Vav - Tharad

થરાદની નર્મદા કેનાલ બની 'મૃત્યુપાશ': જમડા પુલ પાસે કેનાલમાં ડૂબી જતાં સાળા-સસરાના મોત, ઘટનાને પગલે તાર ફેન્સિંગની માગ

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
થરાદ નજીક નર્મદા કેનાલ ફરી જીવલેણ સાબિત થઈ છે. 02 ઑગસ્ટ 2026ના રોજ સાંજે જમડા પુલ પાસે જમાઈને બચાવવા પડેલા 38 વર્ષીય નીલાભાઈ ઠાકોર અને 22 વર્ષીય ઈશ્વરભાઈ ઠાકોર (સસરા-સાળો) ડૂબી ગયા. ફાયર બ્રિગેડે મોડી રાત સુધી શોધખોળ બાદ 3 ઑગસ્ટે સવારે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા. તંત્રની બેદરકારીથી ગ્રામજનોમાં રોષ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

થરાદની નર્મદા કેનાલ બની 'મૃત્યુપાશ': જમડા પુલ પાસે કેનાલમાં ડૂબી જતાં સાળા-સસરાના મોત, ઘટનાને પગલે તાર ફેન્સિંગની માગ

Tharad Narmada Canal: થરાદ વિસ્તારમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ હવે સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે 'મૃત્યુપાશ' સમાન સાબિત થઈ રહી છે. કેનાલ પર તાર ફેન્સિંગ (સુરક્ષા જાળી) બનાવવા માટે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં, જવાબદાર તંત્ર અને રાજકીય નેતાઓ આ ગંભીર મુદ્દે આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આક્રોશ પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે.

​અગાઉની ચૂંટણીઓ સમયે રાજકીય નેતાઓ દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી કે, અગમ્ય કારણોસર કેનાલ તરફ જતા લોકો કેનાલના ઊંડા પાણી અને કાદવ-કીચડમાં ફસાઈને જીવ ન ગુમાવે તે માટે કેનાલની બંને બાજુ તાર ફેન્સિંગ બનાવવામાં આવશે. જો કે, ચૂંટણી પૂરી થતાં જ આ જાહેરાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને સુરક્ષાના અભાવે અવારનવાર નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

જમડા પુલ પાસે હૃદયદ્રાવક ઘટના: જમાઈને બચાવવા જતાં સાળા-સસરા ડૂબ્યા

​આ જ બેદરકારીનો ભોગ વધુ એક પરિવાર બન્યો છે. 02 ઑગસ્ટ 2026ના રોજ સાંજે 7:25 વાગ્યે થરાદના જમડા પુલ નજીક મુખ્ય નર્મદા કેનાલમાં જમાઈએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું. જમાઈને પાણીમાં ડૂબતો જોઈ તેને બચાવવા માટે તેના બે સાળા અને સસરાએ પણ કેનાલમાં છલાંગ લગાવી હતી. પરંતુ પાણીમાં કૂદેલા પરિવારના સભ્યોને તરતાં આવડતું ન હોવાથી ચારેય જણા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.

​ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહમત બાદ જમાઈ તથા એક સાળાને સુરક્ષિત બહાર કાઢી બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક સાળો અને સસરા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ: મોડી રાત બાદ સવારે બંનેના મૃદદેહ મળ્યા

​બનાવ અંગે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કેનાલમાં મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી. જો કે, રાત્રિના અંધારાના કારણે સફળતા મળી નહોતી. 3 ઑગસ્ટે વહેલી સવારે ફાયર ફાઈટરો દ્વારા ફરીથી વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કલાકોની ભારે જહમત બાદ બંનેના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકોના નામ

​સસરા: નીલાભાઈ રાણાભાઈ ઠાકોર (ઉં.વ.38)
​સાળો: ઈશ્વરભાઈ નીલાભાઈ ઠાકોર (ઉં.વ. 22)
(રહે. બોમણાની કેપ/ઢાણી, તા. થરાદ)

​બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાળો-સસરાના અકાળે અવસાનથી બોમણા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોક છવાયો છે. સ્થાનિકો હવે એક જ માગ કરી રહ્યા છે કે તંત્ર વહેલામાં વહેલી તકે જાગે અને નર્મદા કેનાલ પર તાર ફેન્સિંગનું કામ પૂર્ણ કરે જેથી આવી દુખદ ઘટનાઓ રોકી શકાય.