વાવ-થરાદ: મોરીખામાં દલિત યુવકના શંકાસ્પદ મોતનો કેસ: 84 દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો, રિ-પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vav-Tharad Lakhmiram Parmar Case: વાવ-થરાદ જિલ્લાના મોરીખા ગામે તળાવમાંથી મળી આવેલા દલિત યુવક લખમીરામ પરમારના શંકાસ્પદ મોતના મામલામાં મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં સત્ય સામે લાવવા અને નિષ્પક્ષ તપાસના હેતુથી ઘટનાના 84 દિવસ બાદ મૃતદેહને દફનાવેલા સ્થળમાંથી બહાર કાઢીને રિ-પોસ્ટમોર્ટમ તથા ફોરેન્સિક તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
દલિત સમાજના લોકો દ્વારા કલેક્ટર કચેરીએ ધરણાં કર્યા હતા
મળતી માહિતી અનુસાર, લખમીરામ પરમારના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માગ સાથે પીડિત પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ ખાતે શાંતિપૂર્ણ ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને રેન્જ આઈજીના આદેશથી અગાઉના તપાસ અધિકારી એસ. એમ. વારોતરિયા સામે તપાસમાં ભીનું સંકેલવાના આક્ષેપો બાદ તપાસ બદલીને સિદ્ધપુરના ડીવાયએસપી કે. કે. પંડ્યાને સોંપવામાં આવી હતી. નવા તપાસનીશ અધિકારીએ તટસ્થ તપાસની ખાતરી આપતાં પીડિત પરિવારે પોતાનું આંદોલન મોકૂફ રાખ્યું હતું.
આશ્વાસન બાદ તપાસના ભાગરૂપે પોલીસ અને વહીવટી તંત્રની ટીમ મોરીખા ગામની સ્મશાનભૂમિ ખાતે પહોંચી હતી અને દફનાવવામાં આવેલા યુવકના મૃતદેહને પુનઃ તપાસ (Exhumation/Re-postmortem) માટે બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ મૃતદેહને વધુ વિગતવાર પરીક્ષણ માટે અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવશે.
આ પણ વાંચો: વાવ-થરાદ કલેક્ટર કચેરીએ દલિત સમાજના આંદોલન વચ્ચે યુવકની તબિયત લથડી, રામધૂન બોલાવી વિરોધ
પોલીસ અધિકારીઓના વલણને લઈને નવો વિવાદ સર્જાયો
આ કામગીરી દરમિયાન સ્થળ પર પોલીસ અધિકારીઓના વલણને લઈને નવો વિવાદ સર્જાયો હતો. પરિવારજનો અને મીડિયાકર્મીઓનો આરોપ છે કે ઘટનાસ્થળે વીડિયો રેકોર્ડિંગ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરી સામે પીડિત પરિવાર અને દલિત અગ્રણીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેણે આક્ષેપ કર્યો હતો કે શંકાસ્પદ ઈસમો ખુલ્લેઆમ ફરી રહ્યા હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવતી નથી અને સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પીડિત પરિવાર અને દલિત સમાજ આજે પણ પોતાની માગણીઓ પર અડગ
•કેસમાં નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
•બનાવમાં જવાબદારો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવે.
•પીડિત પરિવારને વહેલી તકે ન્યાય આપવામા આવે.
પરિવાર અને સમાજના અગ્રણીઓએ પણ ચીમકી આપી છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરીને દોષિતો સામે કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યસ્તરે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
બીજી તરફ, સિદ્ધપુર ડીવાયએસપી કે. કે. પંડ્યાએ પત્રકારોને "કામગીરી પૂર્ણ થયા બાદ નિવેદન આપું છું" તેમ જણાવ્યું હતું, પરંતુ કામગીરી આટોપાયા બાદ તેઓ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના રવાના થઈ જતાં સ્થાનિકો અને મીડિયાકર્મીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો.




