વાવ-થરાદના વાસરડામાં તંત્રની ઘોર બેદરકારી: 35થી વધુ પરિવારો પાણી માટે તરસ્યા, શાળામાં પણ ટેન્કર મંગાવવું પડ્યું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vasarda Village Drinking Water Crisis, Vav Tharad News: વાવ તાલુકાના વાસરડા ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના અનુસૂચિત જાતિ વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થતાં છેલ્લા ઘણા સમયથી 30થી 35 જેટલાં પરિવારો પીવાના પાણીથી વંચિત છે. આટલું જ નહીં, ગામની શાળામાં પણ બાળકો માટે ટેન્કર મારફતે પાણી લાવવાની નોબત આવી રહી છે.
વાવ-થરાદના વાસરડામાં તંત્રની ઘોર બેદરકારી
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, તાજેતરમાં ચાલી રહેલા 'ભારતમાલા રોડ'ના કામકાજ દરમિયાન માટી ખોદકામ અને પુરાણ કરતી વખતે વાસરડા તળાવમાંથી નાખવામાં આવેલી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હતી. બાદમાં બેદરકારીપૂર્વક માટી પુરાણ કરી દેવાતાં આ પાઇપલાઇન દબાઈને સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. પાઇપલાઇન બંધ થવાના કારણે ગ્રામજનોને પાણી માટે દૂર-દૂર સુધી ભટકવાની ફરજ પડી રહી છે.
શાળામાં પીવાના પાણી માટે હાલાકી
ગામની શાળામાં પણ પાણી પૂરું પાડવા માટે ટેન્કરની મદદ લેવી પડી રહી છે, જેનાથી બાળકોના અભ્યાસ અને આરોગ્ય પર અસર પડી રહી છે. સ્થાનિક સરપંચ અને ગ્રામ પંચાયત કક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આ અંગે કોઈ સંતોષકારક પગલાં લેવામાં આવ્યા નથી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને વાસરડા ગામના પીડિત રહીશોએ તાલુકા વિકાસ અધિકારી વાવને લેખિત અરજી આપીને વહેલી તકે નવી પાઇપલાઇન નાખવા અથવા સમારકામ રિપેરિંગ કરાવીને નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની માગ કરી છે.
ઉગ્ર આંદોલનની ગ્રામજનોની ચીમકી
આ ઉપરાંત, આ અરજીની નકલ વાસરડાના સરપંચ/તલાટી-કમ મંત્રી અને વાવ થરાદના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરને પણ જાણ તથા યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે, જો સત્વરે પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.









