ચાલુ વરસાદે વાવ-બુકણા રોડ પર નાળાની કામગીરીથી વાહનચાલકો પરેશાન, ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vav Bukna Road Culvert Work: વાવથી ખીમાણાવાસ, બુકણા અને અસારાને જોડતો નવો રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ બુકણા ત્રણ રસ્તા નજીક ચાલુ વરસાદ દરમિયાન જ રોડ પર નાળાં નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વરસાદે થતી આ કામગીરી અને અયોગ્ય આયોજનને લઈને સ્થાનિક ખેડૂતો તથા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
ચાલુ વરસાદે વાવ-બુકણા રોડ પર નાળાની કામગીરીથી વાહનચાલકો પરેશાન
બુકણા ગામના સ્થાનિક ખેડૂત ગણપતસિંહ રાજપુતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'ચાલુ વરસાદે નાળાં નાખવાથી રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે. આ નાળું જે દિશામાં મૂકવામાં આવી રહ્યું છે તેનાથી વરસાદી પાણી સીધું અમારા ખેતરોમાં ઘૂસશે અને જમીનનું ભારે ધોવાણ થશે. જો આ નાળું આડાને બદલે રોડની સાઇડમાં ઊભું નાખવામાં આવે તો પણ પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તેમ છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ભેદભાવ અને પક્ષપાદ પૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પોતાની મનમાની ચલાવવામાં આવે છે, જેથી કરીને અત્યારે આ સમસ્યા ઊભી થઈ છે.'
ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ
બુકણા ગામના લોકોના જણાવ્યા મુજબ, અસારા-વાવ ત્રણ રસ્તા નજીક સામાન્ય વરસાદમાં પણ રોડ પરથી પાણી વહી રહ્યું છે. જ્યાં ખરેખર પાણીનો ભરાવ થાય છે ત્યાં નાળાં મૂકવામાં આવ્યા નથી, જેના કારણે નવો બનેલો રોડ પણ ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે આ ઉપરાંત, અગાઉના બ્લોક થયેલા નાળાં હજુ સુધી ખોલવામાં આવ્યા નથી. ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે ગત વર્ષે પણ પાણી ભરાવાને કારણે સ્થાનિક ગૌશાળામાં ગાયોના મોત નીપજ્યા હતા, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
માર્ગ અને મકાન વિભાગની સ્પષ્ટતા
આ સમગ્ર મામલે રોડ-રસ્તા વિભાગના જવાબદાર અધિકારી સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, 'સરકારી જૂના નકશાના આધારે જ નાળાં નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ સ્થાનિક ખેડૂતોના આંતરિક વિવાદના કારણે કામગીરી અટકેલી હતી, જે હાલ પુનઃ શરૂ કરવામાં આવી છે.' તેમણે ગ્રામજનોના આક્ષેપોને ફગાવતા નિયમ મુજબ જ કામ થતું હોવાનો દાવો કર્યો હતો.









