 'ઇંગ્લિશ સ્કૂલ'માં મૂકી દીધાં.
થોડા દિવસો વીત્યા. હવે જંગલમાં વિચિત્ર અવાજો આવવા લાગ્યા. મોર હવે 'ટેહુક-ટેહુક' કરવાને બદલે 'રેઈન રેઈન ગો અવે, રેઈન રેઈન ગો અવે'ની રાડારાડ કરવા લાગ્યા. કોયલ રાણી 'કૂહુ-કૂહુ' ભૂલી ગઈ અને વિચિત્ર અવાજે 'બ્લેક બર્ડ સિંગિંગ… બ્લેક બર્ડ સિંગિંગ'નું ગાણું ગાવા લાગી. ચકલી ચીં ચીં છોડી 'ટીર્ ટીર્' કરે અને કાગડો કા કા ભૂલી 'ક્રો-ક્રો' કરે!
જંગલનો મીઠો કલરવ જાણે ઘોંઘાટ બની ગયો! ન તો કોઈને ગીત ગાવાની મજા આવે, ન સાંભળવાની. કોઈને કોઈની વાત સમજાય પણ નહીં. બચ્ચાં ગોખેલું અંગ્રેજી બોલે પણ તેમાં કોઈ ભાવ કે મીઠાશ ન મળે. મા-બાપ પણ કંટાળી ગયાં. બચ્ચાં આખો દિવસ ગોખ-ગોખ કરે, રમવાનો પણ સમય ના રહે. બધાં હવે તો કંટાળ્યાં અને ચિડચિડાં થઈ ગયાં. જંગલમાં જ્યાં હસીખુશીનું વાતાવરણ હતું એ વાતાવરણ જ ડહોળાઈ ગયું.
વાલીઓએ પેરુ પોપટને વાત કરી, 'સાહેબ, બાળકો તો હોશિયાર થવાને બદલે નબળાં પડતાં જાય છે.'
પેરુ પોપટ વટથી કહે-
'તમે ના લો ટેન્શન,
રાખો મારું ટયૂશન.
આપીશ હું લેસન,
રાખો જરા પેશન્સ!'
વાલીઓ તો હવે મૂંઝાયા! એક તો સ્કૂલની ફી વધારે જ હતી, હવે ઉપરથી ટયૂશનના ખર્ચા? વાલીઓને હવે સમજાયું કે આ તો બાવાના બેય બગડયા! બાળકો નથી આપણી ભાષા સરખી બોલતાં કે નથી અંગ્રેજી સાચું બોલતાં. ઊલટાના ફી ભરવામાં ખિસ્સાં ખાલી થઈ ગયાં તે નફામાં.
છેવટે બધાં ભેગાં થઈ ફરીથી હાથીભાઈ પાસે ગયાં. હાથીભાઈએ હસીને કહ્યું, 'મેં તો તમને પહેલાં પણ સમજાવ્યાં હતાં. જુઓ, અંગ્રેજી એક ભાષા છે, જ્ઞાન નથી. બાળકોની કલ્પનાશક્તિ માતૃભાષામાં જ ખીલે. બાળક જ્યારે પોતાની ભાષામાં વિચારે, ત્યારે જ તેનો સાચો વિકાસ થાય.'
પેરુ પોપટ હાથીભાઈની વાત સાંભળતો હતો. હવે તેને પણ પોતાની ભૂલ સમજાઈ. તેને લાગ્યું કે કમાણીની લાલચમાં તેણે જંગલની શાંતિ ડહોળી નાખી છે. તેણે બધાની માફી માંગી, 'આઈ એમ સોરી… અરે, સોરી નહીં, હું દિલગીર છું. મને માફ કરો. તમે જે સજા આપશો તે ભોગવવા હું તૈયાર છું!'
પેરુની વાત સાંભળી બધાં એકબીજાની સામે જોવા લાગ્યાં.
હાથીભાઈએ સૂંઢથી પેરુને પાસે બોલાવી કહ્યું, 'સજા તો તને મળશે જ.'
પેરુ પાંખો જોડી સાંભળી રહ્યો.
હાથીભાઈ કહે, 'તારે અહીં રહીને જ બાળકોને અંગ્રેજી ભણાવવું પડશે.'
આ સાંભળી પેરુ ખુશ થતાં કહે, 'હવેથી બાળકો હાથીભાઈની નિશાળમાં જ ભણશે. હું ત્યાં એક વિષય તરીકે અંગ્રેજી શીખવીશ.'
બધાંએ તાળીઓ પાડી હાથીભાઈ અને પેરુ પોપટને વધાવ્યા. ફરીથી જંગલમાં 'હૂપ-હૂપ' અને 'ટેહુક-ટેહુક'નો કલરવ ગૂંજી ઊઠયો. બધાં બાળકો ખુશીથી ગાવા લાગ્યાં-
'માતૃભાષા છે અમારી,
સૌથી પ્યારી 'ને ન્યારી.
બોલવામાં મીઠી મધુરી,
જાણે હેતની ફૂલવારી.
માતૃભાષાને ના ભૂલીશું,
અંગ્રેજી પણ શીખીશું!'