Zagmag

ડેનિયલ દેડકો

By GS Team
28 Aug 20262 mins read
ડેનિયલ દેડકો
  • પછી એકાએક એને ધ્યાન આવ્યું, 'હું માણસ કેવી રીતે બન્યો?' એણે પોતાને અરીસામાં જોયો. એને આશ્ચર્ય સાથે આનંદ થયો. પછી તો એને ખૂબ મજા પડી - જાતજાતનાં પકવાન, ને ભાતભાતની વાનગીઓ, અનોખો મહેલ!
  • નેહા પટેલ 'નેહ'

ડેનિયલ દેડકો એક સુંદર તળાવમાં રહેતો હતો. તે ખૂબ જ મોજીલો હતો અને હંમેશાં ખુશ રહેતો. મોસમ બદલાઈ ને તળાવમાં ખૂબ સુંદર મજાનાં ગુલાબી કમળ ખીલ્યાં. ડેનિયલ દેડકો તો એ દિવસે ખુશ ખુશ થઈ ગયો. આખો દિવસ કૂદાકૂદ કરીને થાકી ગયો, ને એક મોટા કમળ પાસે જઈ ચડયો. એ કૂદકો મારીને કમળ પર ચડયો, ને કમળની કોમળ પાંખડી પર એને નિદ્રા આવી ગઈ. પાંખડીઓ બીડાઈ ગઈ.
સવારે ડેનિયલ જાગ્યો તો આ શું!? એ તો કોમળ મખમલની પથારીમાં છે! તેને ખૂબ આશ્ચર્ય થયું. ત્યાં જ એના કાને અવાજ આવ્યો, 'સુપ્રભાત રાજકુમાર!'
એ વિચારમાં પડયો, 'મને માનવની ભાષા કેવી રીતે સમજાઈ?' પછી એકાએક એને ધ્યાન આવ્યું, 'હું માણસ કેવી રીતે બન્યો?' એણે પોતાને અરીસામાં જોયો. એને આશ્ચર્ય સાથે આનંદ થયો. પછી તો એને ખૂબ મજા પડી - જાતજાતનાં પકવાન, ને ભાતભાતની વાનગીઓ, અનોખો મહેલ! એ તો વટથી ઘોડા પર બેસીને ફરવા નીકળ્યો.
નગરથી બહાર નીકળ્યો ત્યાં થોડે દૂર કેટલાક ડાકુઓ આવતા દેખાયા. રાજકુમાર ડેનિયલ સાવધ થઈ ગયો, ને હિંમતભેર સામનો કરતો તલવાર ચલાવવા લાગ્યો. ત્યાં તો આ શું? એક તીર આવીને સીધું એને ભોંકાયું…
'આહ…!' એક ચીસ પડી ને તે સાથે જ ડેનિયલને ઝબકારો થયો. ને આ શું… એ તો કમળની પાંખડી પર સૂતો હતો ને સવાર થતાં ત્યાં આવેલા ભમરાએ એને ડંખ દીધો હતો!
ડેનિયલ દેડકાએ ઝડપભેર તળાવના પાણીમાં છલાંગ લગાવી અને પછી પોતાના સપના પર મરક મરક હસવા લાગ્યો ને ગાવા લાગ્યો-
'હું તો એક દિવસનો રાજકુમાર!'