ચીન્કી ચકીનું ઘર

- ચીન્કીએ એક પછી એક બધાં પીંછાં ઝાડની ઊંચી ડાળી પર મૂકી દીધાં. એટલામાં જોરદાર પ્રકાશ થયો. બધાં પંખીઓ આશ્ચર્યથી જોવા લાગ્યાં.
- ભાવના હેમંતકુમાર વકીલના
એક સમયની વાત છે. લીલુંછમ હરિયાળું જંગલ હતું. તેમાં એક વિશાળ વૃક્ષ હતું. એ વૃક્ષ પર અનેક પંખીઓ રહેતાં હતાં. તેમાં એક નાનકડી ચકલી રહેતી હતી. તેનું નામ ચીન્કી હતું.
દર વર્ષે શિયાળો, ઉનાળો અને ચોમાસું જેવી તુઓ આવતી. ચીન્કી અને તેનો પરિવાર ભેગા મળીને ખૂબ આનંદ કરતા. પરંતુ એક દિવસ જોરદાર પવન ફૂંકાયો, વાવાઝોડું આવ્યું અને ચીન્કીનો માળો તૂટી ગયો. હવે ચીન્કી એકલી પડી ગઈ હતી. તેને પોતાનું ઘર ખૂબ યાદ આવતું. તે એકલી આકાશમાં ઊડતી અને અનેક વૃક્ષો પર નજર કરતી. તેની આંખોમાંથી આંસુનાં ટીપાં ધરતી
પર પડતાં.
ચીન્કી ખૂબ મહેનતુ, દયાળુ અને હિંમતવાન હતી. પરંતુ હવે તેની પાસે પોતાનું ઘર ન હતું. દર વખતે તે મહેનત કરીને ચાંચમાં સૂકા તણખલાં ભેગાં કરતી અને પોતાનો માળો બનાવતી. પરંતુ વરસાદ કે પવનનું તોફાન આવતું એટલે તેનો માળો તૂટી જતો. ચીન્કી પોતાના સુખના દિવસોને યાદ કરતી અને ખૂબ નિરાશ થઈ ગઈ હતી.
એક દિવસ આવી જ રીતે ચીન્કી દુખી થઈને ઝાડની ડાળી પર બેઠી હતી. તેણે જોયું કે સોનેરી પાંખોવાળી એક વૃદ્ધ પરી ત્યાં આવી. તેના હાથમાં ચમકતી જાદુઈ લાકડી હતી. વૃદ્ધ પરી એ જ વૃક્ષની નીચે ઊભી રહી. તેણે ઉપર જોયું અને
ચીન્કીને જોઈ.
'ચીન્કી, તું આટલી ઉદાસ કેમ છે? તને શું દુખ છે?' વૃદ્ધ પરીએ ખૂબ પ્રેમથી પૂછયું.
ચીન્કીએ કહ્યું, 'કેટલાક સમય પહેલાં વાવાઝોડામાં અમારું ઘર તૂટી ગયું. હું વારંવાર ઘર બનાવું છું, પરંતુ દર વખતે કુદરત તેને તોડી નાખે છે. ક્યારેક વરસાદમાં તો ક્યારેક પવનમાં મારું ઘર તૂટી જાય છે. શું મારું ક્યારેય સુંદર ઘર
નહીં બને?'
વૃદ્ધ પરી હસી પડી અને બોલી, 'જો તું માત્ર પોતાના માટે નહીં, પણ બીજા માટે પણ વિચારશે, તો તને એક ચમત્કાર મળશે.' આટલું કહી વૃદ્ધ પરી અદૃશ્ય થઈ ગઈ.
બીજે દિવસે ચીન્કીને એક ઘાયલ પતંગિયું મળ્યું. તે ખૂબ ઈજાગ્રસ્ત હતું. ચીન્કીએ તેની સેવા કરી અને તેને સારું કર્યું. પતંગિયું પ્રેમભરી નજરે ચીન્કીને જોઈ રહ્યું અને થોડીવારમાં આકાશમાં
ઊડી ગયું.
એક દિવસ ચીન્કી ઊડતી ઊડતી જઈ રહી હતી. તેણે નીચે જોયું તો એક નાનું સફેદ સસલું રસ્તો ભૂલી ગયું હતું. ચીન્કી તરત જ તેની
પાસે ગઈ.
'સસલાભાઈ, તમે કયો માર્ગ શોધી રહ્યા છો?' તેણે પૂછયું.
સસલું પોતાના માતા-પિતાથી છૂટું પડી ગયું હતું. ચીન્કીએ તેને સાચો માર્ગ બતાવ્યો. સસલું ખૂબ ખુશ થયંં અને પોતાના માતા-પિતાને મળીને હરખાઈ ગયું. ચીન્કી અને નાનકડું સસલું બંને મિત્રો બની ગયાં. તેઓ વારંવાર મળતાં, વાતો કરતાં અને આનંદ કરતાં.
ચીન્કી જ્યારે પણ કોઈ સારું કામ કરતી, ત્યારે તેને એક ચમકતું સોનેરી પીંછું મળતું.
એક દિવસ તે નદીકિનારે ઝાડ પર બેઠી હતી. ત્યાં એક ખિસકોલી ખૂબ હાંફી રહી હતી. ચીન્કીને સમજાયું કે ખિસકોલી થાકી ગઈ હતી અને તેને તરસ લાગી હતી. ચીન્કીએ પોતાની પાંખોમાં પાણી ભરીને તરસી ખિસકોલીને પીવડાવ્યું.
આમ દિવસો વીતતા ગયા અને ચીન્કી સતત સારાં કાર્યો કરતી ગઈ. હવે તેની પાસે સાત સોનેરી પીંછાં ભેગાં થઈ ગયાં હતાં. અચાનક આકાશમાં રંગબેરંગી પ્રકાશ ફેલાઈ ગયો. સોનેરી પાંખોવાળી એ જ વૃદ્ધ પરી ફરી આવી.
'ચીન્કી, આ સાત પીંછાં તારાં સારાં કર્મોની ભેટ છે. હવે તેને વડના ઝાડની સૌથી ઊંચી ડાળી પર મૂકી દે.'
ચીન્કીએ એક પછી એક બધાં પીંછાં ઝાડની ઊંચી ડાળી પર મૂકી દીધાં. એટલામાં જોરદાર પ્રકાશ થયો. બધાં પંખીઓ આશ્ચર્યથી જોવા લાગ્યાં.
અનેક તણખલાં, પાંદડાં અને ફૂલોથી બનેલું એક અદભુત જાદુઈ ઘર તૈયાર થઈ ગયું! તેની દીવાલો સુગંધિત ફૂલોથી શોભતી હતી. બારીઓ સવારના સૂર્યપ્રકાશમાં ઝગમગતી હતી. ઘરનું છાપરું એવું મજબૂત હતું કે વરસાદનું એક ટીપું પણ અંદર આવવા દેતું નહોતું.
રંગબેરંગી ફૂલોથી છવાયેલું સુંદર નાનકડું ઘર જોઈને ચીન્કી ખૂબ ખુશ થઈ ગઈ. તે પોતાનું જૂનું દુખ જાણે ભૂલી ગઈ.
પરંતુ ચમત્કાર અહીં પૂરો થયો નહીં. જ્યારે પણ કોઈ પક્ષી ભૂખ્યું કે તરસ્યું ત્યાં આવતું, ત્યારે ઘરમાં આપમેળે દાણા અને પાણી આવી જતાં. જો ઘણાં પક્ષીઓ સાથે આવતાં, તો ત્યાં એક નાનકડું ઝરણું વહેવા લાગતું. જંગલના બધા પ્રાણીઓ આ જોઈને ખૂબ ખુશ થતા અને કહેતા, 'અરે! આ તો પ્રેમનું ઘર છે.'
વરસો વીતી ગયાં. ફરી શિયાળો આવ્યો, ઉનાળો આવ્યો અને ચોમાસું આવ્યું. એક દિવસ ભયંકર વાવાઝોડું આવ્યું. મોટા મોટા મજબૂત માળાઓ પણ તૂટી પડયા. ઘણાં પક્ષીઓ ઘરવિહોણાં થઈ ગયાં.
ચીન્કીએ તરત જ પોતાના જાદુઈ ઘરના દરવાજા ખોલી દીધા, 'બધાં અંદર આવી જાઓ!' તેણે
પ્રેમથી કહ્યું.
અને પંખીઓના આશ્ચર્ય વચ્ચે એવું બન્યું કે જેટલાં પક્ષીઓ અંદર જતાં, એટલું જ ઘર મોટું થતું જતું! કબૂતર, પોપટ, મેના, કાગડો, બુલબુલ-બધાં જ તેમાં સમાઈ ગયાં. સુંદર સ્વચ્છ ઝરણું વહેવા લાગ્યું. બધાં પક્ષીઓએ ધરાઈને ખાધું, પાણી પીધું અને શાંતિથી આરામ કર્યાે.
થોડીવારમાં વાવાઝોડું શાંત થઈ ગયું. બધાં પક્ષીઓ બહાર આવ્યાં. 'ચીન્કી, તું ઇચ્છે તો આ ઘર એકલી રાખી શકતી હતી.' બધાંએ કહ્યું.
ચીન્કી હસીને બોલી, 'ઘર મોટું હોય તે મહત્ત્વનું નથી, દિલ મોટું હોવું જોઈએ.'
એટલામાં સોનેરી પાંખોવાળી પરી ફરી પ્રગટ થઈ, 'ચીન્કી, આજથી તારું ઘર ક્યારેય નાશ નહીં પામે, કારણ કે આ ઘર જાદુથી નહીં, પરંતુ દયા અને પ્રેમથી બન્યું છે.' આટલું કહી પરી આકાશમાં અદૃશ્ય થઈ ગઈ.
વર્ષો વીતી ગયા. જંગલમાં જન્મતાં દરેક નાના પક્ષીને તેના માતા-પિતા ચીન્કીનું ઘર બતાવતાં અને કહેતાં, 'જુઓ, આ ઘર માત્ર તણખલાંથી નથી બન્યું, પરંતુ સારાં કર્મોથી બન્યું છે.'
તે દિવસથી જંગલમાં કોઈ પક્ષી એકલું રહ્યું નહીં. બધાં પક્ષીઓ એકબીજાની મદદ કરવા લાગ્યાં. ચીન્કીનું જાદુઈ ઘર હંમેશાં પ્રેમ, મિત્રતા અને ખુશીઓથી ભરેલું રહ્યું.
જે બીજાનું ભલું કરે છે, તેના જીવનમાં કુદરત પોતે ચમત્કાર સર્જે છે.









